જિલ્લામાં શિક્ષકોની ઘટના મુદ્દે ચાબખા મારતા બેનર સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કચ્છ :જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ભુજની કલેકટર કચેરી ખાતે વહીવટી અધિકારીઓ, પશ્ચિમ કચ્છ એસ.પી., સંબંધિત વિભાગના અધિકારીઓ અને ધારાસભ્ય વચ્ચે સંકલનની બેઠક ચાલી રહી હતી. તે સમયે કોંગ્રેસના કાર્યકરોએ કલેકટર કચેરી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
ઉગ્ર વિરોધ : કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન, સાંસદ વિનોદ ચાવડા, અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, માંડવી વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ છાંગા, ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની તસ્વીરમાં મોઢા પર કાળી પટ્ટી વાળા બેનર લઈ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.
કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે 6 ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પંચાયત પ્રમુખ મૌન છે. કચ્છના રાજકીય અગ્રણીઓ સરકારમાં રજૂઆત કરી શકતા નથી. જેના કારણે કચ્છ જિલ્લામાં શિક્ષણ સ્તર કથળી રહ્યું છે.-- અંજલી ગોર (કોંગ્રેસ કાર્યકર, ભુજ)
કેટલા શિક્ષકોની ઘટ ? કચ્છ જિલ્લામાં હાલમાં 3770 જેટલા શિક્ષકોની ઘટ છે. ત્યારે સરકારી શાળામાં સત્વરે શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકરોએ સંકલન બેઠકમાં પહોંચી રજૂઆત કરી હતી. આજની સંકલન બેઠકમાં એકમાત્ર ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ હાજર હતા. બાકીના પાંચ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદ સંકલન બેઠકમાં ગેરહાજર જોવા મળ્યા હતા. અગાઉ પણ અનેકવાર શિક્ષકોની ઘટ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે.
કેશુભાઈ પટેલ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી કોંગ્રેસનો આક્ષેપ :કચ્છની 51 શાળાઓ એવી છે કે જ્યાં માત્ર 1 જ શિક્ષક છે. જેની અવેજીમાં પણ કોઈ શિક્ષક નથી. પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ધોરણ 1 થી 8માં 2363 જેટલા શિક્ષકોની ઘટ છે. જ્યારે 756 માધ્યમિક શાળામાં શિક્ષકોની ઘટ છે. જ્યારે 1050 થી વધુ શિક્ષકોને જિલ્લા બહાર ફેરબદલી કરવામાં આવી છે. ત્યારે આવી પરિસ્થિતિમાં કચ્છ જિલ્લાના શિક્ષણની પરિસ્થિતિ બગડી છે. કચ્છના 6 ધારાસભ્યો વિધાનસભામાં જાય છે. પરંતુ શિક્ષણના મુદ્દે કોઈ કામગીરી કરતા નથી.
ધારાસભ્યનો ખુલાસો :કોંગ્રેસની રજૂઆત સમયે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સમગ્ર મામલે ધારાસભ્યએ કહ્યું હતું કે, શિક્ષકો ઘટ મામલે સરકાર ચિંતિત છે. કચ્છના પ્રતિનિધિઓ દ્વારા અવાર નવાર શિક્ષકોની ઘટ મામલે રજૂઆત કરવામાં આવી છે. ટુંક સમયમાં કાયમી ઉકેલ આવે તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે. શિક્ષકોની ભરતીની સેવા પસંદગીની પ્રક્રિયા પૂરા રાજ્યની હોય છે. એક માત્ર કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટ માટે અલગ પ્રક્રિયા કરવામાં આવે તો સમગ્ર વ્યવસ્થાપન ખોરવાય શકે છે. સરકાર આ વિષય પર ગંભીરતાથી વિચારી રહી છે.
- ભુજમાં કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે વિવિધ મુદ્દે સરકાર સામે નોંધાયો વિરોધ
- Teacher Transfer Camp : કચ્છ જિલ્લામાં 1652 શિક્ષકોની છે ઘટ, તો કેટલાક શિક્ષકોની આંતરિક બદલી થઈ