કચ્છ: સરહદી વિસ્તાર કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે. ત્યારે આજે સંભવિત વાવાઝોડા બિપરજોયની સંભાવના વચ્ચે આજે સાંજના સમયે 5:05 કલાકે પૂર્વ કચ્છના ભચાઉ નજીક 3.5 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો. વાવાઝોડાના ભય વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાતા લોકોમાં ચિંતા પ્રસરી હતી.
ભચાઉથી પાંચ કિમી દૂર નોંધાયું કેન્દ્ર:સરહદી જિલ્લા કચ્છમાં 2001ના ગોઝારા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરતપણે ચાલુ જ રહ્યો છે. આજે સંભવિત વાવાઝોડાના ભયના માહોલ વચ્ચે 5:05 કલાકે 3.5ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ, ચિરાઈ, રાપર સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ભચાઉથી 5 કિલોમીટર દૂર વેસ્ટ - સાઉથ વેસ્ટમાં નોંધાયો હતો.
કોઈ જાનહાનિ નહિ:કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આજે પણ એ જ ફોલ્ટ લાઈન પર લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. વાવાઝોડાની સંભાવના હેઠળ આવેલા ભૂકંપના આંચકાથી અત્યાર સુધી કોઈ નુકસાનીના સમાચાર નથી મળી રહ્યા.
ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ: કચ્છની ધરતી પર અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે અને લોકોને જૂના વિનાશક ભૂકંપોની યાદ અપાવે છે. વર્ષ 1819, 1956, 2001ના ભૂકંપોએ કચ્છને હચમચાવી નાખ્યો હતો. કચ્છમાં અગાઉ વાગડ વિસ્તારમાં આવેલ ફોલ્ટ લાઈન પર અવારનવાર આંચકાઓ નોંધાઈ રહ્યા છે.