કચ્છ : ભુજમાં નરનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેના ભાગ રૂપે જુદી જુદી પ્રદર્શન ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં ગૌ મહિમા દર્શન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ગાય આધારિત ખેતીનું મહત્વ, ગાયનો મહિમા, ગાયના સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે અહીંયા જીવંત ગૌશાળા ઊભી કરવામાં આવી છે. તેમજ તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ સાથે અહીં ગાય આધારિત ખેતીના ફાયદાઓ સમજાવવામાં આવ્યા છે.
ગૌ મહિમા દર્શન : ગૌ મહિમા અંગે માહિતી આપતા ભુજના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણ દાસએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલથી શરૂ થનારા મહોત્સવના ઉપલક્ષમાં ગો મહિમા દર્શન એક પ્રકલ્પ છે. જે ભારતીય ગૌવંશને સમર્પિત છે. આ વિશ્વનો સૌથી પ્રથમ જીવંત ગૌ મહિમાનું વર્ણન કરતું પ્રદર્શન છે. આ પ્રદર્શનનું મુખ્ય ઉદ્દેશ્ય લોકો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે ગૌમાતા સાથે જોડાય અને ગાયની મહિમાને ચરિતાર્થ કરે તેવી ભાવના છે. 2.5 એકરમાં આ પ્રદર્શની ફેલાયેલી છે. જેમાં ગાય પ્રત્યે આપણી સદભાવના છે તે સદભાવનાને ચરિત્રમાં કેવી રીતે લાવી શકાય તે હેતુસર આ પ્રદર્શન બનાવવામાં આવ્યું છે.
ગોબર અને ગૌમૂત્રના ફાયદા : વધુમાં સ્વામીએ જણાવ્યું હતું કે, ગો મહિમા પ્રદર્શનમાં બે ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. તો પ્રેકટીકલ રીતે પ્રાયોગિક રૂપે લોકોને ગોબર અને ગૌમૂત્રનું મહત્વ સમજાવવામાં આવે છે. ગાયના ગોબર અને ગૌમૂત્રથી કંઈ રીતે ખેતી થાય છે. તેમાંથી કંઈ રીતે દવાઓ તેમજ કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે તેનું નિદર્શન અહીં કરવામાં આવી રહ્યું છે. પ્રદર્શનીમાં આગળ પંચગવ્ય ચિકિત્સા અંગે ડોક્ટર અહીં સારી રીતે સમજાવી રહ્યા છે અને માર્ગદર્શન આપી રહ્યા છે. તો ગોબર ક્રાફટનું પણ એક અલગ વિસ્તાર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં ગોબરમાંથી જુદાં જુદાં સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવી છે.
11,000 કિલો ગોબરમાંથી ઊભી કરાઇ પ્રદર્શની : ગો મહિમા પ્રદર્શન જે 2.5 એકરમાં ફેલાયેલું છે. તે પૂર્ણ રીતે ગોબરથી લીંપાયેલી છે. 1 લાખ સ્ક્વેર મીટરથી વધારે વિસ્તારની દીવાલો 11,000 કિલો ગોબરમાંથી બનેલી છે. આ પૂરા પ્રદર્શનમાં 3100થી પણ વધારે ગોબરમાંથી બનાવવામાં આવેલા તોરણો લગાડવામાં આવ્યા છે. જે મુલાકાતીઓ આ પ્રદર્શન જોવા આવે તેના માટે એક મનમોહક દ્ર્શ્ય ઉભું થાય છે અને અંદર જેટલા રંગો વાપરવામાં આવ્યા છે. તે તમામ નેચરલ છે તેવું શાસ્ત્રીય સ્વામી દેવચરણ દાસએ જણાવ્યું હતું.