ધીણોધર નાની અરલ સુંદર દ્રશ્યોનો બર્ડ વ્યૂ કચ્છ : સૂકા રણપ્રદેશ તરીકે ઓળખાતા કચ્છની ભૂમિ ભૌગોલિક વિવિધતાઓથી ભરેલી છે. અહીંની જમીન પર જુદાં જુદાં રંગો પણ જોવા મળે છે. ઉપરાંત અનેક ખનીજ તત્વો પણ કચ્છની ભૂમિમાં ઉપલબ્ધ છે. હાલમાં કચ્છમાં વરસેલા સાર્વત્રિક વરસાદ બાદ કચ્છની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જેમાં કચ્છના નાની અરલ ગામ પાસે આવેલ નદીના વિસ્તારમાં ગુરુ ગ્રહની સપાટી જેવા રંગો જોવા મળ્યા હતાં.
આ સુંદર દ્રશ્યો કેવી રીતે રચાય છે તેની જાણકારી મેળવો કચ્છની ભૂમિ પર જોવા મળ્યો અદભૂત નજારો : પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના નાની અરલ ગામ પાસેની નદીની જમીન પર વરસાદ બાદ વિવિધ રંગો જોવા મળ્યા છે. જેમાં વાદળી, નારંગી, પીળા,લાલ રંગની આ ભૂમિ જાણે ગુરુ ગ્રહનો અનુભવ કરાવતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ભુજના અભિષેક ગુસાઈ દ્વારા પોતાની એક રોડટ્રીપ દરમિયાન આ અદભુત રંગોના નજારાને ડ્રોન કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. કચ્છના આ અદભુત નજારાની ચર્ચા પણ હાલમાં થઈ રહી છે. આ અગાઉ પણ કચ્છના માતાના મઢ પાસે મંગળ ગ્રહ જેવી ભૂમિ જોવા મળી હતી જેના પર સંશોધન કરવા માટે નાસાના વૈજ્ઞાનિકો પણ કચ્છની મુલાકાતે આવી ચૂક્યા છે.
રોડની બાજુમાં જ્યાંથી આ નદી પસાર થઈ રહી હતી ત્યાં ઉતરીને મુલાકાત લેતાં ત્યાં આવા વિવિધ આકર્ષક રંગો જોવા મળ્યા હતાં. જ્યારે નરી આંખે આવા સુંદર દ્રશ્યો જોવા મળ્યાં ત્યારે આ દ્રશ્યોને આકાશી નજારા એટલે કે બર્ડ વ્યુ તરીકે કેદ કરવા જ્યારે ડ્રોન કેમેરા ફ્લાય કરવામાં આવ્યું ત્યારે આ અદભુત નજારો સામે આવ્યો હતો. જેમાં જાણે કે કુદરતના કેનવાસ પર ઓઇલ પેઇન્ટિંગ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ડ્રોનના દ્રશ્યોમાં આસપાસના પથ્થરોનું નિર્માણ અને આ રંગો જાણે ગુરુ ગ્રહનો આભાસ કરાવે છે તેવું લાગ્યું હતું...અભિષેક ગુસાઈ( ડ્રોન પાયલટ)
જ્વાળામુખીના મૃત પથ્થરોમાં સર્જાય છે અદભૂત રચના : કચ્છની ભૂમિ પર કયા કારણોસર આવા રંગો બને છે શા માટે પત્થરો પર આવા આકર્ષિત દ્રશ્યો જોવા મળે છે તે અંગે વાતચીત કરતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ગૌરવ ચૌહાણે વિશેષ વિગતો આપી હતી.
નાની અરલ એટલે કે ધીણોધર ડુંગરની આસપાસ જુદાં જુદાં પ્રકારના પથ્થરો જોવા મળે છે. જેમાં મૃત જ્વાળામુખીની આસપાસના પથ્થરો પણ જોવા મળે છે. અમુક જળભૃત ખડક પણ જોવા મળે છે તો અમુક વિકૃત ખડકો જોવા મળે છે. ધીણોધર ડુંગર છે તે જ્વાળામુખીના કાળા પથ્થરો ધરાવે છે જ્યારે તેનો આસપાસ અન્ય જુરાસિક સમયના પથ્થરો જોવા મળે છે...ગૌરવ ચૌહાણ (આસિસ્ટન્ટ પ્રોફેસર, અર્થ એન્ડ એનવાયરમેન્ટ સાયન્સ વિભાગ, કચ્છ યુનિવર્સિટી)
આયર્નના લિચિંગ પ્રક્રિયાને કારણે જોવા મળે રંગો: તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વીડિયોમાં જે રીતે લાલ રંગના, નારંગી રંગના, ચેરી રંગના ખડકો દેખાય છે તે આયર્ન નામનું પથ્થરમાં જે કેમિકલ હોય છે તેના કારણે થાય છે. આ ઘટનાને આયર્ન લિચિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. લાંબા ગાળે આયર્ન પથ્થરોમાં લિચિંગ થઈને ઘણી જગ્યાએ ફ્લો થાય અને એકત્રિત થાય ત્યારે પથ્થરોમાં અલગ અલગ રંગો આપે છે. ક્યારેક પીળા ક્યારેક લાલ તો ક્યારેક કાળા રંગ આપે છે. જે જ્વાળામુખી હોય તેની અંદર આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તો દરિયાઈ વિસ્તારના ખડકોમાં પણ આયર્ન ભરપૂર હોય છે. જેના કારણે હજારો વર્ષોના લિચિંગ પ્રક્રિયાના કારણે ખડકો પર આવા વિવિધ રંગો સાથેની રચના થતી હોય છે.
- જાણો Matana Madh પાસે આવેલ Planet Mars જેવી 3થી 4 વર્ગ કિલોમીટરની રંગીન ભૂમિ વિશે
- મંગળ ગ્રહ અને કચ્છના માતાના મઢ વચ્ચે શું છે સામ્યતા? જાણો વિગત
- મંગળ ગ્રહના દક્ષિણ ધ્રુવ પરના તળાવ કદાચ ખરેખર નથી!