કચ્છમાં 6 હજાર હેકટરમાં તીડનું આક્રમણ, પરંતુ ખેડૂતોને નુકશાનની સંભાવના નહિવત - Locust
કચ્છના રાપર અને ભચાઉ તાલુકાની છ હજાર હેકટર જમીન વિસ્તારમાં રણતીડનું આક્રમણ થયું છે. જોકે ઉનાળુ પાક લેવાઈ ગયો છે અને ચોમાસાની વાવણી હજુ શરૂ થઈ રહી હોવાથી ખેડૂતોના નુકશાનની સંભાવના ઓછી છે. આ વચ્ચે કચ્છના ખેતીવાડી વિભાગ દ્વારા દવા છંટકાવ સહિતના પગલાં ભરાઈ રહ્યાં છે.
કચ્છઃ કચ્છના ખેતીવાડી અધિકારી વાય આઈ શિહોરાએ જણાવ્યુ હતું કે, હાલમાં કચ્છના રાપર અને ભચાઉના બેલા, આડેસર, સૈલારી સહિતના ગામોની આસપાસ રણતીડનું આક્રમણ જોવા મળી રહ્યું છે. રાજસ્થાન તરફથી અથવા પાકિસ્તાનના રણવિસ્તારમાંથી આ રણતીડના ઝૂંડ કચ્છમાં પ્રવેશ્યાં હોય તેવું જણાય છે. હાલમાં તીડ નિયંત્રણની કામગીરી ચાલી રહી છે. ખેતીવાડી વિભાગના સર્વેમાં છ હજાર હેકટર જમીન પર રણ તીડનું આક્રમણ હોવાનું જણાઈ આવ્યું છે. ગુરૂવારે સવારે સેલારી ગામ પાસે મોટા પ્રમાણમાં ઝૂંડ જોવા મળ્યાં છે.
રણતીડના આક્રમણને પગલે ખેતીવાડી વિભાગની 35 ટીમો કામે લાગી છેે અને દવા છંટકાવ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 249 હેકટરમાં દવા છંટકાવ વડે રણ તીડ પર નિયંત્રણ મેળવી લેવાયું છે અને હજુ કામગીરી ચાલી રહી છે. દરમિયાન રણતીડના આક્રમણને પગલે કચ્છના આ વિસ્તારના ખેડૂતોને ખાસ નુકશાનની સંભાવના નથી. ઉનાળુ પાક લેવાઈ ગયો છે અને હજુ ચોમાસાની વાવણી શરૂ થઈ છે. આ સ્થિતિમાં ખેડૂતોને નુકસાન નહિવત રહેશે.