કચ્છ: સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા કોલ્ડવેવની આગાહી (Coldwave forecast) કરવામાં આવી છે. ઠંડા પવનને કારણે દુધાળા પશુઓની શારીરિક ક્ષમતામાં પણ પરિવર્તન આવતુ હોવાથી દુધ ઉત્પાદનમાં ઘટાડો થાય છે.
કચ્છ જિલ્લામાં કુલ 20 લાખ જેટલું પશુધન
કચ્છમાં હાલ શિયાળાની પક્કડ જામી ચુકી છે અને લઘુત્તમ તાપમાનનો (Minimum temperature) પારો સતત નીચો જઈ રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી વધારે છે. હાલ કચ્છ જિલ્લામાં કુલ 20 લાખ જેટલું પશુધન છે, જેમાં 10 લાખથી વધુ ગાય અને ભેંસ વર્ગના પશુઓ રહે છે, તેના લીધે પશુપાલન ઉદ્યોગ પણ ખુબ જ ફુલ્યો ફાલ્યો છે.
કોલ્ડ વેવની અસર પશુઓ પર થવાથી દૂધ ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા
પશુપાલન વિભાગના અધિકારી ડૉ. હરેશ ઠકકરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું- હાલ શિયાળાનો કોલ્ડવેવ હોવાથી તાપમાન 5 ડિગ્રીથી નીચું જશે તો દુધાળા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં અશત: ઘટાડો (Decrease Milk production capacity) થશે. ઉપરાંત તમામ માલધારીઓ પોતાના પશુઓને ખુલ્લામાં રાખે છે માટે કોલ્ડવેવની અસર તળે પશુઓ પર ચયાપચયની પ્રક્રિયા પર અસર વધારે થતી હોય છે, તેના કારણે દૂધ ઉત્પાદન ક્ષમતા પર ખાસો એવો ફેરફાર થઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરાઇ જાણો પશુઓને ઠંડીથી કઈ રીતે બચાવી દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી શકાય?
જો માલધારીઓ દ્વારા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો તેમને ઠંડો પવન ન લાગે ઉપરાંત જો તેને પૂરક આહાર આપવામાં આવે તો પશુ ઠંડીનો સામનો આસાનીથી કરી શકશે. સાથે પશુઓને ઠંડું પાણી પીવા માટે આપવામાં આવે તો પશુઓ પૂરતું પાણી પી શકતા નથી માટે માલધારીઓએ પશુઓને હૂંફાળું પાણી આપવું જોઈએ. જેથી પશુઓની ચયાપચયની પ્રક્રિયા સારી રીતે થઈ શકે અને પરિણામે પશુઓને ઓછી ઠંડક લાગે અને દૂધ ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે સાથે સાથે માલધારીઓની નફાકારકતા પણ જળવાઈ રહેશે.
એકધારી ઠંડી અનુભવાશે તો દુધ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે છે: ચેરમેન સરહદ ડેરી
જિલ્લામાં ઠંડીના પ્રમાણનું જોર વધી રહ્યું છે જો એકધારી ઠંડી અનુભવાશે તો દૂધ ઉત્પાદનમાં પણ ઘટાડો થઈ શકે તેમ છે. આ બાબતે અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન (Vice Chairman of Amul Federation) અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલેએ (Valamjibhai Humble, chairman Sarhad Dairy) જણાવ્યું હતું કે, સરહદ ડેરીમાં અગાઉ 4.85 લાખ લીટર દૂધ આવતું હતું અને હાલ દૈનિક 5.25 લાખ લીટર દુધ આવી રહ્યું છે. જિલ્લામાં હાલ ઠંડી વધી છે. જો તાપમાનમાં હજુય ઘટાડો થશે અને ઠંડી વધુ તીવ્ર બનશે તો દુધાળા પશુઓની શારીરિક ક્ષમતામાં પણ પરિવર્તન આવશે જેનાથી દુધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ શકે છે.