ગુજરાત

gujarat

ETV Bharat / state

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે... - Inscriptions of Kutch

ક્ષત્રપ રાજવંશના સમયમાં લખાયેલા શિલાલેખોમાંથી સૌથી વધારે શિલાલેખ (Kshatrapa dynasty in Kutch) ભુજના કચ્છ મ્યુઝિયમ ખાતે આવેલા છે. અહીં પ્રદર્શનમાં રખાયેલા 10 જેટલાં શિલાલેખ અલગ અલગ સમયે કચ્છમાંથી મળી આવ્યા હતા અને આ શિલાલેખ કચ્છ મ્યુઝિયમને (Inscriptions of Kutch Museum) એક વિશેષ સ્થાન અપાવે છે. જાણો તેનો ઇતિહાસ અને મહત્વ વિશે...

Kshatrapa dynasty in Kutch
Kshatrapa dynasty in Kutch

By

Published : Jan 18, 2022, 10:14 AM IST

કચ્છ:કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શનમાં મુકાયેલા આ શિલાલેખ (inscriptions of the Kshatrapa dynasty) ક્ષત્રપ રાજવંશના સમયના લેખ છે, જે 35 CEથી 405 CE વચ્ચે લખવામાં આવ્યા છે. કચ્છ મ્યુઝિયમમાં આ ક્ષત્રપ રાજવંશના 11 શિલાલેખ આવેલા છે, જે ભારતના કોઈપણ મ્યુઝિયમમાં સૌથી વધારે છે. પશ્ચિમી ક્ષત્રપ રાજવંશનું શાસન ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી ફેલાયેલું હતું. આ શિલાલેખ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ ભાગોમાંથી મળ્યા હતા.

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

શકોએ શક સંવતની શરૂઆત કરી જે આજે રાષ્ટ્રીય સંવત છે

કચ્છમાં ઈસાની પ્રથમ શતાબ્દીના અંત ભાગમાં કુષાણ સત્તા ક્ષીણ થતાં ક્ષહરાત વંશના શક શાસકોના રાજ્યનું સુત્રપાત થયું પરંતુ ક્ષહરાત શકોનો વહેલો અંત આવ્યો અને ત્યાર પછી કર્દમક વંશમાં શકો (Kshatrapa dynasty in Kutch) સંપૂર્ણ કચ્છ સહિત ગુજરાત અને માળવાના સ્વામી થયા હતા. રસમોતિક અથવા ઘસ્મોતિક આ વંશનો સ્થાપક હતો પરંતુ તે કદાચ કુષાણોનું ખંડીયું સામંત માત્ર હતો. તેનો પુત્ર ચષ્ટન સ્વતંત્ર શાસક હોય તેમ જણાય છે. તેણે પોતાના રાજ્યની સ્થાપના સાથે પોતાની સ્મૃતિ ચિર રાખવા શક સંવત (saka samvat) ચાલુ કર્યો જે આજે આપણો રાષ્ટ્રીય સંવત છે.

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

આ લેખોએ આપણા દેશના ઈતિહાસમાં નવા અધ્યાયો જોડ્યા

સૌભાગ્યે આ કર્દમક શકો કે જેમને ઈરાની પદી સેન્ટ્રેપીનાં સંસ્કૃત સ્વરૂપે 'ક્ષત્રપ'ના નામે ઓળખવામાં આવે છે. કચ્છમાં જ સૌથી વધુ તેમના શિલાલેખો મળ્યા છે. આ શિલાલેખોનું મહત્વ ત્યારે જ સમજાય જ્યારે આપણને ખબર પડે કે આ શિલાલેખો માત્ર ઈતિહાસની ખૂટતી કડી પુરવાર થયા છે એવું નથી પરંતુ આ લેખોએ આપણા દેશના ઈતિહાસમાં નવા અધ્યાયો જોડ્યા છે.

