ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Photography Exhibition : પ્રાગમહેલમાં તસવીરોનું પ્રદર્શન યોજાયું, વિજેતાઓને પુરસ્કારો એનાયત કરાયા

સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન માટે તો પ્રિય છે જ હવે કચ્છના તેમજ દેશ-વિદેશના તસવીરકારો માટે પણ પ્રિય બનતું જાય છે. કુદરતે પણ કચ્છને અનેક વૈવિધ્યતાની ભેટ આપી છે. તાજેતરમાં ફોટોગ્રાફીક સોસાયટી ઓફ કચ્છ, ભુજ ફોટોગ્રાફી વેલ્ફેર એસો. અને કચ્છ ફોટોગ્રાફી એસો. દ્વારા ફોટોગ્રાફીની ક્લિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આવેલી 400 તસવીરોનું પ્રદર્શન ભુજના પ્રાગમહેલ ખાતે યોજવામાં આવ્યું છે.

Kutch Photography Exhibition
Kutch Photography Exhibition

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 4:24 PM IST

પ્રાગમહેલમાં તસવીરોનું પ્રદર્શન યોજાયું

કચ્છ :સરહદી જિલ્લો કચ્છ પ્રવાસન માટે તો પ્રિય છે જ હવે કચ્છના તેમજ દેશ-વિદેશના તસવીરકારો માટે પણ પ્રિય બનતું જાય છે. ત્યારે ફોટોગ્રાફીક સોસાયટી ઓફ કચ્છ, ભુજ ફોટોગ્રાફી વેલ્ફેર એસો અને કચ્છ ફોટોગ્રાફી એસો દ્વારા આયોજિત કરાયેલા ક્લિક સ્પર્ધામાં ભાગ લેનારા 260 ફોટોગ્રાફરની 400 જેટલી તસવીર પ્રદર્શન માટે મૂકવામાં આવી છે. ભુજના પ્રાગમહેલ ખાતે પાંચ દિવસ સુધી ચાલનારા આ પ્રદર્શનનો પ્રારંભ રાજ પરિવારના મહારાણી પ્રીતિ દેવી, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપતિ ઘનશ્યામ ઠક્કર અને જૈન અગ્રણી કમલેશ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાજ પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઈનામ વિતરણ : ફોટોગ્રાફીક સોસાયટી ઓફ કચ્છના પ્રમુખ પ્રકાશ ગાંધીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 10 સપ્ટેમ્બર સુધી ચાલનારા પ્રદર્શનમાં લોકો સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કચ્છના વિવિધ ફોટોગ્રાફરની તસવીરો માણી શકશે. આ ક્લિક સ્પર્ધામાં કેમેરા અને મોબાઈલ એમ બે જુદી-જુદી કેટેગરીમાં વિજેતા થયેલા સ્પર્ધકોને આ કાર્યક્રમ દરમિયાન ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતા. કેમેરા કેટેગરીમાં સાગર ગોરે પ્રથમ, નિરવ પારેખે બીજો, વિકાસ શેઠે ત્રીજો નંબર મેળવ્યો હતો. જ્યારે મોબાઈલ કેટેગરીમાં મુરલી વ્યાસે પ્રથમ, પુષ્પરાજસિંહ ઝાલાએ બીજો અને અશોક ખોખરે ત્રીજો નંબર મેળવ્યો હતો.

વિજેતા તસવીરો

ફોટોગ્રાફી સ્પર્ધા : આ ફોટોગ્રાફી સ્પર્ધામાં વિજેતા બનેલા તસવીરકારોને અગ્રણીઓને હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં કેમેરા કેટેગરીમાં પ્રથમ નંબરે આવેલા સાગર ગોરને રુ.11,000, બીજા નંબરે આવેલા નિરવ પારેખને રુ.7000 અને ત્રીજા નંબરે આવેલા વિકાસ શેઠને રુ.5000 ઈનામ આપવામાં આવ્યું હતું. તેમજ મોબાઈલ કેટેગરીમાં પ્રથમ આવેલા મુરલી વ્યાસને રુ.5000, બીજા નંબરે આવેલા પુષ્પરાજસિંહ ઝાલાને રુ.3000 તો ત્રીજા નંબરે આવેલા અશોક ખોખરને રુ.1500 ચેક આપવામાં આવ્યો હતો.

