કચ્છઃ જિલ્લામાં જ ચાઇનીઝ કંપની અને ચીનાના લોકોની અવરજવર છે. ઉપરાંત અન્ય દેશો સાથે દરિયાઈ અને હવાઈ સંપર્ક પણ ચાલુ છે. તે દરમિયાન બિમારી ફેલાય તો આવી કોઇપણ શંકાસ્પદ પરિસ્થિતિને પહોંચી વળવા ભુજમાં અદાણી સમુહ સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં વિવિધ તૈયારીઓ સાથે અગમચેતીના પગલા ભરવામાં આવ્યા છે.
કોરોનોના ભય વચ્ચે કચ્છમાં અગમચેતીના ભાગરૂપે ભુજ સિવિલમાં સુવિધા સાધનો તૈયારી કરી લેવાયાં - ભુજની સિવિલ હોસ્પિટલ
વિશ્વના દેશોમાં ઝડપથી ફેલાતા ઘાતક કોરોના વાયરસ સામે ભારતમાં સજ્જતા કેળવાઇ રહી છે, ત્યારે મહાબંદર સહિતના દરિયાના આવન-જાવન સાથે સંકળાયેલા કચ્છમાં પણ આ ગંભીરતા સામે ભુજ સિવિલ હોસ્પિટલે આગમચેતીના ભાગરૂપે પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ભુજની સિવિલ હોસ્પિટલમાં વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જી.કે હોસ્પિટલના ચીફમેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. એન. એન. ભાદરકાએ જણાવ્યું કે, બે વોર્ડ અલગ તારવાયા છે, જેમાં કોરોના શંકાસ્પદ જણાય તેવા દર્દીને આઇસોલેશન વોર્ડમાં જ્યારે કોરોના પોઝિટિવવાળા કોઇ દર્દી હોય તો તેને દાખલ કરવા આઇસીયુવાળો વોર્ડ તૈયાર કરાયો છે. આવા દર્દીઓની સારવાર માટેની ટીમ, નોડલ ઓફિસર ડૉ. દીપક બલદાણિયા અને મેડિસીન ડિપાર્ટમેન્ટના તબીબો, પેરામેડિકલ સ્ટાફ, પેશન્ટ કેર સ્ટાફને તાલીમ અપાઇ રહી છે. તમામ સ્ટાફ માટે આઇસોલેશન ડ્રેસની વ્યવસ્થા કરાઇ છે. કોરોના પોઝિટિવ દર્દી જણાય તો એન્ટિ વાયરલ અને શંકાસ્પદ દર્દીને પેરાસિટામોલ સહિતની સારવારની પુરતી વ્યવસ્થા કરાઈ છે.