ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : માતાના મઢમાં ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત, 32 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્ય પ્રગતિમાં - ખાટલા ભવાની મંદિર

કચ્છમાં નવરાત્રિના પગલે ભક્તોનો તાંતો મા આશાપુરાના ધામ માતાના મઢ તરફ જતાં રસ્તાઓ પર જોવા મળી રહ્યો છે. અહીં પહોંચી રહેલા માઇભક્તોને બે સુખદ નવલાં નજરાણાં જોવા મળી રહ્યાં છે. આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત થઇ ગયાં છે.

Kutch News : માતાના મઢમાં ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત, 32 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્ય પ્રગતિમાં
Kutch News : માતાના મઢમાં ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત, 32 કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્ય પ્રગતિમાં

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 4:34 PM IST

કચ્છ : દેશભરના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર માતાના મઢ ખાતે આવેલ આશાપુરા ધામમાં વિકાસ કાર્યોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો છે. જે હેઠળ આશાપુરા મંદિર યાત્રાધામ પરિસર ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડનું અદ્યતન નવીનીકરણ કરી દેવામાં આવ્યું છે અને મુખ્ય મંદિર સહિત સમગ્ર માસ્ટર પ્લાનનું કામ એપ્રિલ-2024માં પૂર્ણ થઈ જશે.

ખાટલા ભવાની મંદિર અને ચાચરા કુંડ નવીનીકૃત : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) દ્વારા ગત ઑગસ્ટ 2022થી કચ્છ જિલ્લામાં લખપત તાલુકાના માતાના મઢ ગામે આવેલ આશાપુરા માતા મંદિર પરિસરના વિકાસ માટેના માસ્ટર પ્લાન હેઠળ વિકાસ કાર્ય શરુ કરવામાં આવ્યા હતાં. આશાપુરા ધામ ખાતે આ માસ્ટર પ્લાન હેઠળ રીડેવલપમેન્ટ તથા રિનોવેશનની કામગીરી પુરજોશમાં હાલ ચાલુ જોવા મળી રહી છે. સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે, તેવા માતાના મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના આસ્થા સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

નવલું નજરાણું નવા સ્વરૂપે જોવા મળશે : માતાના મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં આમ તો બારે માસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે. આ નવરાત્રિમાં આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે નવીનીકૃત કરાયેલ ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડ નવલું નજરાણું બનશે. માસ્ટર પ્લાન હેઠળ આ બંને સ્થળોના વિકાસના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

કુલ 32.71 કરોડનો માસ્ટર પ્લાન

ડુંગર પર ખાટલા ભવાની મંદિરે પહોંચવું સરળ બન્યું : આશાપુરા માતા યાત્રાધામ સંકુલ ખાતે આવેલ ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર આવે છે કે જ્યાં પહોંચવા પગથિયા (ધાબા સાથે) તથા મોટરેબલ રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ ‘ માતાનો મઢ ’ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા મંદિર ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રીનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ, પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેમાં વૉક વે, બાળ ક્રીડાંગણ, ગઝીબોનું રીપેરીંગ, વાહનો થકી આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ ઓટલા, મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરિત ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર :માતાના મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે કે જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવી અને જમી શકે; તે માટે કિચન ડાઇનિંગ સુવિધા ઊભી કરાઈ છે. આ ઉપરાંત એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

આશાપુરા માતા મંદિર અને રૂપરાય તળાવ :જીપીવાયવીબી દ્વારા હવે માતાના મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતે વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ છે. રૂપરાય તળાવ ખાતે વિકાસ કાર્યો અંદાજે 40 ટકા પૂર્ણ થઈ ગયા છે. શ્રી આશાપુરા માતાજી મંદિરમાં પ્લાન મુજબ સંપૂર્ણ ડીમોલિશન પૂર્ણ કરી યાત્રિકોને અગવડતા ન પડે તે માટે પીસીસી કામગીરી પ્રગતિ હેઠળ છે તથા બાકીની કામગીરી નવરાત્રી બાદ શરૂ કરવાનું આયોજન છે.

  1. જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે
  2. કચ્છના માતાના મઢ ખાતેથી મળ્યું જેરોસાઇડ, NASAના વૈજ્ઞાનિકો આવીને કરશે સંશોધન
  3. Mata no Madh: આશાપુરાના દર્શનાર્થે ઉમટ્યા શ્રદ્ધાળુઓ, પ્રથમ નોરતા સુધીમાં 3 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું

ABOUT THE AUTHOR

...view details