ભુજ : ભુજના મિરજાપર માર્ગ પર કચ્છ જિલ્લા ભાજપના નવા કમલમ કાર્યલયનું 1300 વારના પ્લોટ પર ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત બે માળ મળી કુલ 14000 ફૂટ બાંધકામ સાથે ઊભું કરવામાં આવ્યું છે.જેનું આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે સી.આર.પાટીલે પોતાની સ્પીચમાં કોંગ્રેસ પર વિવિધ મુદ્દે પ્રહારો કર્યા હતા તો પોતાના પક્ષના લોકો પર પણ માર્મિક પ્રહાર કરીને ટકોર પણ કરી હતી.
કોંગ્રેસ પાર્ટી પર કર્યા પ્રહારો :ભુજમાં 14 મહિનામાં કચ્છ કમલમ કાર્યાલયનું બાંધકામ તૈયાર કરીને આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે કાર્યલયના લોકાર્પણ માટે જેમને અગાઉ આ કાર્યાલયનું ભૂમિ પૂજન કર્યું હતું તેવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા જ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે તેમણે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને સંબોધીને વક્તવ્ય આપ્યું હતું જેમાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા.
2024માં રામ મંદિરના દર્શન કરવા આવજો:કચ્છ જિલ્લા નૂતન કાર્યાલય ઓપનિંગ વખતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ એવું કહેતા હતા કે ભાજપીઓ તો એમ કહે છે કે રામ મંદિર તો વહી બનાએગે લેકીન તારીખ નહીં બતાએગે તો એ કોંગ્રેસના લલ્લુઓને કહી દેજો કે 2024માં રામ મંદિરના દર્શન કરવા અયોધ્યા આવી જાય. ભાજપે આપેલું વચન નરેન્દ્ર મોદી પૂર્ણ કરી રહ્યા છે. જ્યારે 370ની કલમ દૂર કરવાની વાત આવી ત્યારે પણ કોંગ્રેસીઓ વાતો કરતા હતા પણ મોદી સરકારે મુમકીન કરી બતાવ્યું.
નરેન્દ્ર મોદીને રાજ્યસભામાં કોંગ્રેસના આગેવાનો ધમકી આપી હતી કે કાશ્મીરમાં 370ની કલમને હાથ ન લગાડતા હાથ બળી જશે અને કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવી ધમકીઓથી થોડી ગભરાય. તેમણે 370ની કલમને રદ્દ કરી નાખી અને કાશ્મીરમાં લોહીની નદીઓની વાત તો દૂર લોહીનું એક ટીપું પણ નથી પડ્યું...સી આર. પાટીલ (પ્રદેશ ભાજપ અધ્યક્ષ)
પક્ષના લોકોને ટકોર : સી આર પાટીલે આ સાથે જ મોદી સરકારમાં વિકાસના અનેક કાર્યો થયા છે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. તો પોતાના પક્ષના લોકો પર પણ માર્મિક પ્રહાર કરીને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ભાજપનાં પોતાના લોકો પર માર્મિક પ્રહાર કરતા વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નીમાબેનને કંજૂસ ગણાવ્યા હતાં અને પૂર્વ કચ્છી મંત્રીને શું બોલે છે તે તેમને જ ખબર હોય ખાલી તેવું કહ્યું હતું. તો કચ્છનાં ભાજપી નેતાઓને સંકેતની ભાષામાં જાહેરમાં ટકોર કરી હતી. નીમાબેને કમલમમાં ફાળો નથી આપ્યો તેની પાસેથી ઉઘરાણી કરજો તેવી કચ્છ જિલ્લા પ્રમુખને જાહેર ટકોર કરી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલને પણ હવે બે વાર પ્રમુખ બની ગયા તેમજ હવે ધારાસભ્ય બની ગયા ત્યારે હવે સાનમાં સમજી આગામી ચૂંટણીથી દૂર રહેવા ગર્ભિત ઈશારો કર્યો હતો.
- Kutch News : ભુજમાં કચ્છ કમલમ કાર્યાલયનું પાટીલના હસ્તે લોકાર્પણ, 14,000 ફીટ બાંધકામ સાથે વિશેષ સુવિધા હશે
- સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યપ્રધાનની કમલમ ફ્રૂટ વડે તુલા કરાઈ હતી, પરંતુ બોક્સ ખૂલતાં નીકળ્યા કેળા
- Lok Sabha Election News : આવનારી લોકસભા ચૂંટણીને લઈને પાટીલનો પરિશ્રમ શરૂ