ભુજ હાટ ખાતે હસ્તકલાના પ્રદર્શનમાં માઇક્રો મિનીએચર પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ કચ્છ:ભુજના ભુજ હાટ ખાતે હસ્તકલાના કારીગરોને તેમની કલા કારીગીરીની વસ્તુના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે 100 સ્ટોલ સાથેનો ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં જુદી જુદી કલાના દર્શન થયા છે. આ પ્રદર્શન જોઈને એવું લાગ્યું કે, જાણે ચિત્રનગરમાંથી પસાર થયા હોઈએ.
આ પણ વાંચો Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ
સંકળાયેલા કારીગરો:કચ્છમાં જેવી રીતે અનેક કળા સાથે સંકળાયેલા કારીગરો છે. તેવી જ રીતે રાજસ્થાનમાં પણ અવનવી કળાના કારીગરો છે. હાલમાં રાજસ્થાનની આવી જ એક અનન્ય કારીગરી કચ્છમાં ધૂમ મચાવી રહી છે. રાજસ્થાનના અજમેરના એક કારીગર માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ થકી ભુજના એક હસ્તકળા પ્રદર્શનમાં ખૂબ પ્રખ્યાત થયા છે. કાગળ ઉપરાંત ચોખા અને વાળ પર કરવામાં આવતી આ પેન્ટિંગ એટલી નાની હોય છે કે નરી આંખે તેને જોવું પણ અશક્ય છે.
ભુજ હાટ ખાતે હસ્તકલાના પ્રદર્શનમાં માઇક્રો મિનીએચર પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ ચોખાના દાણા અને વાળ પર પેઇન્ટિંગ:રાજસ્થાનના અજમેરના કિશનગઢના કારીગર સુદર્શન પારીખ છેલ્લા 25 વર્ષથી આ માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ કરી રહ્યા છે. તેમના પિતા એલ. કે. પારીખ પણ આ મિનીએચર પેઇન્ટિંગના ખૂબ જાણીતા કારીગર હતા. તેમની પ્રેરણાથી જ બીએસસી મેથેમેટિક્સનો અભ્યાસ કર્યા બાદ પણ સુદર્શન પારીખ આ કળાના પંથે આગળ વધ્યા. કાગળ પર મિનીએચર પેઇન્ટિંગ કર્યા બાદ તેમણે માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ તેમણે ચોખાના દાણા અને વાળ પર પણ પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું.
વડાપ્રધાને પણ ખૂબ પ્રશંસા કરી:ચોખાના દાણા અથવા વાળ પર કરેલી આ પેઇન્ટિંગ એટલી નાની હોય છે કે, તેને જોવા માટે ખાસ મેગ્નીફાયિંગ ગ્લાસની જરૂર પડે છે. સુદર્શન પારીખે જણાવ્યું હતું કે, તેમણે ગત વર્ષે આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ચોખાના દાણા અને વાળ પર કરેલા લખાણ ભેટ સ્વરૂપે મોકલ્યા હતા. જેની બદલે વડાપ્રધાને તેમની ખૂબ પ્રશંસા કરી હતી.
ભુજ હાટ ખાતે હસ્તકલાના પ્રદર્શનમાં માઇક્રો મિનીએચર પેઇન્ટિંગે જમાવ્યું આકર્ષણ શિલ્પ બજારનો પ્રારંભ:વૈશ્વિક મહામારી કોરોનામાં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધું બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે હાલમાં ભુજહાટ ખાતે ગાંધી શિલ્પ બજારમાં દેશના 12 રાજયોના કારીગરો રોજગારી મેળવી રહ્યા છે. ભુજ હાટ ખાતે 50 કારીગરો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પં.બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, કર્ણાટક, જોધપુર, જયપુર સાથે કચ્છ અને ગુજરાતના હસ્ત શિલ્પીઓના વિવિધ કલાકૃતિઓ, હાથશાળના નમૂનાઓનું પ્રદર્શન સહ વેચાણ થઇ રહ્યું છે.આ હસ્તકળા મેળામાં કાશ્મીરથી કેરળ અને કચ્છથી બંગાળ સુધીના કારીગરો પોત પોતાના પ્રદેશની અનોખી હસ્તકળાનું પ્રદર્શન અને વેંચાણ કરવા પહોંચ્યા છે.
આ પણ વાંચો Kutch Crime: વેપારી સાથે 3 વર્ષ પહેલા થઈ 8 લાખની ઓનલાઈન છેતરપિંડી, આજે પણ નથી આવ્યો કેસનો ઉકેલ
હાલ ભુજ શહેરમાં આવેલા ભુજ હાટ ખાતે ચાલુ થયેલ ગાંધી શિલ્પ બજાર હસ્તકળા પ્રદર્શનમાં સુદર્શન પારીખે ભાગ લીધો છે. પોતાની આ અવનવી કળા વડે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. ચોખાના દાણા અને વાળ પર લોકો પોતાનું અથવા પોતાના કોઈ સ્વજન અથવા તો સમગ્ર પરિવારનું નામ લખાવવા તેમની પાસે પહોંચી રહ્યા છે. માત્ર 20 મિનિટમાં જ આ માઇક્રો મિનીએચર પેઇન્ટિંગ તૈયાર થઈ જાય છે.---સુદર્શન પારીખ (અજમેરના મિનીએચર પેઇન્ટિંગના કારીગર)