કંપનીના એક્ઝિક્યુટીવ લાયઝન ઑફિસર રોહિત જોશીએ નખત્રાણા પોલીસ મથકે અર્જુનસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, દિલુભા સોઢા, વિરલસિંહ, ભાવેશ બાવાજી, બાબુ ભાદાણી, હિંમતસિંહ, હિરાલાલ ગરવા, હિતેશ ગઢવી, અલી સમા, ઈદ્રીશ હાજી જુસબ, રમજાન સાટી એમ 12 લોકો વિરુદ્ધ નામજોગ અને અન્ય દસ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી લાકડીઓ ધારણ કરી વાહનોમાં નુકસાન પહોંચાડ્યું હોવા સહિત રાયોટીંગની વિવિધ કલમો તળે ફરિયાદ નોંધાવી હતી
અબડાસાના ધારાસભ્યના પુત્રની દાદાગીરી, વાહનોમાં કરી તોડફોડ - Etv Bharat
ભુજઃ નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામ નજીક ખાનગી કંપનીના વાહનો સાથે તોડફોડ કરાયાનો બનાવ બન્યો છે. જેમાં અબડાસા તાલુકામાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજાએ અન્ય 21 માણસોના ટોળાં સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આર્ચિયન કંપનીમાં મીઠું ભરવા જઈ રહેલી 6 ટ્રકોમાં તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ, હાજીપીર ફાટકથી દેશલપર ગુંતલી જતા રોડ પર પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તંબુ પાસે આ બનાવ બન્યો હતો. હાજીપીરમાં બ્રોમાઈન અને સૉલ્ટનું ઉત્પાદન કરતી આર્ચિયન કેમિકલ કંપનીએ મીઠાનું પરિવહન કરવા માટે કંપનીની માલિકીની 6 ટ્રકો ખરીદી છે. જેથી કંપની હવે સ્થાનિક ટ્રકમાલિકોને કામ-ધંધો નહીં આપે તે બાબતનું મનદુઃખ રાખી ટ્રક એસોસિએશનના પ્રમુખ અર્જુનસિંહ અને તેના સાગરિતોએ ટ્રકોમાં ધોકા-લાકડીઓથી આગલા કાચ અને હેડલાઈટ, બેકલાઈટ વગેરેમાં તોડફોડ કરી હતી અને ટ્રકોને એકબીજા સાથે ટકરાવી નુકસાન કર્યું હતું. ટોળાએ હુમલો કરતાં ટ્રકના ચાલકો ગભરાટનાં માર્યાં સ્થળ પરથી નાસી ગયાં હતા.
આ બાબતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે, હાલ પચ્છિમ કચ્છમાં કોઈ જ ધંધો રોજગાર રહ્યા નથી આ સ્થિતીમાં માત્ર આર્ચિયન કંપની નામક પરીહવન છે. આથી પશ્વિમ કચ્છ ટ્રક માલિક મંડળે પોતાની રજુઆતો કરી છે. આ વચ્ચે કંપનીઓ પોતાના નવા વાહનો ખરીદી લેતા ટ્રક માલિકોમાં રોષ છે અને તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ ખોટો બનાવ ઉપજાવી કાઢીને સંસ્થાના જવાબદારોને બદનામ કરાઈ રહ્યા છે જેની પોલીસ વિભાગને રજુઆત કરાઈ છે.