કચ્છ: દેશ આઝાદી કા અમૃત મહોત્સવની 75 વર્ષોની ઉજવણી તો જોર શોરથી કરી તો લીધી. પરંતુ સમાજમાં એવા કિસ્સા સામે આવી રહ્યા છે કે હજુ આપણે વિચારોથી આઝાદ થયા નથી. તેવો જ એક કિસ્સો કચ્છમાં આવેલા અંજારમાં સામે આવ્યો છે. અંજાર પોલીસમાંથી મળતી વિગત અનુસાર અનુસૂચિત જાતિના લોકોને મંદિરમાં દર્શન અંગે જાતિ મામલે અપમાનિત કરી, મારામારી કર્યા હોવાની ઘટના બની છે. એટલું જ નહીં તારાથી આ મંદિરે દર્શન ના થાય અને હવે આ આખું મંદિર ધોળાવવું પડશે. એમ કહીને અપમાન કર્યું હતું. રામજીના બુટ ચાટ નહીં તો તને જાનથી મારી નાખીશુંની ધમકી આપી હતી. જેને લઇને અંજાર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 323, 506 (2), 114 તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો છે. જેમાં રામજી નામના શખ્સનું નામ આરોપી તરીકે નોંધાયું છે. પોલીસે ચાર શખ્સોને પકડવા ટીમ બનાવી તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે.
સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ પી.ચૌધરીને સોંપાઈ છે. હાલમાં જાતિ વિષયક બોલાચાલી થઈ હોવાનો કેસ મળ્યો છે. જેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં થઈ છે. આ કેસમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ થઈ છે. જેમાં એટ્રોસિટી અને મારામારીની કલમ લાગુ કરવામાં આવી છે. આરોપીને પકડી લેવા માટે ટીમ તૈયાર કરી છે. તપાસ ચાલું છે. -- મુકેશ પી.ચૌધરી (નાયબ પોલીસ અધિક્ષક)
ફરિયાદની વિગતઃ પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ખારા પસવારિયા ગામે પશવાડી ખારમાં મજૂરી કરીને જીવન નિર્વાહ કરતા 32 વર્ષીય જીતેન્દ્ર દાફડા નામનો યુવક તારીખ 3 મેના રોજ સવારના સાડા નવથી સાડા દસ વચ્ચે ગામના શંકર ભગવાનના મંદિર પાસે ગામના માણસો તથા આગેવાનો એકત્ર થયેલા હતા. ત્યારે આ યુવક પણ ત્યાં ગયેલો હતા. દર્શન કરી પરત આવતી વખતે ગામના માણસો એકત્ર થયેલા હતા. જેમાં ગામની ગાયો માટે ચારો ક્યાંથી લેવાનો છે, કેટલામાં લેવાનો છે? જે બાબતે ચર્ચા ચાલું હતી. ત્યારે ગામના રામજી ડાંગર તથા રાધા રબારી તથા શામજી ઉર્ફે પપ્પુ આહિર ગામના માણસો એકત્ર થયેલા, ત્યાં આવેલા અને બધા વચ્ચે યુવકને રામજી ડાંગરે જાતિ અપમાનિત કરી અને કહ્યું હતું કે, તારાથી આ મંદિરે દર્શન ના થાય અને હવે આ આખું મંદિર ધોવડાવવું પડશે.