ગુજરાત

gujarat

શતાબ્દી મહોત્સવ સામાજીક એકતાને સુદ્રઢ કરવાની પીઠીકા: CM પટેલ

By

Published : May 12, 2023, 7:18 AM IST

અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં દ્વિતીય દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને રાષ્ટ્ર ગૌરવ સમારોહ નિમિત્તે સંબોધન કર્યું હતું.

કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છેઃ PM Modi
કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છેઃ PM Modi

કચ્છ: અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ નખત્રાણા દ્વારા આયોજિત સનાતની શતાબ્દી મહોત્સવમાં PM મોદી અને CM પટલે વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ વર્ચ્યુઅલ વક્તવ્યમાં વડાપ્રધાને કહ્યું હતું કે, કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે. ભારતના કોઈપણ ખૂણામાં જાઓ ત્યાં કચ્છીમાડુઓની હાજરી અચૂક હોય જ છે. "કચ્છડો ખેલે ખલક મેં..." ઊક્તિ સાથે સંબોધન પણ કર્યું હતું.

ત્રિવેણી સંગમઃ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે મારા માટે સોનામાં સુગંધ ભળે એવો પ્રસંગ છે. કારણ કે શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે. વડાપ્રધાનએ મંચ પરથી શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યને પ્રણામ કર્યા હતા. સમાજની સેવાના 100 વર્ષનો પુણ્યકાળ, યુવા પાંખના 50 વર્ષ અને મહિલા પાંખના 25 વર્ષ પૂર્ણાહુતિનો આ ત્રિવેણી સંગમ એક સુખદ સંયોગ છે.

કચ્છ એ ગુજરાતનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ

સનાતન અજર અમરઃજ્યારે કોઈ પણ સમાજના યુવાનો, માતાઓ બહેનો પોતાના સમાજની જવાબદારી પોતાના જ ખભા પર લે છે ત્યારે માની લેવું જોઈએ એ સમાજની સફળતા અને સમૃદ્ધિ નક્કી થઈ જાય છે. સનાતન માત્ર એક શબ્દ નથી પણ નિત્ય નૂતન છે, પરિવર્તનશીલ છે. જેમાં વીતેલી કાલથી પોતાને વધારે સક્ષમ બનાવવાની ચેષ્ટા છે. આથી જ સનાતન અજર અમર છે.

અખંડિત આસ્થાઃ કોઈપણ રાષ્ટ્રની યાત્રા તેના સમાજની યાત્રાનું જ એક દર્શન હોય છે. પાટીદાર સમાજનો અનેક વર્ષોનો ઈતિહાસ, 100 વર્ષની કચ્છ કડવા પાટીદાર સમાજની યાત્રા અને ભવિષ્યનું વિઝન એ ભારત અને ગુજરાતને જાણવા અને જોવાનું માધ્યમ પણ છે. સેંકડો વર્ષો પૂર્વે આ સમાજ પર વિદેશ આક્રમણકારોએ અત્યાચાર કર્યા છે. આમ છતાં સમાજના પૂર્વજોએ પોતાની ઓળખાણ બનાવી રાખીને પોતાની આસ્થાને ખંડિત થવા દીધી નથી.

અનેક સેક્ટરમાં દબદબોઃ આજે આપણે સદીઓ પહેલાના ત્યાગ અને બલિદાનના પ્રભાવને સફળ સમાજની પેઢી તરીકે જોઈ રહ્યા છીએ. આજે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો દેશ-વિદેશમાં પોતાની સફળતાની ધ્વજ પતાકા લહેરાવી રહ્યા છે. તેઓ જ્યાં પણ છે ત્યાં પોતાના શ્રમ અને સામર્થ્યથી આગળ વધી રહ્યા છે. આજે પાટીદાર સમાજના લોકો ટીમ્બર, પ્લાયવૂડ, હાર્ડવેર, માર્બલ હોય કે પછી બિલ્ડીંગ મટીરિયલ હોય તમામ સેક્ટરમાં છવાયા છે.

