ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કચ્છમાં કુદરતના સફાઈ કામદાર ગીધની સંખ્યામાં મોટો ઘટાડો, કારણ જાણો - ગીધ અંગે ચિંતાજનક આંકડા

વન્યજીવ વસ્તી ગણતરી 2022માં પક્ષીઓની ગણતરીને લઇને ગીધ અંગે ચિંતાજનક આંકડા સામે આવ્યાં છે. અહીં વસતાં ચાર પ્રજાતિના ગીધની કુલ સંખ્યા માત્ર 25 બચી છે. જાણીએ વધુ વિગતો.

Kutch News : કચ્છમાં કુદરતના સફાઈ કામદાર ગીધની સંખ્યામાં મોટો ઘટાડો, કારણ જાણો
Kutch News : કચ્છમાં કુદરતના સફાઈ કામદાર ગીધની સંખ્યામાં મોટો ઘટાડો, કારણ જાણો

By

Published : Aug 4, 2023, 2:53 PM IST

Updated : Aug 4, 2023, 5:19 PM IST

ગીધની કુલ સંખ્યા માત્ર 25 બચી

કચ્છ : હાલમાં લુપ્ત થવાના આરે પહોંચેલી ગીધની વિવિધ પ્રજાતિની રાજ્યવ્યાપી વસ્તી ગણતરી છેલ્લે 2022માં હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છના વનવિભાગ દ્વારા 10 અને 11 ડિસેમ્બરના વસ્તી ગણતરી કરવામાં આવી હતી.હાલમાં આ વસ્તી ગણતરીનો આંકડો સામે આવ્યો છે જેમાં કચ્છમાં 19 જેટલા ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે અને હવે માત્ર 25 જેટલા જ ગીધ કચ્છમાં રહ્યા છે.

કચ્છમાં ગીધની વસ્તીનો આંકડો આવ્યો સામે : કચ્છમાં ગીર ફાઉન્ડેશન, પ્રકૃતિપ્રેમીઓ અને પશુ નિરીક્ષકો ગીધ ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બન્યા હતા. કચ્છ અને ગુજરાતમાં જોવા જઈએ તો ગીધની મુખ્યત્વે ચાર પ્રજાતિ જોવા મળે છે. હાલમાં આધુનિક વિકાસની આડમાં હવે જંગલ અને આસપાસના રેવન્યુ વિસ્તારોમાં માત્ર જૂજ ગીધ જ બચ્યા છે.

સતત ઘટાડો

વર્ષ 2005માં 910થી હાલમાં માત્ર 25 જ ગીધ : કચ્છમાં ડિસેમ્બર માસમાં યોજાયેલ બે દિવસીય ગીધ પક્ષીની વસ્તી ગણતરી બાદ હાલમાં આંકડો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં કુદરતના સફાઈ કામદાર એટલે કે ગીધ માત્ર 25 જેટલા જ બચ્યા છે. જિલ્લામાં ભૂતકાળની વાત કરીએ તો વર્ષ 2005માં કચ્છમાં 910 જેટલા ગીધ હતા. જે ઘટીને અંતે વર્ષ 2022 પહેલા થયેલી ગણતરી એટલે કે વર્ષ 2018 માં માત્ર 44ની સંખ્યામાં જ બચ્યા હતા. 4 વર્ષ બાદ ફરી થયેલી ગણતરી બાદ 25નો આંકડો સામે આવ્યો છે.

વર્ષ 2005માં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળ્યા હતા : એક સમય હતો જ્યારે ગુજરાતમાં સૌથી વધુ ગીધ કચ્છમાં જોવા મળતા હતા. વર્ષ 2005માં કચ્છમાં 910 જેટલા ગીધ જોવા મળ્યા હતા. એક સમયે સૌથી વધુ 466 જેટલા ગીધ કચ્છના પોલડિયા ગામમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ કચ્છમાં ગીધની વસ્તી સતત ઘટતી આવી રહી છે. કચ્છના અબડાસા વિસ્તારમાં એક સમયે મોટી સંખ્યામાં ગીધ જોવા મળતા હતા. ખાસ કરીને અબડાસાના જખૌ, નલિયા, સુથરી વગેરે ગામોમાં મકાનના છાપરા પર ગીધનો જમાવડો જોવા મળતો હતો.

