કચ્છ :દેશભરમાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે, તો અયોધ્યામાં પણ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ ગાયકો-લેખકોને રામભજન લખવા તેમજ ગાવા માટે આહ્વાન કર્યું હતું. તેવામાં કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગાયિકા ગીતાબેન રબારીએ ગાયેલું ભજન યુ-ટયુબ પર છવાયું છે અને મોદીએ પણ તેની પ્રશંસા કરી તેને ભાવુક ગણાવ્યું છે અને ટ્વીટ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગીતાબેનના ભજનને પોસ્ટ કરી લખ્યું છે કે, અયોધ્યામાં ભગવાન રામના દિવ્ય મંદિરમાં રામલલ્લાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે રામલલ્લાના સ્વાગત માટે ગીતાબેન રબારીએ જે ભજન ગાયું છે તે ભાવુક કરનારું છે. નોંધનીય છે કે ગીતાબેન રબારીના `શ્રી રામ ઘર આયે..' ભજનને યુ-ટયુબ પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
કોણ છે ગીતાબેન રબારી? :ગીતાબેન રબારી ગુજરાતના પ્રખ્યાત લોકગાયિકા અને ડાયરામાં પરફોર્મ કરનાર કચ્છના રહેવાસી છે. ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ટપ્પર ગામે થયો હતો.એક સામાન્ય પરિવારમાંથી તે આવે છે.તેમના પિતાનું નામ કાનજીભાઈ રબારી અને માતાનું નામ વેંજુબેન રબારી છે.ગીતાબેન રબારીને નાનપણથી જ ગાવાનો શોખ હતો અને તેને લોકગીતના કાર્યક્રમોમાંથી જ ગાવામાં વધુ રસ પડ્યો હતો. ગીતાબેન રબારીએ 1 થી 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ ટપ્પર ગામમાં જ પૂર્ણ હતું અને પછી ધોરણ 9થી 10 નો અભ્યાસ ભીમાસર ગામમાં પૂર્ણ કર્યો હતો.
પાંચમા ધોરણથી જ ગાવાનો શોખ : ઉલ્લેખનીય છે કે ગીતા રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ ગાવાનું શરુ કર્યું હતું. ગીતાબેને સૌ પ્રથમ તેમની શાળાના એક કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું હતું અને પછી પડોશના ગામમાં એક મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપ્યો અને તે પછી તે પાડોશમાં નાના-નાના કાર્યક્રમોમાં ગાવા લાગ્યા અને પછી ધીમે ધીમે તેને સફળતા મળવા લાગી અને આજે ગીતાબેન રબારી ગુજરાતના જાણીતાં ગાયિકા છે અને તેમનું ખૂબ નામ થયું છે. તેઓ વિદેશમાં પણ અવારનવાર કાર્યક્રમો કરે છે. ગત વર્ષે ગીતાબેને યુકે સહિત ઘણા દેશોની મુલાકાત લીધી હતી. વિદેશમાં તેમના કાર્યક્રમો પણ યોજાયા હતા. આજે ગીતાબેનની લોકચાહના પણ ખૂબ છે ત્યારે હવે તેના કાર્યક્રમોમાં લાખો લોકો ભેગા થતા હોય છે. તો હવે તો નવરાત્રી તેમજ લગ્ન પ્રસંગમાં પણ ગીતાબેન રબારીની માંગ વધી રહી છે.