CMનું સંબોધનઃઆ સનાતની શતાબ્દિ મહોત્સવના દ્વિતિય દિવસના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાની હાકલ કરી છે. ત્યારે ‘એક ભારત’ના નિર્માણ માટે સામાજીક એકતા અનિવાર્ય છે. આપણું લક્ષ્ય એક બની, નેક બની ‘શ્રેષ્ઠ ભારત’, ‘વિકસિત ભારત’ના નિર્માણમાં યોગદાન આપવાનું છે. આ સનાતની શતાબ્દી મહોત્સવ સામાજીક એકતાને સુદ્રઢ કરવાની પીઠીકા સમાન છે. આ શતાબ્દી મહોત્સવથી સામાજિક એકતાનું લક્ષ્ય જરૂર પાર પડશે તેવો મુખ્યપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વંદન છે રત્નોનેઃ કચ્છના કડવા પાટીદારોએ તેમની મહેનત અને આવડતથી વિશ્વભરમાં નામના મેળવી છે. સમજણ, સંસ્કાર અને સાહસને વરેલા આ સમાજે ભૂતકાળમાં કઠીન સંજોગોમાં પણ મૂળ ધર્મની, સનાતનની જ્યોત પુન: પ્રગટાવી મૂળ ધર્મ તરફ પાછા વળવાનું ક્રાંતિકારી પગલું ભર્યુ હતું. કરાચી ખાતે પરિષદના માધ્યમથી શરૂ થયેલી આ સનાતની જ્યોત આજે વિરાટ મશાલ બની છે. ધર્મ શુદ્ધી અને સામાજીક શુદ્ધી માટે આ સનાતની પરંપરા શરૂ કરનારા સનાતની પાટીદાર રત્નોને વંદન છે.

આ પણ વાંચોઃ

  1. Bhuj News : ભુજના 13 તળાવને સુરક્ષિત કરવા માગણી, ભવિષ્ય માટે તળાવોને પુનર્જીવિત કરવાનો સમય પાકી ગયો
  2. Gujarat High Court News : નવી શિક્ષણનીતિ સામે ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચૂકાદો, વાલીને રાહત મળી
  3. Kheda News: વડાપ્રધાન મોદી દ્વારા વડતાલ મંદિરની ટપાલ ટિકિટ લૉંચ કરાશે

સંસ્કૃતિને વિશ્વમાં જીવંત રાખીઃમત્સ્યોદ્યોગ,પશુપાલન અને ડેરી કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે દેશ અને કચ્છની સંસ્કૃતિને વિશ્વમાં જીવંત રાખી છે. તેમણે પાટીદાર સમાજને હિન્દુ સમાજની કરોડરજ્જુ ગણાવીને પાટીદાર સમાજને સમાજના સારા પ્રસંગો સાથે પર્યાવરણને જોડવા આહવાન કર્યું હતું. સનાતન ધર્મ એટલે કાયમી ધર્મ. તેઓએ પાટીદાર સમાજે હિન્દુ સમાજની કરોડરજ્જુને સ્થિર રાખવા આવનારી પેઢી સુધી વડીલોની મહેનત, ધીરજ, સાહસ અને સંસ્કારના ગુણ જતનપૂર્વક પહોંચાડવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે ખેડૂતોને પાણી બચાવવા ટપક પદ્ધતિનો ઉપયોગ કરવા તેમજ સમગ્ર સમાજને પાણી, વીજળી, ઈંધણ વગેરેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ પાટીદાર સમાજને સાહસનો પર્યાય ગણાવીને સર્વે પાટીદારોને વતનપ્રેમ માટે બિરદાવ્યા હતા.

(સંસ્થાએ જાહેર કરેલી પ્રેસનોટને આધારે)

ABOUT THE AUTHOR

...view details