ભુજ : વર્ષ 2001ના ગોઝારા ભૂકંપ બાદ ભુજ શહેરને રિંગરોડની ભેટ મળી હતી, પરંતુ હાલ શહેરના તમામ રિંગરોડની હાલત દયનીય જોવા મળી રહી છે. ખરાબ રોડ રસ્તાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભુજ નગરપાલિકા દ્વારા રીંગરોડના નવીનીકરણનું કામ કરવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.
રિંગરોડની ભારે અવદશા :56 સ્ક્વેર કિલોમીટમાં વિસ્તરેલા ભુજમાં આવેલા રિંગરોડ હાલમાં દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. તો રસ્તાને 22 વર્ષ બાદ પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી. પરિણામે રિંગરોડની ભારે અવદશા જોવા મળી રહી છે. અગાઉ અનેક વાર સ્થાનિક લોકો દ્વારા રીંગરોડની પરિસ્થિત બાબતે રજૂઆત પણ કરવામાં આવી છે. તેમ છતાં રિંગરોડના રીપેરીંગ કે નવીનીકરણ માટે ભુજ નગરપાલિકાએ ખર્ચ કર્યો નથી. પરિણામે બિસ્માર રસ્તા પરથી વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બન્યા છે.
ભુજ શહેરમાં આવેલા કેટલાક રસ્તા નગરપાલિકાના હદ વિસ્તારમાં આવે છે. તેના હસ્તક જ કામગીરી હોય છે, જ્યારે કેટલાક રસ્તા માર્ગ અને મકાન વિભાગ હસ્તકમાં આવે છે. જ્યારે રીલોકેશન સાઇટ અને રીંગરોડના રસ્તાની રિસરફેસિંગનું કામ કરવાનું આવ્યું છે, ત્યારે નગરપાલિકા દ્વારા તે કરવામાં આવ્યું છે. આગામી ચોમાસા સુધીમાં બાકીના જે રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તેના નવીનીકરણ માટે 8 કરોડનું ટેન્ડર બહાર પડી દેવાયું છે અને તમામ રસ્તાઓનું આગામી દિવસોમાં નવીનીકરણ કરવામાં આવશે. ભુજ નગરપાલિકા હસ્તક આવતા રસ્તાઓનું સમારકામ નગરપાલિકા કરે છે અને માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવતા રોડનું કામ માર્ગ અને મકાન વિભાગ કરે છે.- ઘનશ્યામ ઠક્કર (ભુજ નગરપાલિકાના પ્રમુખ)