કચ્છના ધોરડો પાસે કુદરતી સફેદ રણ સર્જાય છે ત્યાં હજુ બે ફુટથી વધુ પાણી ભરાયેલું છે. આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેને બાષ્પીભવન થતા સમય લાગશે. તંત્રએ આગોતરી તૈયારીના ભાગરૂપે પ્રથમ બેઠક બોલાવી હતી જેમાં 1 નવેમ્બરથી રણોત્સવની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે રણોત્સવના આરંભની તારીખમાં ફેરબદલ થઈ શકે છે. જેની માહિતી કચ્છના કલેક્ટર એમ. નાગરાજન મહાલિંગમે આપી છે.
રણોત્સવ માટે જોવી પડશે રાહ, નવેમ્બરથી નહીં ડિસેમ્બરથી ચાલુ થશે - gujarati news
કચ્છઃ ચાલુ વર્ષે રાજ્યમાં વધુ વરસાદ પડવાથી કચ્છના રણમાં વરસાદી અને દરિયાઈ પાણી હજુ ભરાયેલા છે. જેથી આ વર્ષે રણોત્સવનો પ્રારંભ મોડેથી કરવામાં આવશે, જો કે, આ અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાશે. માહિતી ખાતાની અખબારી યાદીમાં આગામી 1 નવેમ્બરથી રણોત્સવની જાહેરાત કરાઈ હતી, પરંતુ હવે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પહેલા રણોત્સવનો પ્રારંભ થઈ શકે તેમ નથી.
ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં કચ્છના કલેક્ટરે સ્પષ્ટ કર્યું હતું કે, 'રણોત્સવ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ જ પ્રારંભ કરી શકાય તેવી સ્થિતી છે. ધોરડો ગામના સરપંચ અને આગેવાન મિયાહુસેનની રજુઆત અને સ્થળની સ્થિતી જાણ્યા બાદ લાગી રહ્યું છે કે, ડિસેમ્બર મહિનામાં જ રણોત્સવ યોજી શકાશે. જોવા જઈએ તો, રણમાં પાણી ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં સુકાય તેવી સ્થિતી છે, પરંતુ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીએ સ્થળની મુલાકાત કર્યા બાદ અંતિમ નિર્ણય લેશે.'
આ સમય દરમિયાન નવેમ્બર માસમાં રણમાં પહોંચતા પ્રવાસીઓના આગમનને ધ્યાનમાં રાખી આગળના ભાગે ભરાયેલા પાણીને દુર કરવાનો પ્રયાસ કરાશે. તેમ છતાં સફેદ રણ તૈયાર થશે કે, કેમ તે હજુ નક્કી નથી. અધિરારીઓએ કહ્યું કે, કુદરતી રીતે સફેદ રણ સર્જાય તો જ રણોત્સવની અસલી મજા અને આનંદ લોકો માણી શકશે. હાલ કચ્છમાં વાતાવરણ વાદળછાયું રહેતું હોવાથી સફેદ રણની પ્રક્રિયામાં વિલંબ ચાલી રહ્યો છે. તેથી આ સ્થિતીમાં રણોત્સવ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પહેલા શરૂ થઈ શકે તેમ નથી. ચાર મહિના ચાલતો રણોત્સવ આ વખતે ત્રણ મહિના ચાલે તેવી શક્યતા છે. જો કે, તંત્રની વિચારણા છે કે, પાછળના સમયને વધારી શકાશે.