અંજાર: સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈએ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ-અંજાર અને ગાંધીધામ ખાતેની પાંચ પૈકી હરી ઓમ ઓલ્ડ અને હરી ઓમ ન્યુ તેમજ સ્ટર્લિગ, રામબાગ હોસ્પિટલ અને સેન્ટ જોસેફ હોસ્પિટલની સમીક્ષા કરી હતી. આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની તમામ વિગતો અને હોસ્પિટલની વિગતો જરૂરતમંદો મેળવી શકે છે.
પૂર્વ કચ્છના કોવિડ-19 કન્ટ્રોલ રૂમની રાજયપ્રધાને મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી - vasanbhai ahir minister of state
અંજાર પ્રાંત કચેરી ખાતે અંજાર કોવીડ-19 કન્ટ્રોલરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે કોવીડ-19 માટે કાર્યરત હોસ્પિટલો અને કોવીડ હેલ્પ કેર સેન્ટર પર દર્દીઓ, હોસ્પિટલ અને તેમાં રખાયેલા સાધન સામગ્રીની તમામ વિગતો અને દર્દીની હાલત વિશે માહિતગાર કરે છે. અંજાર પ્રાંત કચેરી ખાતે પ્રારંભ કરાયેલા હેલ્પ ડેસ્ક કન્ટ્રોલરૂમની રાજયપ્રધાન વાસણભાઇ આહિરે મુલાકાત લીધી હતી. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈને છ હોસ્પિટલની ઓનલાઇન સમીક્ષા કરી હતી.
દર્દીને અપાતી સારવાર, ઈન્વેસ્ટીગેશન, સિટીસ્કેન, દર્દીની કન્ડીશન, પ્રાથમિક સુવિધાઓ તેમજ દર્દીની દૈનિક ક્રિયાઓની માહિતી મેળવી હતી. કોવીડ-૧૯ હોસ્પિટલો અને કોવીડ કેર સેન્ટરની ડિઝીટલ પ્લેટફોર્મ પરથી જ સમગ્ર માહિતી મેળવી તેમણે આરોગ્ય કર્મીઓ અને અંજાર પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીને કામગીરી બાબતે વિવિધ સુચનો કર્યા હતા. પૂર્વ કચ્છની કોરોના હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે સંકળાયેલા આરોગ્ય કર્મચારીઓ તેમજ ડોકટરો સાથે વીડિયો કોલના માધ્યમથી દર્દીને અપાતી સારવાર બાબતે વાતચીત કરી હતી.