ગુજરાત

gujarat

ETV Bharat / state

Camel Milk: કચ્છની સિદ્ધિમાં વધુ એક ઉમેરો, કચ્છના ઊંટડીના દૂધને ઓર્ગેનિક સર્ટિફિકેશનની માન્યતા - ઓર્ગેનિક સર્ટિફિકેશન

કચ્છમાં ઉત્પાદીત થતા કેમલ મિલ્કને સૌ પ્રથમવાર ઓર્ગેનિક સર્ટિફિકેશન એપ્રૂવલ મળી છે. આ એપ્રૂવલ રાજસ્થાન સ્ટેટ સીડ્સ એન્ડ ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી(RSSOCA) દ્વારા કચ્છની સરહદ ડેરીને આપવામાં આવ્યું છે. કચ્છે ફરીથી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યુ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Kutch Sarhad Dairy Camel Milk Organic Certification Approval

Camel Milk
Camel Milk

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 10:37 PM IST

Updated : Jan 6, 2024, 10:48 PM IST

જાણો કચ્છના ઊંટના દૂધની ખાસ વાતો

કચ્છઃ ગુજરાતમાં કચ્છના પશુધન અવ્વલ દરજ્જાના ગણાય છે. તેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટા અને ઊંટ વગેરેનો સમાવેશ થાય છે. કચ્છની બન્ની ભેંસ માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં અવ્વલ છે. હવે કચ્છને અન્ય એક પાલતુ પશુએ ગૌરવ અપાવ્યું છે. આ પાલતુ પશુ છે ઊંટ. કેમલ મિલ્કને રાજસ્થાન સ્ટેટ સીડ્સ એન્ડ ઓર્ગેનિક સર્ટિફિકેશન એજન્સી(RSSOCA) દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેશન એપ્રૂવલ પ્રાપ્ત થઈ છે. RSSOCAના ચીફ સર્ટિફિકેશન ઓફિસર રાજેન્દ્ર નૈનાવત દ્વારા કેમલ મિલ્કને ઓર્ગેનિક સર્ટિફિકેશન એપ્રૂવલ અમૂલ GCMMFના વાઈસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલને રુબરુ આપવામાં આવ્યું છે. ભારતમાં સૌ પ્રથમ વખત કચ્છની સરહદ ડેરીને મળેલ આ સન્માનથી કચ્છ ગદગદીત થયું છે. આ ઘટના ભારતમાં સૌ પ્રથમ વખત બની છે. તેથી કચ્છે ફરીથી ગુજરાતનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યુ છે.

કેમલ મિલ્ક આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક

હેલ્ધી કેમલ મિલ્કઃ કેમલ મિલ્ક આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. કેમલ મિલ્કનું સેવન બ્લ્ડપ્રેશર, ટીબી, કેન્સર, પેટના વિવિધ રોગો વગેરેમાં બહુ ફાયદાકારક છે. કેમલ મિલ્કમાં ઈન્સ્યૂલિન, વિટામિન્સ અને ઓછા પ્રમાણમાં ફેટ જોવા મળે છે. આ ઉપરાંત કેમલ મિલ્કમાં મિનરલ્સ પણ મોટી માત્રામાં હોય છે. ઈન્સ્યૂલિનને લીધે કેમલ મિલ્કનો પાવડર ડાયાબિટીસ રોગની સારવારમાં ઉત્તમ ગણાય છે. તેનાથી લોહીમાં સુગરનું લેવલ જળવાઈ રહે છે. પુષ્પળ પ્રમાણમાં પ્રોટીન હોવાથી બીએસએફના જવાનો કેમલ મિલ્કનો બહુ ઉપયોગ કરે છે. કેમલ મિલ્કના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સમગ્ર વિશ્વમાં કેમલ મિલ્ક પ્રત્યેની અવેરનેસ વધતા તેની ડિમાન્ડ પણ વધી રહી છે. પ્રાચીનકાળથી વિશ્વની વિવિધ સંસ્કૃતિઓમાં કેમલ મિલ્કનો ઉપયોગ થતો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. તેમજ આપણા મહાન ગ્રંથ આયુર્વેદમાં પણ કેમલ મિલ્કને ઔષધનો દરજ્જો આપવામાં આવ્યો છે. આટલું બધું આરોગ્ય કારી હોવાને લીધે કેમલ મિલ્કને 'વ્હાઈટ ગોલ્ડ' પણ કહેવામાં આવી રહ્યું છે.

Camel Milk processing

કેમલ મિલ્ક પર કામ કરતો સરહદ ડેરીનો પ્લાન્ટ સમગ્ર ભારતમાં પ્રથમ છે. સમગ્ર એશિયામાં ભારત સિવાય કેમલ મિલ્કનું પ્રોસેસિંગ માત્ર દુબઈ અને પાકિસ્તાનમાં જ થાય છે. આ પ્લાન્ટમાં પ્રતિ દિવસ અંદાજિત 5000 કેમલ મિલ્કનું કલેક્શન કરવામાં આવે છે. શરુઆતમાં ઊંટ પશુપાલકોને પ્રતિ લીટરે 20 રુપિયા મળતા હતા જે હવે વધીને પ્રતિ લીટરે 51 રુપિયા થઈ ગયા છે. કેમલ મિલ્કથી અંદાજિત 500 પશુપાલક પરિવારોનું ગુજરાન ચાલી રહ્યું છે...વલમજી હુંબલ(ચેરમેન, સરહદ ડેરી, કચ્છ)

