Rammandiram : સંસ્કૃત ભારતી દ્વારા ભગવાન રામનું સંસ્કૃતમાં ભજન, કચ્છના નંદલાલ છાંગાએ આપ્યાં સૂર - રામમંદિરમ
કચ્છમાં કાર્યરત સંસ્કૃત ભારતી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સંસ્કૃતમાં ભજન રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, કચ્છના પ્રખ્યાત કલાકાર નંદલાલ છાંગા દ્વારા વીર રસમાં ગાવામાં આવ્યું છે. બેંગ્લોરના કાર્યકર્તા ડૉ. ઉમામહેશ્વર દ્વારા દોઢ દિવસમાં સંસ્કૃત ભાષામાં રામ ભગવાન માટે રામમંદિરમ ભજન લખવામાં આવ્યું છે. આ ગીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે
Rammandiram : સંસ્કૃત ભારતી દ્વારા ભગવાન રામનું સંસ્કૃતમાં ભજન, કચ્છના નંદલાલ છાંગાએ આપ્યાં સૂર
કચ્છ : પૂરા દેશમાં આયોધ્યામાં રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, તો અયોધ્યામાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ગાયકો-લેખકોને રામભજન લખવા તેમજ ગાવા માટે આહ્વાન કર્યું હતું. ત્યારે કચ્છમાં કાર્યરત સંસ્કૃત ભારતી કે જે સંસ્કૃત ભાષાને પુનઃ વ્યવહારની ભાષા બનાવવા માટે પ્રયત્નશીલ છે તેમના દ્વારા રામ ભગવાન પર સંસ્કૃતમાં એક ભજન લખવામાં આવ્યું છે અને જેને કચ્છના પ્રખ્યાત કલાકાર નંદલાલ છાંગા દ્વારા રામમંદિરમ વીર રસમાં ગાવામાં આવ્યું છે.જેને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.
ભગવાન રામનું સંસ્કૃતમાં ભજન : અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રામલલ્લાના સ્વાગત માટે લોકો અનેક રીતે તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે કચ્છમાં કાર્યરત સંસ્કૃત ભારતીના કચ્છ વિભાગના સંયોજક અમિતભાઈ ગોરને પણ સંસ્કૃતમાં ભગવાન રામ માટે ભજન લખવા માટેનો વિચાર આવ્યો અને તેમણે સંસ્કૃત ભારતીના અન્ય કાર્યકરોને પણ તેમણે પોતાનો વિચાર રજૂ કર્યો અને બેંગ્લોરના કાર્યકર્તા ડૉ. ઉમામહેશ્વર દ્વારા દોઢ દિવસમાં સંસ્કૃત ભાષામાં રામ ભગવાન માટે ભજન લખવામાં આવ્યું છે.
કચ્છના પ્રખ્યાત કલાકારના કંઠે ગવાયું ભજન : કચ્છના પ્રખ્યાત કલાકાર નંદલાલ છાંગા કે જેઓ ભગવાન શ્રી કૃષ્ણના ભજનો અને ગીતો ગાઈને તેમજ પોતાના મધુર કંઠ દ્વારા લોકોને કૃષ્ણઘેલા કર્યા છે અને નામના મેળવી છે. હાલમાં ભગવાન શ્રી રામના આગમનને લઈને નંદલાલ છાંગા દ્વારા ભજન ગાવામાં આવ્યું છે. આ ભજનનું નામ નંદલાલ દ્વારા રામમંદિરમ ( राममन्दिरम् ) રાખવામાં આવ્યું છે. આ ગીતને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નંદલાલ છાંગા દ્વારા ના માત્ર કચ્છ પરંતુ ભારતની સાથે વિદેશી લોકોમાં પણ પોતાના ભજનગીતો દ્વારા ભક્તિ જગાડી છે.
રામમંદિર સમગ્ર રાષ્ટ્રનું મંદિર : સંસ્કૃત ભારતીના કચ્છ વિભાગના સંયોજક અમિતભાઈ ગોરે માહિતી આપતા જણાવ્યું હતું કે કાર્યકર્તાઓને ઉતમ વિચાર આવ્યો છે. હાલમાં વિશ્વ રામમય છે અને સર્વત્ર બધા જ ગીતો વિવિધ ભાષાઓમાં લખાઈ રહ્યા છે અને ગવાઈ રહ્યા છે.
