હમીરસર તળાવ છલકાતાં જાહેર રજા કચ્છ : ભુજના હૃદય સમાન હમીરસર તળાવ એટલે શહેરનું સૌદર્ય અને કચ્છીઓની લાગણીનું પ્રતીક. સતત બીજા વર્ષે ધોધમાર વરસાદને પગલે તળાવ છલકાઈ ગયું છે. ભુજમાં વરસેલા ચાલુ સીઝનના 25 ઇંચ જેટલા વરસાદે ભુજનું હૃદય છલકાવી દીધું છે. ત્યારે આજે ભુજના નગરપતિ ઘનશ્યામ ઠકકર દ્વારા શોભાયાત્રા યોજીને પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિથી તળાવના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતાં. શા માટે છે હમીરસર તળાવ વધાવવાની પરંપરા તે અહીંનો ઇતિહાસ જાણીને માણીએ.
રાજાશાહી સમયનું અને 450 વર્ષ જૂનું હમીરસર તળાવ છલકાય ત્યારે રાજા દ્વારા તળાવને વધાવવામાં આવતું. ત્યાર બાદ આઝાદી પછી 1952માં ભુજ નગરપાલિકાની સ્થાપના થઇ અને વર્ષ 1953માં સૌપ્રથમ વખત હમીરસર તળાવ ઓગનવાની શરૂઆત થઈ. ત્યારે પ્રથમ વખત ભુજના નગરપતિ કુન્દનલાલ ધોળકિયાએ છલોછલ હમીરસર તળાવને વધાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં 27મી વખત હમીરસર તળાવ ઓગન્યું છે.જે હાલના નગરપતિ ઘનશ્યામ ઠક્કર દ્વારા વધાવવામાં આવ્યું હતું. ભુજમાં અત્યાર સુધી 45 નગરપતિ બન્યા છે. તો આ ઉપરાંત નગરજનોને મેઘ લાડુનું જમણ પણ નગરપાલિકા દ્વારા કરાવવામાં આવે છે...નરેશ અંતાણી (ઇતિહાસકાર )
ભુજ નગરપાલિકાથી શોભાયાત્રા : કચ્છમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભુજ શહેરના મુખ્ય તળાવના પાણીની આવકના મોટા બંધમાં જોશભેર પાણી શરૂ થયાં હતાં. જેને પગલે સમગ્ર શહેરમાં હર્ષની લાગણી ફરી વળી હતી. તેમ જ લોકો તળાવ કિનારે પહોંચ્યા હતાં. તો આજે ભુજ નગરપાલિકાથી પાળેશ્વર ચોકથી પાવડી સુધી વાજતે ગાજતે શોભાયાત્રા યોજીને તળાવના વધામણાં કરવામાં આવ્યાં હતાં.
શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણાં : હમીસર તળાવ ક્યારે છલકાય તેની રાહ છેલ્લાં થોડાંક દિવસોથી જોવાતી હતી. ત્યારે ગઈકાલે સવારના 11:30 વાગ્યાની આસપાસ તળાવ છલકાવા લાગ્યું હતું. જેને પગલેે ભુજના લોકો તળાવ જોવા મોટી સંખ્યામાં પહોંચી ગયાં હતાં. તો સવારે કચ્છ રાજવી પરિવારના કુંવર ઈન્દ્રજીતસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર, ભુજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તળાવના નવા નીરને પરંપરાગત વિધિ સાથે વધાવવામાં આવ્યું હતું.
નવા નીરના વધામણાં : ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર દ્વારા શ્રીફળ સહિતની સામગ્રી તળાવમાં પધરાવી શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા નીરના વધામણાં કરવામાં આવ્યાં હતાં. આ સમયે મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટી પડયા હતાં અને વધામણાં સમયની ક્ષણનો આનંદ લીધો હતો.
આશાપુરા માના અને વડીલોના આશીર્વાદથી આજે બીજી વખત પ્રમુખ તરીકે આ તળાવ વધાવવાની તક મળી છે. વર્ષ 1996માં મારા પિતાજી ભુજ નગરપાલિકાના પ્રમુખ હતાં. પરંતુ તેમને હમીરસર તળાવ વધાવવા માટેની તક મળી ન હતી. પણ કુદરત અને મા આશાપુરાના આશીર્વાદથી આ તળાવ બીજી વખત વધાવ્યું છે. શહેરીજનોનો પણ આભાર માનું છું. ગત વર્ષે મેઘલાડું રહી ગયા હતા પરંતુ આ વર્ષે બમણાં મેઘ લાડુ નગરજનોને માણવા મળશે તેવી ખાતરી આપું છું...ઘનશ્યામ ઠક્કર(ભુજ નગરપાલિકાના પ્રમુખ )
હમીરસર તળાવ છલકાય તેના બીજા દિવસે જાહેર રજા : ઉલ્લેખનીય છે કે, સંભવિત્ રાજ્યમાં એક માત્ર શહેર ભુજમાં જ કોઈ તળાવ છલકાઈ જાય તો તેની સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે. આ પરંપરા 1970થી ચાલી આવે છે.આજે કચ્છ કલેકટરે આ પરંપરાને જાળવી ૨ાખી તળાવ છલકાઈ જતાં ભુજમાં આવેલી રાજ્ય સ૨કા૨ની જિલ્લા કક્ષાની તમામ કચેરીઓમાં, શાળા કોલેજોમાં જાહેર રજા જાહેર કરી હતી. અત્યાર સુધીમાં 27મી વખત હમીરસર છલ્લોછલ ભરાયું છે. ત્યારે આ વર્ષે બમણાં મેઘ લાડુનું આયોજન કરવામાં આવ્યું છે.
- Gujarat Rainfall Overall : મોસમનો કુલ વરસાદ કેટલા ટકા થયો જૂઓ, નર્મદા ડેમમાં જળસંગ્રહ થયો 58 ટકા
- Porbandar Rain : ભાદર-2 ડેમના ચાર દરવાજા ખોલ્યા, પોરબંદરના 15 ગામોને એલર્ટ કરાયા
- Kutch News: હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં આનંદો