વિજેતા તસવીરો : આ ફોટોગ્રાફી સ્પર્ધાની વિશેષતા એ છે કે, 260 જેટલા ફોટોગ્રાફરોએ 400 જેટલી તસવીરો આ સ્પર્ધામાં એન્ટ્રીના ભાગરૂપે આપી હતી. આ દરેક તસવીર આગાઉ કોઈ પણ સ્પર્ધામાં કે કોઈ પણ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ ન થઈ હોય તેવી તસવીર હતી. કેમેરા કેટેગરીમાં પ્રથમ આવેલ તસવીરમાં એક બાજુ માતા અને તેની બાળકી હરિયાળી જગ્યાએ ઉભેલા છે અને સાથે જ તેની બાજુમાં ઘોડી અને ઘોડાનું બચ્ચું ઊભેલું છે. માતૃત્વ થીમ પર ફોટો ક્લિક કરેલું છે. બીજા ક્રમે આવનાર તસવીરમાં એક સાથે 3 સાંઢો પ્રાણીઓની છે. તો ત્રીજા નંબરે આવનાર તસવીર કચ્છના પ્રખ્યાત સફેદ રણની છે. જેમાં સ્ટાર ટ્રેલ ફોટોગ્રાફી કરવામાં આવી છે. એટલે કે તારાઓની હલનચલનને રણમાં લાલ રંગના ટેન્ટ સાથે કેદ કરવામાં આવી છે.

ફોટોગ્રાફી સ્પર્ધા

મોબાઈલ ફોટોગ્રાફી : મોબાઈલ કેટેગરીમાં પ્રથમ ત્રણ ક્રમાંક આવનાર તસવીરની વાત કરવામાં આવે તો, પ્રથમ નંબરે આવેલ મુરલી વ્યાસની તસવીર સાંજના સૂર્યાસ્ત સમયની તસવીર છે. જેમાં પશુપાલક માલધારી પોતાની ગાય ભેંસને ચરાવીને તેમના વાડે પરત લઇ જતો હોય છે. ત્યારનો સિલહાઉટ પ્રકારની તસવીર છે. જે જોવામાં અદભુત લાગે છે. બીજા નંબરે આવેલ પુષ્પરાજસિંહ ઝાલાની તસવીર ભુજના હમીરસર તળાવ પર આવેલ પાવડીની છે કે, જ્યાં એક તરવૈયો હમીરસર તળાવમાં ન્હાવા માટે કૂદકો લગાવી રહ્યો છે. તો ત્રીજા નંબરે આવેલ અશોક ખોખરની તસવીરમાં કચ્છની ઓળખ એવા પ્રાગ મહેલ પેલેસની તસવીર છે. જે વાઈડ એંગલમાં લેવામાં આવી છે. જેમાં પેલેસ તેમજ પેલેસના આગળનું વર્ષો જૂનું ઝાડ અને આંગણુ પણ આવી જાય છે.

  1. World Photography Day: કચ્છની શ્રેષ્ઠતાને ઉજાગર કરતી થીમ પર યોજાઈ ફોટોગ્રાફી સ્પર્ધા, જુઓ પ્રદર્શનમાં મુકાયેલી તસવીરો
  2. Kutch Food Poisoning : જિલ્લામાં 600 થી પણ વધુ લોકોને અમૂલ ડેરી પ્રોડક્ટથી ફૂડ પોઈઝનીંગની અસર

ABOUT THE AUTHOR

...view details