કચ્છ-મોરબી લોકસભા બેઠક અનુસુચિત જાતિ માટે અનામત બેઠક છે. આ બેઠકમાં કચ્છની 6 અને મોરબી સહિત કુલ 7 વિધાનસભા બેઠકના 17 લાખ 30 હજાર મતદારો છે. સરહદી વિસ્તાર ધારાવતા કચ્છના મતદારો છેલ્લી 5 ટર્મ એટલે 25 વર્ષથી ભાજપના ઉમેદવારની સાથે રહ્યા છે. 2009માં નવા સિમાંકન બાદ મોરબીનો કચ્છ બેઠકમાં ઉમેરો થયો હતો. 2014ની ચૂંટણી બાદ કચ્છમાં 22 હજારથી નવા મતદારોનો સમાવેશ થયો છે. જેથી નવા મતદારોનો મૂડ નિર્ણાયક રહેશે.
2014માં ભાજપના વિનોદ ચાવડા 2 લાખ 54 હજારની લીડથી જીતી ગયાં હતાં. જ્યારે કોંગ્રેસ ડો. દિનેશ પરમારને હારનો સામનો કરવા પડ્યો હતો. ચાવડાની આ લીડ કચ્છના ઈતિહાસમાં સૌથી ઉંચી લીડ ગણવામાં આવે છે. વિનોદ ચાવડા સામે કામની નિષ્ક્રિયતા અને સ્થાનિક સંગઠન સાથે તાલમેલના અભાવની વ્યાપક ફરિયાદો છે. 2009માં ભાજપે મહિલા ઉમેદવાર તરીકે પૂનમ જાટને તક આપી હતી. પૂનમબેને 71 હજારની લીડથી કોંગ્રેસના વાલજી દનિચાને માત આપી હતી.