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

દરેક લેખ મૃત વ્યકિતની યાદમાં મુકવામાં આવેલી પ્રસ્તર શિલા છે

સંગ્રહાલયમાંના ક્ષત્રપ શૈલ લેખો સમયે સમયે કચ્છના જુદા જુદા વિસ્તારોમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે. સૌપ્રથમ સંગ્રહાલયમાં ખાવડા નજીકના અંધૌ ટેકરામાંથી ચાર શિલાલેખો પ્રાપ્ત થયા હતા, જે સંગ્રહાલયના રેકોર્ડ મુજબ 1998માં મળ્યા હતાં અને પછી અન્ય છ લેખો મળ્યા હતાં. આ દસ શિલાલેખો ક્ષત્રપ શાસકોનો ઉલ્લેખ કરે છે અને દરેકમાં જે તે શૈલ લેખનાં ઉત્કીર્ણનની તિથિ દર્શાવે છે. આમ તો દરેક લેખ અમુક પ્રકારની લષ્ટિઓ કે જે મૃત વ્યકિતની યાદમાં મુકવામાં આવેલી પ્રસ્તર શિલા છે.

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

અંધૌના ચાર શિલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130નાં મૃત્યુ લેખો

ક્ષત્રપ વંશનો સૌથી જૂનો લેખ મધુકાનસનું નામ છે, જે અંધૌ શક સવંત 11 ઈસ 89નું છે. રાજાનું નામ વંચાતુ નથી પણ તે યશ મૌતિકનો વંશજ હોવાનું વંચાય છે, તેથી તે ચષ્ટન રાજા હોઈ શકે છે. અંધૌના ચાર શિલાલેખો શક સંવત 52 વિક્રમ સવંત 130ના મૃત્યુ લેખો છે. જેમાં સિંહીલ પુત્ર મદને યશદતાની સ્મૃતિમાં કરાવેલો, ઓપસની ગોત્રના ત્રેયદશતે પુત્ર રૂષભદેવની સ્મૃતિમાં કરાવેલો, સિંહીલ પુત્ર મદને બહેન જયેષ્ટવીસની સ્મૃતિમાં કરાવેલો, સિંહીલ પુત્ર મદને ભાઈ રૂષભદેવની સ્મૃતિમાં કરાવેલ હતા. ચપ્ટન અને રૂદુદાસ બે રાજાઓના નામો હોવાથી આ જોડીઆ રાજાઓ હતા તેમ મનાય છે.

જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

દોલતપર અને વાંઢનો લેખ પણ પ્રદર્શનમાં મુકાયો છે

આ 10 લેખોમાંથી એક દોલતપર લેખ પણ છે, જે સંસ્કૃતમાં છે અને શક સવંતનું નામ દર્શાવતો સૌથી જૂનો લેખ છે. શક સવંત 234ના આ લેખમાં રાજાનું નામ અષ્ટપષ્ટ છે પણ તેમાં ઈશ્વરવેવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક લેખ જે ખાવડાનો છે તેમાં જયદામન રાજાના પુત્ર રૂદ્રદામાનો વર્ષવાળો ભાગ ઉખડી ગયો છે, જેમને ક્ષેત્રપ વંશાવલી આપી છે. વાંઢનો લેખ છે તે શક સવંત 105નો છે. જેમા મહાક્ષત્રપ સ્વામી રૂદ્રદામનના પુત્ર રૂદ્રસિંહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમુક લેખોમાં પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે

આ તમામ લેખોની સ્ક્રિપ્ટ બ્રાહ્મી લિપિમાં અને તેની ભાષા પાલી છે તથા અમુક લેખોમાં પાલી સાથે સંસ્કૃત ભાષા પણ છે. આ શિલાલેખો થકી ક્ષત્રપ રાજવંશ વિશે જાણવા મળે છે કે તે સમયમાં પદાધિકારીઓ ક્ષત્રપ, મહાક્ષત્રપ, રાજા અને સ્વામી શીર્ષક આપવામાં આવતા હતા. આ શિલાલેખ થકી ન માત્ર એક રાજવંશ વિશે પણ ઇતિહાસ ઉપરાંત તે સમયના સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિ વિશે પણ ઘણી માહિતી મળે છે.

આ પણ વાંચો: Abu Dhabi Drone Attack: ડ્રોન એટેકમાં 2 ભારતીય સહિત 3ના મોત, હૂતીએ કર્યો હુમલાનો દાવો

આ પણ વાંચો: રનવે પર રી કાર્પેટીંગના કામને લીધે આજથી અમદાવાદ એરપોર્ટને 9 કલાક માટે કરાયું બંધ

ABOUT THE AUTHOR

...view details