કચ્છ : ભુજમાં લોકાર્પિત થયેલા નવા આઈકોનિક એસટી બસ પોર્ટને લઇને ભુજવાસીઓ આનંદિત થયાં છે. ભુજનું આઇકોનિક બસ પોર્ટ એરપોર્ટ જેવું બનાવવામાં આવ્યું છે જે કચ્છીયત થીમ પર બનાવવામાં આવ્યું છે. જ્યાં આધુનિક સુવિધાઓ ધરાવતી લિફ્ટ, એક્સેલેટર અને 250 જેટલી નાની મોટી દુકાનોમાં શોપિંગની સેવાઓ મુસાફરોને ઉપયોગી બની રહેશે. આજે બસ પોર્ટના લોકાર્પણ સાથે અન્ય 18 જેટલા વિકાસ કાર્યોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહર્ત કરવામાં આવ્યા હતાં. 266 કરોડના વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણથયાં હતાં.
મુખ્યપ્રધાન દ્વારા કરાયું લોકાર્પણ :મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ભુજ ખાતેથી રૂ. 29.21 કરોડના ખર્ચે નવનિર્મિત ભુજ બસપોર્ટ, ગેટકોના કુલ 07 વીજ સબસ્ટેશન અને રામપર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે માર્ગ અને મકાન વિભાગના વિવિધ રોડ રસ્તા, બ્રિજ, રેસ્ટ હાઉસના 7 કામ, હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટસ સેન્ટર, દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ, કુરન રિચાર્જ ટેન્ક એમ કુલ 10 કામોનું ઈ-ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.
20000થી 25000 જેટલા મુસાફરોની આવનજાવન : ભુજમાં એસટી બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ 2017માં આત્યાધુનિક સુવિધાઓ સાથેનું બસ પોર્ટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું. અંદાજિત 40 કરોડની રકમથી બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.પી.પી.પી. ધોરણે નિર્માણ પામેલા આ બસ પોર્ટનું કતિરા ક્યૂબ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે.નવા આઇકોનિક બસ પોર્ટ પર દરરોજની 1000 જેટલી બસની અવરજવર રહેશે અને 20000થી 25000 જેટલા મુસાફરોની આવનજાવન રહેશે.
આઇકોનિક બસ પોર્ટની વિશેષતાઓ : ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસેલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. બસ પોર્ટના નિર્માણમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઈમારત મળીને કુલ 20,760 સ્કેવરફૂટમાં નિર્માણ પામ્યું છે. આ આઇકોનિક બસ પોર્ટમાં બસ માટે 15 પ્લેટફોર્મ, વેઈટીંગ રૂમ, ફૂડકોર્ટ, કેન્ટીન અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ, લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ આધુનિક તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આજે કચ્છના 266 કરોડના વિકાસના કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે. આ બસ પોર્ટના લોકાર્પણ થકી કચ્છમાં પ્રવાસ કરતા પ્રવાસીઓને ઉતમ સેવા મળી રહેશે તો સાથે જ કેવી સબ સ્ટેશનથી પણ કચ્છના લોકોને લાભ મળશે. કચ્છના છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડવા માટે કામ કરવામાં આવ્યું છે. કચ્છને હરહંમેશ વિકાસના કાર્યો માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્રેસર રાખ્યું છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન )
સ્વચ્છતાની જાળવણીની જવાબદારી લોકોની : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આજે મુખ્યપ્રધાન દ્વારા ગુજરાતના એક નંબરના બસ પોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસ પોર્ટ પર દરરોજના 25000 જેટલા મુસાફરો આ બસ પોર્ટથી આવનજાવન કરશે તો આવનારા 10 મહિનાઓ સુધી નવી 2000 બસોનું આયોજન કરવામાં આવશે. ગુજરાતના દરેક ખૂણે એસટી બસ ઉભી કરવામાં આવશે. તો રાજ્યના વાહન વિભાગ અને ગુજરાતના દરેક જિલ્લાના એસટી વિભાગ દ્વારા મુખ્ય પ્રધાનના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે ભૂજના બસ પોર્ટને એરપોર્ટ જેવું ઉભું કરવામાં આવ્યું છે ત્યારે તેની સ્વચ્છતાની જાળવણી જવાબદારી લોકોની છે.
- Bhuj Iconic Bus Port: આતુરતાનો અંત; ભુજના આઇકોનિક બસ પોર્ટનું કાર્ય પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ
- Bhuj Bus Port : ભુજમાં આઈકોનિક બસ પોર્ટનું કામ પૂર્ણતાના આરે, સિનેમાઘરથી લઈને રેસ્ટોરન્ટ સુધીની અનેક સુવિધાઓ