કચ્છઃ સત્તાવાર વિગતો મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા 109 કેસ કરવામાં આવ્યા હતા. તો નાના-મોટા 84 વાહન પણ ડિટેઇન કર્યા હતા. IG સુભાષ ત્રિવેદીએ ભુજ શેલ્ટર હાઉસ અને મુન્દ્રામાં મજૂર વસાહતની મુલાકાત લઇને સમીક્ષા કરી હતી. એસ.પી. સૌરભ તોલંબિયાએ ભુજ અને મુન્દ્રા વિસ્તારના સુરક્ષા પોઇન્ટ તપાસ્યા હતા. જ્યારે ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલે બી.કે.ટી. કંપની અને બી.એમ.સી.બી. કોલોની પાસે મજૂર વસાહતની મુલાકાત લઇ પોલીસ મદદ માટે તૈયાર હોવાનો સધિયારો આપ્યો હતો. સાથેસાથે જિલ્લાભરમાં 80 વરિષ્ઠ નાગરિકોને મળી પોલીસે તેમના હાલચાલ પુછયા હતાં. 70 જરૂરિયાતમંદને રાશનકિટનું વિતરણ પણ કરાયું હતું.
કચ્છમાં પોલીસની સરાહનીય કામગીરી, રેન્જ IG અને બે જિલ્લાના SPએ માનવતા મહેકાવી - કચ્છમાં લોકડાઉન
કોરોનાના કહેર વચ્ચે કચ્છ જિલ્લામાં પોલીસ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, ભૂજ એસપી સૌરભ તોલંબિયા અને ગાંધીધામ એસપી પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શનમાં લોકડાઉનના સતત અમલીકરણ સાથે વિવિધ કામગરી થઈ રહી છે. લોકાડઉનમાં 14 એપ્રિલે જિલ્લામાં 224 ગુના નોંધી 175 વાહનો ડિટેઈન કર્યા હતા. આ ઉપરાંત વૃદ્ધોને રાશન કીટનું વિતરણ સહિતની પણ કામગીરી કરવામાં આવી રહી છે.

પોલીસ વડાએ શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી અને પોલીસ તમારી સાથે જ છે તેવી હૈયાધારણા આપી હતી. આ ઉપરાંત 45 વરિષ્ઠ નાગરિકોની મુલાકાત લેવામાં આવી હતી. આદિપુરમાં રહેતા ગીતાબેન કેવલરામાણીના માતા બીમાર હોવાથી અને તેમની દવા અહીં ક્યાંય મળતી ન હોવાથી તેમણે ટ્વિટ કરી પોલીસને પોતાની મદદ કરવા કહ્યું હતું. પોલીસે આ દવા અમદાવાદથી મંગાવી મહિલાને પહોંચાડી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોલીસે લોકોની મદદ કરી હતી તેમજ સુંદરપુરીમાં એક મહિલાને પ્રસવ પીડા ઉપડતાં પોલીસે ત્યાં દોડી જઈ સરકારી વાહનમાં મહિલાને દવાખાને ખસેડી હતી. કડકાઈનો પર્યાય ગણાતી પોલીસે લોકડાઉનના અમલ સાથે માનવીય અભિગમ અપનાવ્યો છે.