ભુજ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કચ્છ વિભાગનું આજે એકત્રીકરણ યોજાયું હતું. ભુજના કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યાલયમાં 10,000 જેટલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો જોડાયા હતાં. આ એકત્રીકરણમાં સ્વયંસેવકો દ્વારા સંઘની પ્રાર્થના, એકલ ગીત અને શૌર્ય ગીતનું ગાયન કરવામાં આવ્યું હતું.તો એક સાથે 10,000 જેટલા સ્વયંસેવકો દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યું હતું.કચ્છ વિભાગના આ એકત્રીકરણમાં રાપરના ત્રિકાળદાસ બાપુ, મુખ્ય વક્તા સહ- સરકાર્યવાહ અરુણ કુમાર,કચ્છ વિભાગના નવીન વ્યાસ, મહેશ ઓઝા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છના 850 ગામનું એકત્રીકરણ : આ એકત્રીકરણનો ઉદ્દેશ્ય સંઘ કામનો કાર્ય વિસ્તાર વિસ્તારવાનો છે તો કચ્છના ગ્રામ્ય વિસ્તારસુધી સંઘનું કામ પહોંચે તે રીતે સંઘના કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. તો શતાબ્દી વર્ષના લક્ષ્યાંક માટે પણ વિવિધ બેઠકો અને શિબિરો યોજવામાં આવી રહી છે. કચ્છના 850 ગામ સુધી પ્રવાસી કાર્યકર્તા દ્વારા પ્રવાસ કરી એકત્રીકરણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. તો કચ્છમાં 8000 નવા ગણવેશધારી સ્વયંસેવકો થયા હતાં. તો કચ્છના 23 ગામો એવા હતાં જેમાં 100થી વધુ લોકોએ ગણવેશ પૂર્ણ કર્યો હતો, તો 3 ગામોમાં 200થી ઉપર ગણવેશધારી સ્વયંસેવકો જોડાયા હતાં.
525 સ્થાનો પરથી 10,000 જેટલા સ્વયંસેવકો જોડાયા :કચ્છી લેવા પટેલ સમાજ સરદાર પટેલ વિદ્યાલય મધ્યે કચ્છના 10 તાલુકાના 22 તાલુકા એકમની ઉપસ્થિતિ હતી તો કચ્છના 8 નગર એકમોની ઉપસ્થિતિ હતી સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 109 ગ્રામીણ મંડળો માંથી 102 મંડળોની ઉપસ્થિતિ આ એકત્રીકરણમાં હોવા મળી હતી. કચ્છના 525 સ્થાનો પરથી 10,000 જેટલા સ્વયંસેવકો કચ્છ વિભાગના એકત્રીકરણમાં જોડાયા હતા. કચ્છના દરેક સ્વયંસેવકના સામૂહિક પ્રયાસ થકી એકત્રીકરણ માટે મહતમ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.