એક સંસ્કૃતમાં પણ ગીત આવે એવી ઈચ્છા થઈ એટલે બેંગ્લોરના કાર્યકર્તાને વાત કરવામાં આવી અને સૂચનો પણ તેમની પાસેથી માંગવામાં આવ્યા અને એક ગીત તેમના દ્વારા દોઢ દિવસમાં રામ મંદિર માટે લખવામાં આવ્યું અને કચ્છના કલાકાર નંદલાલ છાંગા દ્વારા આ ગીત નિ:શુલ્ક કંપોઝ અને ગાવામાં આવ્યું છે. આ ગીતના પ્રથમ પંક્તિના શબ્દો અર્થ એવો થાય છે કે રામ મંદિર છે તે જાણે પૂરા વિશ્વનું રાષ્ટ્ર મંદિર છે અને કરોડો લોકોના કંઠમાં આ ગીત ગવાઈ રહ્યું છે. આ રામમંદિરની કાયમ જય થાય એટલે આ મંદિર હૃદયના પુટ ઉપર બિરાજમાન છે...અમિતભાઈ ગોર (સંયોજક, સંસ્કૃત ભારતી કચ્છ વિભાગ)
સતયુગના માહોલનું વર્ણન : ગાયક કલાકાર નંદલાલ છાંગાએ જણાવ્યું હતું કે, જ્યારે આખો દેશ અને દુનિયા ભગવાન રામમય થઈ છે. ત્યારે કલાકાર તરીકે દાયિત્વ બને છે કે ખુશીમાં લોકોને જોઈન કરવા માટે હું પણ મારો યોગદાન આપું.
એ યોગદાનરૂપે સંસ્કૃતમાં લખાયેલો ભજન અને ભગવાન શ્રીરામની કૃપા દ્વારા મને કમ્પોઝ કરવાનું અને એને ગાવાનો મોકો મળ્યો એના માટે હું સંસ્કૃત ભારતી અને વિશેષ કરીને અમિતભાઈનો આભારી છું. આ ભજન તૈયાર કરવામાં ખૂબ જ આનંદ થયો અને સંસ્કૃતમાં આવી રચનાઓ ગાવી વીરરસ ભરેલી. ભગવાન રામ જ્યારે સતયુગમાં જ્યારે જે આસપાસનો માહોલ છે કે વાલ્મિકી ઋષિને શું અહેસાસ થયો હતો, સીતા માતા સાથે હનુમાન દાદાજી કેવી રીતે રાજી થયાં હતાં, લક્ષ્મણજી કેમ રાજી હતાં, આ બધું સરયૂ નદીનું માહોલનો વર્ણન આ ભજનમાં વર્ણવી લેવાયું છે...નંદલાલ છાંગા (ગાયક કલાકાર)
લોકોનો ખૂબ સારો પ્રતિસાદ :પહેલી વખત જ આ પ્રોજેક્ટ જ્યારે મને મળ્યો ને મેં જ્યારે સ્ટુડિયોમાં ગાયું ત્યારે મારા રુવાંટા ઊભા થઈ ગયા હતાં અને મને આજે એ પણ એ ક્ષણ યાદ છે. એટલે ખૂબ આનંદ અને ખૂબ ઉલ્લાસ આ ભજન કરવાથી થઈ રહ્યું છે. ભક્તિ યુવાનો સુધી પહોંચાડવા માટે યુવાનોને ગમતી રચનાઓ યુવાનોના હૃદયમાં પહોંચે એવી રચનાઓ અમે ખુદ હવે યુવાન છીએ. એટલે યુવાન લોકોના ટેસ્ટની અમને ખ્યાલ હોય છે ને એ રીતે અમે લોકો ભજન અને ગીતોના રસ પીરસી રહ્યા છીએ .લોકોને રામ મંદિરમ્ સંસ્કૃત ભાષામાં અત્યારે લોકો સુધી પહોંચાડવું અને પચાવવું એ ખૂબ જ અઘરું છે તથા અમે લોકો પ્રયાસ કરેલો છે અને લોકોને ખૂબ ગમ્યું પણ છે.