ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ કચ્છ : ભાવનગર ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ માસ્ટર્સ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ભુજની હિના રાજગોરે ગોલ્ડ મેડલ જીતી કચ્છની યશ કીર્તિમાં વધારો કર્યો. આ સાથે હિના હવે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
છેલ્લાં 8 વર્ષથી યોગાભ્યાસ : ભુજની યુવતી હિના રાજગોર કે જે છેલ્લાં 8 વર્ષોથી યોગ સાથે જોડાયેલી છે અને યોગાસનમાં તે પોતાની કારકિર્દી ઘડી રહી છે સાથે સાથે તે મોડલીંગ પણ કરે છે. હાલમાં જ હિનાએ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપની ટ્રેડિશનલ ઇવેન્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હિના ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સાથે પણ કામ કરી રહી છે. હિના હાલમાં સૂર્ય નમસ્કારને પ્રમોટ કરી રહી છે. હિનાને 2022માં યોગા ક્વીનનો એવોર્ડ મળ્યો છે તો ગુજરાત સુપર મોડલનો એવોર્ડ પણ મેળવ્યો છે.
હિનાને 2022માં યોગા ક્વીનનો એવોર્ડ મળ્યો હતો અષ્ટાંગ યોગામાં એમ.એસ.સીનો અભ્યાસ : ભાવનગર ખાતેની સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ હિના હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હિના રાજગોર અમદાવાદમાં લકુલીશ યોગ યુનિવર્સિટીમાં અષ્ટાંગ યોગામાં એમ.એસ.સીનો અભ્યાસ કરે છે. હિના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને ચેનલ પર યોગા ચાલવે છે જેમાં લોકો જોડાઈને નિઃશુલ્ક યોગ-આસનનું લાભ લેતા હોય છે. હિના કયા આસનો કેવી રીતે કરવા, ક્યારે કરવા, કેટલા સમય માટે કરવા તેમજ આસનની ખોટી રીતથી થતાં ગેરલાભ અંગે પણ માહિતી પૂરી પાડે છે.
4 વર્ષથી યોગને એક સ્પોર્ટ્સ તરીકે પસંદ કર્યું : હિના રાજગોરે પોતાના યોગની શરૂઆતની સફર અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે તે છેલ્લાં 7-8 વર્ષથી યોગ સાથે જોડાયેલી છે. હિનાએ યોગને ગેમની રીતે પસંદ કર્યું હોય તો તે કોરોના કાળ દરમિયાન તેણે લીધું છે.જ્યારે અન્ય લોકો કોરોના સમયમાં વેબ સિરીઝ જોવામાં વ્યસ્ત હતાં ત્યારે તે દિવસના 7 થી 8 કલાક યોગાભ્યાસ કરતી હતી અને એડવાન્સ યોગ શીખ્યાં છે. હિનાને યોગ પ્રત્યે ખૂબ જ ધગશ હતી અને તેને મનમાં એવું હતું કે યોગ માટે કંઇક કરવું છે માટે છેલ્લાં 4 વર્ષથી તેને યોગને એક સ્પોર્ટ્સ તરીકે પસંદ કર્યું છે.
ગુજરાત સ્ટેટ માસ્ટર્સ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ વિનર યોગાસનની ચેમ્પિયનશિપમાં પુરસ્કાર: હિના રાજગોર ખાસ કરીને ટ્રેડિશનલ યોગ કરતા હોય છે જેમાં તેણે સૂર્ય નમસ્કારની સ્પર્ધામાં ભાગ લઈને શરૂઆત કરી હતી .ત્યાર બાદ અન્ય યોગાસનની ચેમ્પિયનશિપમાં પણ તેને ભાગ લીધો છે અને ખિતાબો મેળવ્યા છે.જે પૈકી NYSF એટલે કે નેશનલ યોગાસન સ્પોર્ટ ફેડરેશન કે જેમાં જિલ્લાસ્તરે, રાજ્યસ્તરે અને ત્યાર બાદ નેશનલસ્તરે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આગામી સમયમાં જાન્યુઆરી મહિનાના અંતમાં નેશનલ સ્તરની ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવશે જેમાં વિજેતા બનતા ખીલાડીઓને ખેલો ઇન્ડિયામાં રમવા જવા મળતું હોય છે. ઉલ્લેખનીય છે કે સૂર્ય નમસ્કારની ચેમ્પિયનશિપમાં વિજેતા થતાં ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા 2.51 લાખનું પુરસ્કાર પણ આપવામાં આવતો હોય છે.
યોગિક મેનેજમેન્ટ દ્વારા રોગોનું નિદાન : હિનાનું હાલમાં યોગાભ્યાસમાં માસ્ટરનું અભ્યાસ ચાલુ છે જેમાં ઉતીર્ણ થયા બાદ યોગા ટીચર અને યોગ થેરાપિસ્ટની ડીગ્રી તેને પ્રાપ્ત થશે.આ અભ્યાસમાં યોગીક મેનેજમેન્ટ દ્વારા હાલમાં લાઈફ સ્ટાઈલ મુજબના રોગો છે જેમ કે થાઈરોઈડ, બ્લડ પ્રેશરની બીમારીઓ છે કે જે જુદી જુદી લાઇફ સ્ટાઇલના લીધે થતી હોય છે તેને યોગાભ્યાસ દ્વારા ઠીક કરી શકાય તે બધું શીખવવામાં આવે છે.
યુવાનોને યોગાભ્યાસ માટે સંદેશો : હિનાએ આજની યુવા પેઢીને પ્રોત્સાહન કરતા જણાવ્યું હતું કે, આજનો જમાનો સોશિયલ મીડિયાનો છે ત્યારે લોકો તેના માટે પૂરતો સમય કાઢે જ છે તો સ્વાસ્થ્ય માટે પણ લોકો સમય ફાળવે અને કોઈ પણ એક સ્પોર્ટ્સને પસંદ કરી દરરોજના 1 થી 2 કલાક સમય ફાળવશે તો બીજી બધી પ્રવૃતિઓમાં પણ તેની અસર જોવા મળશે. 2036માં જ્યારે ભારત ઓલમ્પિક ગેમ્સ હોસ્ટ કરવાનો છે ત્યારે યોગનો સમાવેશ તેમાં ગેમ તરીકે કરવામાં આવશે તેની પૂરેપૂરી શક્યતાઓ છે ત્યારે ભારતના યુવાનો અત્યારથી જ યોગાભ્યાસ કરે અને મહેનત કરે તો ભારતમાં માટે મેડલ જીતી શકાય તેમ છે અને યોગમાં કારકિર્દી પણ ખૂબ જ ઊંચી જશે.
- તાજમહેલમાં યોગ કરતા પ્રવાસીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- Bhavnagar News : એક રૂમમાં રહેતા 3 ભાઈ માતાપિતા સાથેના હાર્દિકની મિત્રો સાથે પહેલ, નવ વર્ષમાં પૂર્વ શાળામાં યોગ સેના બનાવી