કચ્છ : નરનારાયણ દેવના 200 વર્ષ પૂર્ણ થતાં કચ્છમાં પ્રથમ વખત ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. જેમાં વિવિધ પ્રદર્શનોમાં આંખે ઊડીને વળગે એવું ગૌમાતાની પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું નામ ગૌ મહિમા દર્શન રાખવામાં આવશે. આ પ્રદર્શનીમાં ગૌમાતાનું મહત્વ, સંવાદો, શૌર્યગાથાઓ, પ્રાચીન મહિમાની સાથે આજની સ્થિતિની વાતો હશે. ઉપરાંત ગાય આધારિત ખેતીના જીવંત દર્શન થશે. ગાય આધારિત કૃષિ કેમ થાય અને તમામ પ્રકારના પ્રેક્ટીકલ મોડેલ દ્વારા પણ સમજાવવામાં આવશે.
નવી પેઢી કૃષિના મેદાને : કચ્છના યુવા ખેડૂતોની નવી પેઢી મેદાનમાં આવી ગઈ છે. તો બીજા અનેક યુવાનો આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભર ભારતના આત્મનિર્ભર કૃષિની ખુશીનો આધાર લઇ આજે સમગ્ર દેશ પુન:પ્રાકૃતિક ખેતી તરફ વળી ઝીરો બજેટ ખેતીથી ખેડૂતો પોતાની આવક બમણી કરવા આગળ વધી રહ્યા છે. ખેડૂતોની આવક બમણી કરવા પ્રાકૃતિક ખેતી અમોઘ શસ્ત્ર છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાય આધારિત ખેતી.
ગાય આધારિત ખેતી અભિયાન :ભુજના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રીય સ્વામી દેવચરણદાસએ જણાવ્યું હતું કે, 17 એપ્રિલથી શરૂ થનારા મહોત્સવ અંતર્ગત છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રદર્શનીની તૈયારીઓ ચાલી રહી છે. આમ તો, ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગાય આધારિત ખેતી અભિયાન ઘણા સમયથી ચાલી રહ્યું છે. અભિયાન ગયા વર્ષથી શરૂ થઈ ચૂક્યું છે. અભિયાનમાં 200 ખેડૂતોના લક્ષ્ય સાથે પૂજ્ય મહંત સ્વામી એક સમિતિને આદેશ કરેલો એ સમિતિ કાર્યરત થઈ અને 255 ખેડૂતો આ અભિયાન હેઠળ રજીસ્ટર થયા હતા. એમાંથી 160 જેટલા ખેડૂતોએ શિયાળુ વાવેતર કર્યું અને એ શિયાળું વાવેતરમાં પ્રથમ સફળતા મળી છે. જે ઘણા લોકો એવું કહેતા હોય કે વર્ષોથી રાસાયણિક ખેતી કરી અને પછી સીધા ગાય આધારિત ખેતીમાં જઈએ તો ઉત્પાદન બહુ ઓછું મળે પણ એવું ક્યાંય જોવા મળ્યું નથી.
2.5 એકરમાં ગૌ મહિમા પ્રદર્શની :ગૌ મહિમા દર્શનની સાથો સાથ લોકો જીવનમાં ગાયનું મહત્વ સમજાય એવા ભાવથી આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે 2.5 એકરમાં ઊભું કરવામાં આવ્યું છે અને આ પ્રદર્શનમાં જેટલી દીવાલો છે તે તમામ દિવાલો કંતાનોથી, માટી અને એના પર ગાયના ગોબરથી લીંપણ કરવામાં આવેલી છે. છેલ્લા 15 દિવસથી મહિલાઓ બપોર સુધી ગામડાઓમાંથી ગોબર એકત્રિત કરે છે અને જુદી જુદી ગૌશાળાઓમાં જઈને ગોબર લઈ આવે છે. રાત્રે 10:00 વાગ્યા સુધી એ ગોબરનું લીંપણ કરતા હોય છે.