- ભુજના જાહેર માર્ગો તથા સોસાયટીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
- નગરપાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરાયો
- આગામી દિવસોમાં પાણી ન ભરાય તે માટે યોગ્ય કાર્યવાહી કરાશે
કચ્છ :અસહ્ય બફારા વચ્ચે આજે વહેલી સવારથી ભુજમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે સવારના છ વાગ્યાના અરસામાં એકાએક ઝાપટારૂપી પડેલો વરસાદ 15થી 20 મિનિટ વરસ્યો હતો. બપોરના સવા વાગ્યાની આસપાસ પણ એકા-એક 10થી 15 મિનિટ વરસાદ વરસ્યો હતો. શહેરના જાહેર માર્ગો તથા સોસાયટીના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા.
પ્રીમોન્સુનની કામગીરીના ભાગરૂપે સમયસર નાળાની સાફસફાઈની કાળજી રખાઇ
શહેરના ઘનશ્યામ નગર, વાણિયાવાડ, મહેર અલી ચોક, જૂના બસ સ્ટેશન રોડ , અનમ રીંગ રોડ તથા પીપીસી ક્લબ પાસે દર વર્ષે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. આ વખતે ભુજ નગરપાલિકાએ હમીરસરની પાણીની અવર-જવર માટે પ્રીમોન્સુનની કામગીરીના ભાગરૂપે સમયસર નાળાની સાફસફાઈની કાળજી રખાઈ હતી. આ નાળા સફાઈની કામગીરીમાં ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કરે કાળજી રાખી હતી. જેથી દર વર્ષે ભરાતા વરસાદી પાણી કરતા આ વર્ષે પ્રમાણમાં ઓછું પાણી ભરાયું હતું.
આ પણ વાંચો : પોરબંદરમાં ભૂગર્ભ ગટરના પાણી રસ્તા પર આવતા કોંગી નેતાઓએ આળોટીને નોંધાવ્યો વિરોધ
ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરાયો
આજે સવારના સમયે શહેરના સૌથી વધુ ધમધમતાં વિસ્તાર વાણિયાવાડ અને મહેર અલી ચોકના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ભુજ નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી પાણીનો નિકાલ થઈ ગયો હતો. આ ઉપરાંત શહેરના અનમ રીંગ રોડ વિસ્તારમાં આવેલા દુકાનો પાસે પણ ઘણાં વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જતું હોય છે.
નવી બોડીની ઝડપી કાર્યવાહીથી વેપારીઓ પ્રભાવિત થયા
સવારના વેપારી દ્વારા નગરપાલિકામાં ફોન કરવામાં આવ્યો હતો. તુરંત જ નગરપાલિકાના સફાઇ કામદાર દ્વારા સ્થળ પર પહોંચીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકાની નવી બોડીની ઝડપી કાર્યવાહીથી વેપારીઓ પ્રભાવિત થયા હતા અને નગરપાલિકાનો આભાર માન્યો હતો. આ ઉપરાંત સમસ્યા દર વર્ષે ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાત કરી હતી.