કચ્છઃ જિલ્લામાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ( Rain in Gujarat)પધરામણી કરી છે. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સરહદી જિલ્લા કચ્છમાં વરસ્યો છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 99.44 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. મધ્યમ સિંચાઇના અને નાની સિંચાઇના અનેક ડેમો છલકાઈ ચૂક્યા છે. તો આજે અબડાસાના કચ્છની સૌથી મોટી ગૌશાળા અને પાંજરાપોળ ધરાવતા રાતા તળાવ ખાતે મેઘલાડું ઉત્સવનું ( Meghladu festival )આયોજન કરવામાં આવ્યું હતું.
અબડાસાના મોટા ભાગના તળાવ અને ડેમ છલકાયા -અઠવાડિયા સુધી અવિરત વરસાદ પડતાં અબડાસાના મોટા ભાગના તળાવ અને ડેમ છલકાઈ ગયા છે. સાથે ઐતિહાસિક અને જેમનાં નામથી માઁ આશાપુરાનું સ્થાનક ઓળખાય છે એ "રાતા તળાવ" પણ ઓગન્યું હતું. આ મેઘમહેરને સંતો મહંતોનાં વરદહસ્તે પોંખવા અને આ કુદરતી મહેરને યાદગાર કરવા મેઘ લાડુંના પ્રસાદનું( Meghladu festival in Kutch)આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃબેટમાં ફેરવાયું ઘેડ, ખેતર બન્યા તળાવ, જુઓ પંથકનો ડ્રોન વીડિયો
મેઘમહેરને વધાવવા એક મહોત્સવ -આ વર્ષે અબડાસામાં વરસાદ સારો થયો અને અછત પુરી થઈ ગઈ છે. આ વર્ષે અબડાસામાં આજ સુધી 485 મીમી એટલે કે 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે 1992 થી 2022 સુધીના સરેરાશ વરસાદ કરતા 70 મીમી વધારે છે. આ વર્ષે અબડાસામાં 116.87 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પરિણામે અહીંના તળાવો ડેમો છલકાઈ ગયા છે ત્યારે આજે મેઘમહેરને વધાવવા એક મહોત્સવ રૂપી મેઘલાડુંના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વરુણ દેવના વધામણાં સ્વરૂપે રાતા તળાવને વિધિવત રીતે વધાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃજાતમહેનત ઝીંદાબાદ: 90 વર્ષના દાદાએ 50 વર્ષના પુરૂષાર્થથી પહાડની વચ્ચે તળાવ ખોદ્યુ
મેઘલાડુંનો પ્રસાદ ધરાવવામાં આવ્યો -મેઘલાડું તેમજ તળાવ વધામણાંના કાર્યક્રમમાં અબડાસા તાલુકાના 18 વર્ણના લોકો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓ, મુંબઈ અને બેંગ્લોરથી સંસ્થા સાથે જોડાયેલા લોકો અને ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તો ગૌશાળાની ગાયોને પણ મેઘલાડુંનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. તળાવ વધાવતી વખતે તળાવમાં પોંખવામાં આવેલ પ્રથમ નાળિયેરને લઈ આવનાર તરવૈયાને 5100 રૂપિયાનું પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું.