હવે મળશે બમણી મજાઃ કચ્છમાં રણોત્સવની સાથે જ માંડવીમાં ઉજવાશે બીચ ફેસ્ટિવલ, ટેન્ટ સિટીનો CMના હસ્તે શુભારંભ - ગુજરાત પ્રવાસન નિગમે
કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, હવે પ્રતિવર્ષ કચ્છમાં ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે.
કચ્છઃ સફેદ રણ એટલે કે વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ 2 બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન-ટુરિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી.