ભુજઃ કચ્છમાં ચુસ્ત લોકડાઉનના અમલીકરણ વચ્ચે હજુ પણ અનેક લોકો ઘરની બહાર નિકળીને જાહેરનામા અને કાયદાનો ભંગ કરી રહ્યાં છે, ત્યારે કચ્છ પોલીસે વધુ કડક બનીને કાર્યવાહી ચાલુ રાખી છે. કચ્છમાં પોલીસે 433 લોકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે. મળતી વિગતો મુજબ, પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા છેલ્લા 24 કલાક દરમિયાન જાહેરનામાનો ભંગ કરી બિનજરૂરી રોડ ઉપર નીકળેલા લોકોના કુલ 86 વાહન અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ડિટેઇન થયા છે, તેમજ કલમ 144 જાહેરનામા ભંગ બદલ કલમ 188 મુજબના 124 કેસો કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ભુજ ઉમેદનગર કોલોની, ગણેશ ચોક, વાણિયાવાડ વિસ્તારમાં પોલીસ બેન્ડની સૂરાવલિ દ્વારા લોકોનું મનોરંજન કરી પોલીસ અધિક્ષક સૌરભ તોલંબિયા દ્વારા તકેદારી સંદેશાઓ પાઠવવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 129 જેટલા સિનિયર સિટીઝનોની પોલીસ દ્વારા મુલાકાત કરી તેમની સારસંભાળ લેવામાં આવી હતી.