ભુજ: પત્રકારો સાથે વાત કરતા રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ચીફ એન્જીનીયર એચ. સી. મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની ટીમે કચ્છ જિલ્લાના 1400 કિમીથી વધુ માર્ગોનો સર્વે હાથ ધર્યો છે અને રૂબરૂ મુલાકાતમાં તમામ માર્ગોની સમીક્ષા કરવામાં આવી છે. કચ્છમાં ભારે વરસાદના પગલે મુખ્ય માર્ગો સહિત રાજ્ય ધોરીમાર્ગ અને અન્ય પંચાયત સહિતના તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે અને તેની સમીક્ષા કરવામાં આવી છે.
કચ્છના તમામ કોઝવેને પુલમાં રૂપાંતરિત કરવાનું આયોજન, ભુજમાં રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની યોજાઈ બેઠક - પુલ બનાવવા આયોજન
કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક માર્ગોનું ધોવાણ થયું છે અને ખાસ કરીને અંતરિયાળ અને છેવાડાના માર્ગોમાં આવતા કોઝવેમાં ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં આગામી સમયમાં જિલ્લાના નવા પુલ બનાવવા સહિતના વિવિધ આયોજન હાથ ધરવામાં આવશે. ભુજ ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ચીફ એન્જીનીયર એચ.સી મોદીએ તંત્ર સાથે મીટિંગ કરી હતી અને આ બાબતે વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.
કચ્છમાં જ્યાંથી પાણીનું ભારે વહેણ પસાર થયું છે, ત્યાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. જો કે, તમામ માર્ગોમાં નાના-મોટા ખાડા પડ્યા છે. ખાસ કરીને કોન્ટ્રાક્ટર દ્વારા પૂરા કરવામાં આવેલા ગેરેન્ટી પિરિયડના માર્ગોની સમારકામ શરૂ કરી દેવાયું છે અને પંદર દિવસની અંદર મેટલ અને ડામર પેચની કામગીરી પૂરી કરી લેવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને અંતરિયાળ વિસ્તારને જોડતા માર્ગોમાં બનેલા કોઝવેમાં નુકસાન થાય છે. આગામી સમયમાં કોઝવેમાં નાનામોટા પુલ અને ખાસ કરીને પાપડીને દૂર કરીને પાઇપ લગાવવા સહિતના આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું.