કચ્છ : પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહેલું કચ્છ અહીંના રાજાશાહી વખતના મહેલો, પ્રાચીન મંદિરો, સફેદ રણ, વિવિધ ડુંગરો જેવા પ્રવાસન સ્થળો દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે જિલ્લાના અંજાર તાલુકાનું ભીમાસર ગામ કે જે ગુજરાતનું એક આદર્શ ગામ છે અને એક આત્મનિર્ભર ગામ છે. મોટા મોટા શહેરોમાં જેવી આધુનિક સુવિધાઓ છે તેવી સુવિધાઓ પંચાયત દ્વારા સ્વભંડોળ એટલે કે પંચાયતની કર આવકનો ઉપયોગ કરીને ઊભી કરવામાં આવી છે.અહીઁ એક ભારતમાતાના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકોની દેશભક્તિનું એક પ્રતીક છે.
4 સિંહોની સાથે ભારતમાતાની પ્રતિમા : ભીમાસર ગામના સહારા ગ્રામમાં 2005માં ભારતમાતા નમન સ્થલની સ્થાપના કરવામાં આવી છે. આ નમન સ્થલ 2.5 એકરમાં ફેલાયેલું છે. મંદિર 22 × 15 ફૂટમાં ઉભુ કરવામાં આવ્યું છે. નમન સ્થળની સાથે એક બગીચો પણ અહીં બનાવવામાં આવ્યો છે. ભારતમાતા નમન સ્થળમાં ભારતમાતાની 8 ફૂટની એક વિશાળ રથ પર મૂર્તિ છે જેમાં આગળ ગર્જના કરતા 4 સિંહોની મૂર્તિ પણ છે.ભારતમાતાની મૂર્તિની પાછળ દેશનું ગૌરવ એવું રાષ્ટ્રધ્વજ પણ છે. ભારતમાતાના આ રથને ગર્જના કરતા 4 સિંહો દ્વારા ખેંચી જવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો
- મઢડા ખાતે વર્ષોથી મંદિરમાં બંધ અખંડ ભારતમાતાની આઝાદી ક્યારે?
- ગુજરાતના એકમાત્ર ભારતમાતાના મંદિરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઇ
- ગાંધીનગરમાં ભારતમાતાના મંદિરની માલિકી માટે VHP અને AHPનાં કાર્યકરો વચ્ચે બબાલ
ગામના પુનઃવર્સન માટે એનજીઓનું કામ :વર્ષ 2001માં કચ્છમાં આવેલા ભયાનક ભૂકંપમાં ભીમાસર ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું, પરંતુ ત્યાર બાદ 2004માં સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને પંચાયતની કરની આવકમાંથી એક વૈભવી ગામ બનાવ્યું છે. ભૂકંપના સમયે અનેક NGO સહયોગ માટે તેમજ ગામને ફરી બેઠું કરવા આગળ આવ્યા જેમાં સહારા ઇન્ડિયા વેલફેર ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા પણ ગામના પુન:ર્વસન માટે વાત કરવામાં આવી હતી.આધુનિક સુવિધાઓની શરતોને આધીન સહારા ફાઉન્ડેશન ગ્રુપ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા અને ગામના લોકોએ કલ્પના નહોતી કરી તેવી આધુનિક સુવિધાઓ અહીં વિકસાવવામાં આવી છે.
વર્ષ 2004માં સહારા ઇન્ડિયા દ્વારા ગામ દતક લેવામાં આવ્યું હતું અને સહારા ગ્રામનું અહીં લોકાર્પણ થયું હતું.અહીં ગામના લોકોમાં દેશભક્તિની ભાવના હોય અને ભારત માટે ભાવના હોય તેવા ઉદ્દેશ્ય સાથે ભારત માતાનું મંદિર સ્થાપવામાં આવ્યું હતું.આજે પણ અહીં લોકો ભારતમાતાને નમન કરે છે અને દર્શન કરવા માટે આવે છે.ગામની મુલાકાતે આવતા લોકો અને વિવિધ દેશોના ડેલીગેટ્સ પણ અહીં અવશ્ય મુલાકાત લે છે...હરેશ હુંબલ (યુવા અગ્રણી)
વિદેશી ડેલીગેટ્સ પણ લે છે મુલાકાત : ભારતમાતા મંદિરની મુલાકાતે કચ્છ આવતાં વિદેશી ડેલિગેટ પણ આવે છે. કચ્છમાં સરકારના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અન્ય રાજ્યોના અને વિદેશથી આવતા અધિકારીઓ નેતાઓ અને જાણીતી વ્યક્તિઓ દ્વારા પણ કચ્છના અનેક ટુરિસ્ટ સ્પોટની મુલાકાત લેવામાં આવતી હોય છે. ત્યારે અહીં પણ ઘણાં મહાનુભાવ ભારતમાતાને નમન કરીને ગયાં છે.
આ ભારતમાતા નમન સ્થળ ગુજરાતનું એક માત્ર સ્થળ છે જે અમારા ગામમાં છે.વર્ષ 2004માં અહીઁ સહારા ઇન્ડિયા દ્વારા ગામમાં સુવિધાઓ વિકસાવવામાં આવી હતી અને ત્યારબાદ પંચાયતના સ્વભંડોળમાંથી અહીઁ વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે.આ ભારતમાતા નમન સ્થળ ગામનું ગૌરવ છે અને દેશ વિદેશના સહેલાણીઓ અને મહાનુભવો અહીં અવશ્ય મુલાકાતે આવે છે. વીરેન્દ્ર હેઠવાડિયા (સ્થાનિક)
ગામનું ગૌરવ : ભીમાસર ગામના સ્થાનિકો પણ પોતાના ગામમાં ભારતમાતા મંદિર હોવાનું ગૌરવ અનુભવતાં હોય છે. જ્યાં નમન કરવા માત્રથી દેશભક્તિની ભાવનાનો અહેસાસ થતો હોય છે એવા સ્થળોમાં તેમના ગામનું ભારતમાતા મંદિર હોવાથી ભીમાસરના યુવાનો પણ આ સ્થળના વધુને વધુ વિકાસને લઇ ઉત્કંઠિત છે.