કચ્છ : ખાણીપીણીના વિક્રેતાઓ અવનવા પ્રયોગો કરીને વિશિષ્ટ પ્રકારની ફૂડ આઈટમ બનાવતા હોય છે. જેમાંથી અમુક ફૂડ ડિશ સ્પેશિયલ હોય છે. જેમાં અનેક વર્ષોથી તે ગ્રાહકોમાં લોકપ્રિય હોય છે, ત્યારે સ્પેશિયલ ડીશથી જ દુકાન કે પેઢી ઓળખાતી હોય છે. એવી જ રીતે ભુજના આનંદ લહેરી આઇસ કેન્ડીની એક સ્પેશિયલ ટુટીફ્રુટી આઈસ્ક્રીમ છેલ્લાં 70 વર્ષોથી પ્રખ્યાત છે. જે માટે લોકો કચ્છના ખૂણે ખૂણેથી આવતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે.
આઈસ્ક્રીમની દુકાનો પર ભીડ : ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે અને વાતાવરણમાં તાપનું પ્રમાણ પણ વધ્યું છે, ત્યારે મહત્તમ તાપમાનનો પારો 38-40 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. આકરા તાપમાં લોકો પોતાના શરીરનું તાપમાનને જાળવી રાખવા અવનવા પ્રયત્નો કરતા રહેતા હોય છે. ઉનાળાની ઋતુમાં લોકો આઈસ્ક્રીમ ખૂબ પ્રમાણમાં ખાતા હોય છે. તેમાં પણ પોતાની મનપસંદ આઈસ્ક્રીમ અને ગોલાનો આનંદ માણવા લોકો મોડી રાત્રી સુધી આઈસ્ક્રીમની દુકાનો પર જતાં હોય છે.
સ્પેશિયલ આઈસ્ક્રીમ :ભુજની આનંદ લહેરી આઈસ કેન્ડી નામની આઈસ્ક્રીમની દુકાન કે જે છેલ્લા 70 વર્ષથી કચ્છની સ્વાદપ્રિય જનતાને અવનવી આઇસક્રીમ પીરસી રહી છે. આ આનંદ લહેરી આઈસ કેન્ડીની એક સ્પેશિયલ આઈસ્ક્રીમ છે. જેનું નામ છે ટુટીફ્રુટી આઈસ્ક્રીમ. કચ્છમાં સૌ પ્રથમ વખત આ ટુટીફ્રુટી આઈસ્ક્રીમ શરૂ આનંદ લહેરી દ્વારા શરૂ કરવામાં આવી હતી. છેલ્લાં 70 વર્ષથી આ આઈસ્ક્રીમ લોકોમાં ખૂબ પ્રિય છે. આ ટુટીફ્રુટી આઈસ્ક્રીમ ખાવા માટે રાત્રિના સમયે ખૂબ જ લોકો આવે છે. ન માત્ર ભુજ પરંતુ કચ્છના ખૂણે ખૂણેથી લોકો આવે છે. ઉપરાંત અમદાવાદ અને સુરતથી લોકો જ્યારે કચ્છ આવે છે, ત્યારે આ સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાવા અહીં આવે છે.