કચ્છ : 2001ના ગોઝારા ભૂકંપ બાદ કચ્છમાં અનેક પ્રકારના ફળ-ફળાદિની ખેતી થઇ રહી છે. કચ્છમાં મુંદરાઇ અને પારસ જાંબુ વધુ જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે કચ્છના ખેડૂત દ્વારા સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં સૌપ્રથમ વાર કાળી તલાવડીના ખેડૂત દ્વારા સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની સફળ ખેતી કરવામાં આવી છે
કચ્છમાં ફળ ઉત્પાદનનો માહોલ : કચ્છમાં ચાલુ વર્ષે માર્ચ તેમજ મે મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદ અને વેગીલા પવનના લીધે આ વર્ષે જાંબુનું ઉત્પાદન ઓછું જોવા મળશે. કચ્છમાં ચીકુ, ખારેક, કેસર કેરી, કેળા, પપૈયા સહિત વિવિધ બાગાયતી ખેતીનું પ્રમાણ વધ્યું છે, પરંતુ મે મહિનાના શરૂઆતના દિવસોમાં કમોસમી વરસાદ, કરા બાદ ધોમધખતા તાપની સાથે ગરમ પવનના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વખત આવ્યો હતો.
સફેદ જાંબુનું સફળ ઉત્પાદન :સામાન્ય રીતે કચ્છમાં મુંદરાઇ અને પારસ જાંબુનું વાવેતર-ઉત્પાદન વધુ જોવા મળતું હોય છે. ઉપરાંત સફેદ જાંબુની ખેતી છે, જે માંડવી અને મુંદરા વિસ્તારમાં ખેડૂતો બાગાયતી ખેતી કરી રહ્યા છે. દેશ વિદેશમાં થતાં વિવિધ ફળ, શાકભાજીનું વાવેતર કરીને ઉત્પાદન મેળવીને સફળ પ્રયોગ કરી રહ્યા છે, ત્યારે ભુજ તાલુકાના કાળી તલાવડીના ખેડૂત શંકર બરાડિયાએ પોતાની વાડીમાં સફેદ જાંબુ એટલે કે વ્હાઈટ વોટર એપલની ખેતી કરી છે.
વ્હાઈટ વોટર એપલ તરીકે ઓળખાય છે ફળ :ખેડૂતપુત્ર શંકર બરાડિયાએ પોતાની વાડીમાં ચાર વર્ષ અગાઉ સફેદ જાંબુનું ઝાડ વાવ્યું હતું. જેમાં હવે પાક આવી ગયો છે. સફેદ જાંબુના ઝાડમાં બેથી ત્રણ વર્ષમાં જાંબુ આવી ગયા છે. વ્હાઈટ વોટર એપલ ફળ ચોમાસામાં વધારે થાય છે. સફેદ જાંબુ કાળા જાંબુ કરતાં વહેલો પાક આવી જાય છે તેવું ખેડૂતે જણાવ્યું હતું.