કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમકુમાર કન્નરે ઈટીવી ભારતને જણાવ્યુ હતું કે, કચ્છમાં 5મી જાન્યુઆરીથી લઈ 11 માર્ચ સુધીમાં ચીનથી 24, થાઈલેન્ડથી 31, યુએઈથી 19, મલેશિયાથી 14, ઈરાનથી 6 સહિતના કુલ 15 દેશથી 118 મુલાકાતીઓ આવ્યાં છે. વિદેશથી આવતા મુલાકાતીઓમાં કોરોનાને લગતા કોઈ સ્પષ્ટ ચિહ્નો જોવાં મળ્યાં નથી. જોકે, તેમ છતાં આરોગ્ય તંત્રની ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રાખીને તેમના સ્વાસ્થ્યની તબીબી તપાસ કરાઈ હતી. પરંતુ, એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.
રેપિડ રિસ્પોન્સ ટીમ સાથે કચ્છનું આરોગ્ય તંત્ર સજ્જ, કોરોના સામે જાગૃતિ ઝુંબેશ - રેપિડ રિસ્પોન્સ ટીમ
ઘાતક કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. દેશભરમાં આ મુદ્દે હાલ જાગૃતિ અભિયાન પર ભાર મુકાઈ રહ્યો છે. કચ્છમાં આરોગ્ય તંત્ર સફાળે જાગી ગયું છે. વિવિધ તૈયારીઔ સાથે વિવિધ આયોજન અને શિક્ષણ વિભાગ સાથે જાગૃતિના પગલા લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં હેલ્થ કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવા સાથે તંત્રએ રેપિડ રિસ્પોન્સ ટીમનું પણ ગઠન કરી દીધું છે.
કંડલા અને મુંદ્રા જેવા પોર્ટ પર વિદેશી જહાજના ક્રૂ મેમ્બર્સને જમીન પર પગ જ મૂકવા દેવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. કચ્છ માં વિવિધ આયોજન પર પ્રકાશ પાડતા આરોગ્ય તંત્રએ સતાવાર તૈયારી કરેલા રિપોર્ટમાં જણાવાયુ છે. કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગને સાથે રાખીને 418 તબીબો, 64 મેડિકલ ઓફિસર, 331 પેરા મેડિકલ ઓફિસર અને 1065 આશાવર્કર બહેનો સાથે જાગૃતિની કામગીરી ચાલી રહી છે. સમગ્ર જિલ્લામાં 256 જેટલા હોર્ડિગ્સ લગાવાયા છે.
દર્દીઓને ક્વોરન્ટાઈનમાં રાખવા માટે ભારાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા તૈયાર કરાઈ છે. તો, જી.કે. જનરલ હોસ્પિટલમાં ચાર વેન્ટિલેટર 1150 ત્રિપલ લેયર માસ્ક. 20 એન95 પ્રકારના માસ્ક સાથે 42 બેડનો ખાસ આઈસોલેશન વૉર્ડ તૈયાર કરાયો છે જિલાલભરને ધ્યાનમાં રાખીને 7700 માસ્ક, 495 એન95 માસ્ક, 240 પીપીઈ કીટ, અને 9400 જેટલા રબર ગ્લોવસનો સ્ટોક રાખવાામાં આવ્યો છે. શંકાસ્પદ કેસોના સેમ્પલ પુના લેબોરેટરી ખાતે મોકલાશે જયારે નોડલ લેબોરેટરી તરીકે જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજ સાથે સંકલન રખાશે.