- કચ્છમાં માતાના મઢની જમીન ભૂસ્તરશાસ્ત્રીઓના સંશોધનમાં મંગળ ગ્રહ જેવી
- NASA, ઈસરો તેમજ વિવિધ યુનિ.ના વૈજ્ઞાનિકો કરશે સંશોધન
- ફેબ્રુઆરી-2022માં સંશોધન પ્રક્રિયા હાથ ધરાશે
કચ્છઃ વર્ષ 2014-15 દરમિયાન નાસાના (NASA) ,ઇસરોના (ISRO) તથા ભારતની કેટલીક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માતાના મઢ ખાતે એક વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ જમીન અંગે તો પહેલેથી જ નાસા દ્વારા સંશોધન કરવામાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવી હતી કે મંગળ (Mars) ગ્રહ પર જેવી જમીન છે તેવી જમીન પૂરા વિશ્વમાં બીજે ક્યાં ક્યાં છે. ત્યારે ભારતમાં મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રશ્યો મંગળ ગ્રહની ભૂપૃષ્ઠ સાથે મેળ ખાતાં હોવાનું જણાયું હતું.
માતાના મઢ પાસે 3થી 4 વર્ગ કિલોમીટરમાં રંગીન ભૂમિ મંગળ ગ્રહ જેવી
કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે,"કચ્છના માતાના મઢ (Matana Madh) પાસે 3થી 4 વર્ગ કિલોમીટરમાં રંગીન ભૂમિ છે જે પીળા તથા લાલ રંગની તથા પીળા અને લાલ રંગના જુદાં જુદાં શેડ્સ જેવી જમીન છે. જેમાં અલગ પ્રકારની માટી મળી આવી છે આ માટીની તપાસ ભુસ્તરશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી હતી અને આ માટે volcanic eruption પછી જે ખાખ જમા થાય છે તેમાંથી બનેલી માટી છે તેવું બહાર આવ્યું હતું. આ પ્રકારની માટી મંગળ (Mars) ગ્રહ પર પણ જોવા મળે છે"
જમીનનો અભ્યાસ કરીને જુદું જુદું સંશોધન કરાશે
મંગળ (Mars)ગ્રહ પર જે જેરોસાઈટ (Jerosite) નામનો ખનીજ જોવા મળે છે તેવું જ ખનીજ કચ્છના માતાના મઢ (Matana Madh)ખાતે જોવા મળ્યો હતો અને પરિણામે વૈજ્ઞાનિકોની ઉત્સુકતા વધી હતી. અહીં જેટલી જમીન છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંગળ ગ્રહ પર તો કોઈ માનવી પહોંચી નથી શક્યો માટે આ માટી પર સંશોધન કરીને જાણી શકાશે કે મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફારને કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા.
જેરોસાઈટ ખનીજનું આર્થિક મહત્વ નથી
જેરોસાઈટ (Jerosite) ખનીજ કોઈ એવું ખનીજ નથી જેનું આર્થિક મહત્વ હોય. આ ખનીજ પૂરા પત્થરમાં 1 થી 2 ટકા જેટલું જ હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્વ નથી. માત્ર મંગળ (Mars) ગ્રહની એનાલોગ સાઈટ છે તેના વિશે જાણવા માટે આ ખનીજ ઉપયોગમાં આવે છે.