કેમલ મિલ્ક પર કામ કરતો સરહદ ડેરીનો પ્લાન્ટ સમગ્ર ભારતમાં પ્રથમ

ઉત્તરોત્તર પ્રગતિઃ કચ્છ જિલ્લામાં લોકો કરતાં પશુધન વધુ છે. સમગ્ર જિલ્લામાં 20 લાખથી વધુ પાલતુ અને દૂધાળા પશુઓ છે. જેમાં 13,000થી વધુ ઊંટની સંખ્યા જોવા મળે છે. વર્ષ 2013માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ઊંટનું પશુપાલન કરતા માલધારીઓના ઉત્થાન માટે આહવાન કર્યુ. તેથી સરહદ ડેરીએ આ મુદ્દે કાર્યવાહી શરુ કરી. વર્ષ 2017માં આ ડેરી દ્વારા રાપર અને નખત્રાણાના ચિલિંગ સેન્ટરમાં પ્રતિ દિવસ માત્ર 300 લીટર કેમલ મિલ્કનું સ્ટોરેજ શરુ કરવામાં આવ્યું. આ કેમલ મિલ્કની પ્રસિદ્ધિ વધતા વર્ષ 2019માં દેશનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ કચ્છના લાખોંદ ખાતે શરુ કરવામાં આવ્યો. આજે રાપર, નખત્રાણા, રાજપર, કોટડા, આથમણા, દયાપર વગેરે સેન્ટર પર કુલ મળીને પ્રતિ દિવસ અંદાજિત 5000 લીટર જેટલું કેમલ મિલ્ક એક્ત્ર કરવામાં આવે છે. સરહદ ડેરી દ્વારા વાર્ષિક ઊંટ પશુપાલકોને કુલ રુપિયા 9 કરોડનું ચૂકવણું કરવામાં આવે છે.

Camel Milk

કેમલ મિલ્કમાંથી દુર્ગંધ દૂર કરનાર વિશ્વનો પ્રથમ પ્લાન્ટઃ અંજારના ચાંદ્રાણી ગામે કેમલ મિલ્ક પ્રોસેસિંગ યુનિટ ધમધમી રહ્યું છે. રુપિયા 180 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ પ્લાન્ટનું લોકાર્પણ વર્ષ 2022માં વડા પ્રધાન મોદીએ કર્યુ હતું. અહીં ડિયોડરલાઈઝેશન મશીન દ્વારા કેમલ મિલ્કમાંથી દુર્ગંધને દૂર કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ પ્લાન્ટને કેમલ મિલ્કમાંથી દુર્ગંધ દૂર કરવામાં સૌ પ્રથમ સફળતા મળી હતી. આવનારા સમયમાં આ પ્લાન્ટ ઉન્નતિના શીખરો સર કરશે કારણ કે કેમલ મિલ્કમાંથી દુર્ગંધ દૂર કરવામાં તે સમગ્ર વિશ્વમાં પ્રથમ છે. આ પ્લાન્ટમાં કેમલ મિલ્કનું ટેટ્રાપેકિંગ કરાય છે. જેથી તેનું આયુષ્ય 6 મહિના જેટલું વધી જાય છે. અહીં કેમલ મિલ્કનું પ્રોસેસિંગ, સ્ટરીલાઈઝેશન, પેકિંગ અને ટ્રેટાપેક કરવામાં આવે છે. કેમલ મિલ્કમાંથી તૈયાર થયેલ આઈસ્ક્રીમ અને ચોકલેટનું પણ મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. કેમલ મિલ્કને જુદા જુદા ફલેવરમાં બનાવીને બોટલ્સમાં પેક કરી તેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ કેમલ મિલ્કના આઈસ્ક્રીમ, ચોકલેટ અને ફલેવર્ડ મિલ્કનું માર્કેટમાં ધૂમ વેચાણ થાય છે.

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2 પ્રજાતિના ઊંટ

ઊંટની ખાસ પ્રજાતિઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં 2 પ્રજાતિના ઊંટ જોવા મળે છે. જેમાં કચ્છી અને ખારાઈ પ્રજાતિનો સમાવેશ થાય છે. જેમાં સૌથી મહત્વના છે ખારાઈ જાતિના ઊંટ. આ ઊંટ દરિયામાં તરીને બેટ પર ઉગેલ ચેરિયાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. વિશ્વમાં તરી શકે એવા એકમાત્ર ઊંટ એટલે ખારીયા પ્રજાતિના ઊંટ. જો કે આ પ્રજાતિના ઊંટોની સંખ્યા સમગ્ર દેશમાં ઓછી થઈ રહી છે, પરંતુ કેમલ મિલ્કને લીધે રાજસ્થાન અને કચ્છમાં આ ઊંટનું પ્રમાણ વધી રહ્યું છે. ઊંટ પશુપાલકો અગાઉ શોખ ખાતર ઊંટ રાખતા પરંતુ હવે કેમલ મિલ્કને લીધે આવક વધતા તેઓ મોટા પ્રમાણમાં ઊંટના પશુપાલન તરફ વળ્યા છે.

  1. Kutch Sarhad Dairy : કચ્છમાં ડેરી ઉદ્યોગનો ધમધમાટ, રુ. 925 કરોડ વાર્ષિક ટર્નઓવર
  2. પશુપાલકોએ કચ્છમાં શ્વેતક્રાંતિનું સર્જન કર્યું, બીજી પશુપાલન શિબિર યોજાઈ
Last Updated : Jan 6, 2024, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details