કચ્છ: લખપતમાં આવેલા આશાપુરા માતાજીના મંદિર માતાના મઢને બપોર પછી બંધ કરી દેવાયું છે. 31 માર્ચ સુધી મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ રહેશે. મંદિરમાં માત્ર પૂજારી જ પ્રવેશી શકશે અને સેવા-પૂજા કરતાં રહેશે. દર્શનાર્થીઓ માતાજીના દર્શન અને નવરાત્રિના કાર્યક્રમ મંદિરની વેબસાઈટ મારફતે ઓનલાઈન કરી શકશે. તેમ માતાના મઢ જાગીર ટ્રસ્ટના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજી કરમસિંહજી અને ટ્રસ્ટીગણે જણાવ્યું છે.
ભુજમાં આવેલા આશાપુરા માતાના મંદિરે પણ મંદિરમાં હાલપૂરતું માતાજીને ધરાવવા પ્રસાદ, શ્રીફળ, ફૂલહાર વગેરે ના લાવવા દર્શનાર્થીઓને સૂચના આપી છે. લોકોના સ્પર્શને ટાળવા માટે ચરણામૃત અને પ્રસાદ નહીં અપાય.
કચ્છના અનેક ધાર્મિક સ્થાનો બંધ કરાયા, ઘરબેઠા ઓનલાઈન દર્શન કરી શકાશે મંદિરના ઘંટને પણ ના સ્પર્શવા જણાવાયું છે. દરરોજ સાંજે બહેનો દ્વારા થતો સત્સંગ બંધ રાખવા નિર્ણય કર્યો છે. પરિસરમાં આવેલા વૉશબેસીનમાં સાબુથી બરાબર હાથ ધોઈને જ મંદિરમાં આવવા જણાવાયું છે. રેવચીધામ, જોગણીનાર મંદિર, કાળા ડુંગર દત્તમંદિર પર દર્શન અને ભોજનાલય બંધ કરી દેવાયા છે.
ભુજ સ્વામિનારાયણ મંદિર પણ આગામી રવિવારે જનતા કરફ્યુ નિમિત્તે સવારે 7થી રાત્રિના 9 કલાક સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. આ દિવસે મંદિરનું ભોજનાલય પણ સંપૂર્ણપણે બંધ રહેશે. હરિભક્તોને ઓનલાઈન દર્શન કરવા મંદિરના મહંતસ્વામી પુરાણી ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે.
આ વચ્ચે કચ્છ લેવા પટેલ સમાજ, ભુજના પ્રમુખે વિદેશી આવતાં સમાજના ભાઈ-બહેનોને સ્વેચ્છાએ 14 દિવસ સુધી ઘરમાં અલગ રહેવા અનુરોધ કર્યો છે. જો રોગના લક્ષણ દેખાય તો ગામની સરકારી હોસ્પિટલને જાણ કરવા જણાવ્યું છે, જયારે જખૌ માછીમાર એસોશિએશન દ્વારા પણ માછીમારો, ટંડેલો, શ્રમીકોને સાવચેતીની સુચના આપીને તંત્ર દ્વારા દર્શાવાયેલા તમામ પગલા ભરવા અને જાગૃતિ કેળળવા અનુરોધ કરાયો છે.