ગીધ પક્ષીની સંખ્યામાં ઘટાડો થવા પાછળ કારણો જોઇએ તો ગીધમાં પ્રજનન માટે પુખ્તવયના ગીધો કચ્છમાં ઓછા હોતા સમસ્યા સર્જાઈ છે. તો અન્ય વિસ્તારમાંથી જે ગીધ આવે છે તેની સંખ્યા પણ ખૂબ ઓછી હોય છે. ઉપરાંત ગીધ છે તે રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઊંચાઈવાળા વૃક્ષો પસંદ કરે છે. પરંતુ જંગલો તથા માનવ વસાહતની આસપાસના ઊંચા અને મોટા વૃક્ષો કપાઈ જતા તેમના પ્રજનનની પ્રવૃતિમાં પણ અવરોધ ઉભું થયું છે...યુવરાજસિંહ ઝાલા (નાયબ વન સંરક્ષક, પશ્ચિમ કચ્છ વન વિભાગ)

ગાંધીનગર સ્ટેટ ગીર ફાઉન્ડેશન અને વનવિભાગની સંયુક્ત કામગીરી: ઉલ્લેખનીય છે કે હાલમાં જે છેલ્લી વસ્તી ગણતરીમાં ગીધો જોવા મળ્યા હતા તે ગીધો જંગલ અને જંગલ આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યા હતા. વર્ષ 2022માં ગાંધીનગર સ્ટેટ ગીર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગ સાથે સંયુક્ત રીતે ગીધની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ગીધની ઝડપભેર ઘટતી વસ્તી ચિંતાનું કારણ પણ બની છે.

19 જેટલા ગીધની વસ્તીમાં ઘટાડો : પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ સંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે,"વર્ષ 2022માં ગીર ફાઉન્ડેશન દ્વારા 7મું ગીધ વસ્તી અંદાજ ગુજરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલ જેના આંકડાઓ હાલમાં જાહેર કરવામાં આવ્યા છે. કચ્છમાં વન વિભાગ દ્વારા ગત ડિસેમ્બરમાં ગીધની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં વર્ષ 2022માં ગીધ વસ્તી અંદાજમાં 25 જેટલા ગીધ નોંધાયેલા છે. વર્ષ 2018માં 44 ગીધ હતા.કચ્છમાં ગીધની સંખ્યામાં 19 જેટલા ગીધની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે."

પ્રવાસી ગીધની પણ નોંધ કરવામાં આવી :"આ ગીધની વસ્તી ગણતરીના અંદાજમાં અધિકારીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, ઝુઓલોજીના વિદ્યાર્થીઓ તેમજ વનવિભાગની ટીમો જોડાઈ હતી. આમ તો દર વર્ષે ઉનાળામાં ગીધની વસ્તીનો અંદાજ મેળવાતો હોય છે પરંતુ આ ગત વર્ષે શિયાળામાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં પ્રવાસી ગીધની પણ નોંધ કરવામાં આવી હતી."

કચ્છમાં જોવા મળેલ ગીધની વિવિધ પ્રજાતિ: વન્યજીવ અધિનિયમન 1972 હેઠળ ગીધ પક્ષી અનુસૂચિત એકમાં મુકાયેલું છે. જે કચ્છમાં જોવું ખૂબ જ દુર્લભ છે. કચ્છમાં પોલડીયા, અબડાસા વિસ્તાર અને કાળા ડુંગર વિસ્તારમાં મુખ્યત્વે ગીધ જોવા મળતા હોય છે. જિલ્લામાં અગાઉ સફેદ પીઠ ગીધ, ગિરનારી ગીધ, રાજ ગીધ, ઉજળો ગીધ, પહાડી ગીધ, ડાકુ ગીધ, જટાયુ ગીધ અને ખેરો ગીધ જોવા મળ્યા છે.

વસ્તી ગણતરીમાં ગીધની સંખ્યામાં ઘટાડો :પક્ષી ગણતરીના વર્ષોમાં સતત ગીધની વસ્તીમાં ઘટાડો નોંધાતો રહ્યો હતો. જેના આંકડા પણ જોઇએ તો 2005માં 910 ગીધ, 2007માં 462 ગીધ, 2010માં 235 ગીધ, 2012માં 180 ગીધ, 2016માં 072 ગીધ, 2018માં 044 ગીધ અને 2022માં 025 ગીધ નોંધાયા હતાં.

  1. કચ્છમાં કુદરતના સફાઈ કામદાર એવા ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો
  2. ગીરના જંગલોમાં સંકટ ગ્રસ્ત ગીધની પ્રજાતિની કરાઈ ગણતરી, આંકડો આગામી દિવસોમાં થશે જાહેર
  3. સાસણમાં જોવા મળ્યું લુપ્ત થવાને કગાર પર પહોંચેલા ડાકુ ગીધ
Last Updated : Aug 4, 2023, 5:19 PM IST

ABOUT THE AUTHOR

...view details