કચ્છ :કચ્છની સરહદ ડેરી સાથે 870 જેટલી દૂધ ઉત્પાદક મંડળી સંકળાયેલી છે. તો સાથે જ 80,000 જેટલા પશુપાલકો પણ આ ડેરી સાથે જોડાયેલા છે. જે પૈકી 25,000 જેટલી મહિલા પશુપાલકો છે. તો હાલમાં જ સરહદ ડેરી દ્વારા દૂધના કામ ચલાઉ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબરથી પશુપાલકોને માસિક રૂપિયા 1.25 કરોડ વધારે મળી રહ્યા છે.
દૂધના ખરીદ ભાવ વધ્યા : સરહદ ડેરી દ્વારા તેની 14 મી વાર્ષિક સાધારણ સભામાં દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કરી અને 815 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યા છે. જેથી કરીને ભેંસના દૂધના કામ ચલાઉ ભાવમાં પ્રતિ લિટર રુ. 3 જેવો વધારો કરવામાં આવ્યો હતો. ભેંસના દૂધમાં પ્રતિ લીટર 57.05 રૂપિયા જેટલા ઊંચા ભાવ પશુપાલકોને મળતા થયા છે. જ્યારે ગાયના દૂધના ભાવ પણ રુ. 40.50 ભાવ મળતા થયા છે. જેના કારણે ડેરી તરફથી વાર્ષિક 15 કરોડનું વધુ ચૂકવણું પશુપાલકોને કરવામાં આવશે.
અધધ કરોડોનું ટર્નઓવર :ડેરી ઉદ્યોગમાં ટર્નઓવરની વાત કરવામાં આવે તો ગત વર્ષે અત્યાર સુધીનું સૌથી ઊંચું 914 કરોડનું ટર્નઓવર કરવામાં આવ્યું છે. આગામી વર્ષમાં 7 લાખ લીટર દૈનિક દૂધ ઉત્પાદનના લક્ષ્યાંક સાથે 1,100 કરોડનું ટર્નઓવર હાંસિલ કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. કચ્છ પશુપાલનમાં અગ્રેસર છે ત્યારે અહીં ડેરી ઉદ્યોગ પણ ફૂલ્યો ફાલ્યો છે.
પશુપાલકોને દર મહિને 75 કરોડનું ચુકવણું : સરહદ ડેરીના ચેરમેન વલ્લમજી હુંબલે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશુપાલકો માટે સૌથી મોટો જો કોઈ ધંધો હોય તો તે ડેરી ઉદ્યોગનો છે. વર્ષ 2009 માં સરહદ ડેરીની સ્થાપના કરવામાં આવી ત્યારથી કચ્છમાં શ્વેતક્રાંતિની શરૂઆત થઈ હતી. આજની તારીખે સરહદ ડેરીમાં 5.11 લાખ લીટર દૂધનું કલેક્શન વિવિધ મંડળીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરરોજનું 2.5 કરોડ રૂપિયાનું ચુકવણું એટલે કે મહિને 75 કરોડનું ચુકવણું પશુપાલકોને કરવામાં આવી રહ્યું છે.
સૌથી સમૃદ્ધ વિસ્તાર :કચ્છના સરહદી વિસ્તારમાં બન્ની વિસ્તાર કે જે દૂધનું પોકેટ છે. અહીંયા પશુપાલકો પાસેથી દરરોજનું 60,000 થી 70,000 લીટર દૂધ સરહદ ડેરીને આવે છે. આ ઉપરાંત અન્ય ડેરીને પણ 5,000 થી 10,000 લીટર દૂધ જતું હશે. આ ઉપરાંત ફેરીમાં, માવામાં અને મીઠાઈઓમાં પણ આ દૂધનો ઉપયોગ થતો હોય છે. કુલ મળીને બન્ની વિસ્તારમાં 1 લાખ લીટર દૂધનું ઉત્પાદન થાય છે. જેમાંથી 75 થી 80 ટકા જેટલું દૂધ સરહદ ડેરી દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
બન્ની વિસ્તાર કેમ છે ખાસ ? સમગ્ર કચ્છની દ્રષ્ટિએ પ્રોડક્શન ખર્ચ ઓછો આવે તેવી બન્નીની વિશેષતા છે. કારણ કે, અહીં એશિયાના સર્વ શ્રેષ્ઠ ઘાસિયા મેદાનો આવેલા છે. જે ઘાસમાં 17 ટકા જેટલું પ્રોટીન હોય છે. સરહદ ડેરીના કેટલફીડ પ્લાન્ટમાં જે ઘાસ બનાવવામાં આવી રહ્યું છે તેમાં 20 થી 22 ટકા પ્રોટીન ઉમેરીને ઘાસ બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે બન્ની વિસ્તારના પશુઓના દૂધની ઉત્પાદન ક્ષમતા પણ સારી છે અને પશુઓનું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે છે. સરહદ ડેરી હંમેશા શુદ્ધ દૂધ અને પશુ તેમજ પશુપાલકોના હિત માટે કામ કરતી આવી છે.
પશુધનની કાળજી જરૂરી : કચ્છના બન્ની વિસ્તારમાં રહેતા લોકોને રોજીરોટી આપતું હોય તો તે અહીંના પશુ છે. ત્યારે સરહદ ડેરીની મેડિકલ ટીમ સતત પશુઓના સ્વાસ્થ્ય માટે તૈનાત રહેતી હોય છે. સરકારી પશુ દવાખાના અને વેટરનરી ડોક્ટરની ટીમ સાથે સંકળાઇ હંમેશા કામ કરતી હોય છે. કોઈ પણ પ્રકારના પશુના રોગચાળા અને અન્ય કોઈ મુશ્કેલી માટે સરકારની ટીમ સાથે રહીને ખૂબ કાળજીપૂર્વક કામ કરવામાં આવતું હોય છે. તો સાથે જ પશુપાલકોનું જીવનસ્તર ઊંચું આવે તે માટે પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે.
શ્રેષ્ઠ ગુણવત્તા વાળું દૂધ :બન્ની વિસ્તારમાં સારી ગુણવત્તા વાળા દૂધનું ઉત્પાદન કરીને પશુપાલન વ્યવસાય મારફતે એક વિશિષ્ટ ઓળખ ઊભી થઈ છે. આ વિસ્તારમાં A2 ગુણવત્તા વાળું દૂધ મળી શકે તેમ છે. અન્ય દૂધ કરતા બન્ની વિસ્તારની ભેંસના દૂધની ગુણવત્તા ખૂબ ઊંચી હોવાથી રાષ્ટ્રીય સ્તરે બન્ની ભેંસની માંગ વધે અને કિંમત વધે તે માટે સરકાર સાથે મળીને સરહદ ડેરી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
- Kutch Sarhad Dairy : સરહદ ડેરીની 14 મી વાર્ષિક સામાન્ય સભા મળી, ટૂંક સમયમાં શરૂ થશે મધ ક્રાંતિ
- કચ્છની સરહદ ડેરી અમૂલના સથવારે ફળોના રસના માર્કેટમાં ઝંપલાવશે