કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં છઠ્ઠા દિવસે પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આગાહી મુજબ કમોસમી વરસાદના પગલે પશ્ચિમ કચ્છના જુદાં જુદાં વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ પંથકમાં સિઝન વગર મેઘરાજા મેઘમહેરની સવારીએ નીકળ્યા છે. ત્યારે આજે કચ્છના નખત્રાણા ,ભુજ, અંજાર અને માંડવી તાલુકાના ગામડામાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ માંડવીના મોટી ભાડાઈમાં તોફાની વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જ્યાં ભારે પવનના કારણે ગામના મકાનના પતરા ઉડ્યા હતા.
જિલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદના ઝાપટા :કચ્છના માંડવી તાલુકાના કોડાય, મઉ, ગાંધીગ્રામ, હમલા મંજલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. તો ભુજ તાલુકાના દહીંસરા, સુખપર, ઝુરા કેમ્પ, લોરિયા ચેકપોસ્ટ માનકુવા, થરાવડા નાના, નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, કોટડા (જ.),ભાડરા, જંગડીયા, ઉસ્તીયા, ભારાપરમાં વરસેલા ઝાપટાંથી માર્ગો અને શેરીઓમાં પાણી વહી નીકળ્યા હતા. બપોરે અડધા કલાકમાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી નીકળી ગયા હતાં. માંડવીના મોટી ભાડાઈમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ, વિજપોલ પણ ધરાશાયી થયા હતા.
આ પણ વાંચો :Amreli News : વરસાદ વરસ્યો છતાં સૌરાષ્ટ્રના એક માત્ર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના પાક સુરક્ષિત