કચ્છ : 2001ના ગોજારા ભૂકંપમાં પુનર્વસનની કામગીરી કરાઇ હતી. જે તે વખતે નવી રિલોકેશન સાઈડો વિકસિત કરાઈ હતી અને લોકોને આવાસો મળ્યા, પરંતુ 22 વર્ષ સુધી સનદ મળી ન હતી, ત્યારે આજે 14 હજાર સનદ તૈયાર થઈ ગઈ છે. જેમાંથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટોકન રૂપે 20 લાભાર્થીઓને સુપ્રત કરાઈ હતી. કચ્છના 72 ગામના ભૂકંપગ્રસ્ત 10 હજાર લાભાર્થીને સનદ અને ભુજની રિલોકેશન સાઇટના 3300 લાભાર્થીને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા હતા.
22 વર્ષ બાદ સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરાયા : વર્ષ 2001માં કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ ઘણા મોટા પાયા પર રહેણાંક મકાનો જમીનદોસ્ત થઈ જતા લોકોને આવાસની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે કામગીરી કરવામાં આવી હતી. જેમાં સ્વૈચ્છીક સંસ્થા, સરકાર અને વ્યકિતગત રીતે જુના ગામતળ તેમજ ગામની બાજુમાં આવેલા સરકારી તેમજ ખાનગી જમીનો પસંદ કરીને લોકોને આવાસની સુવિધા પુરી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તે પૈકી કેટલાક કિસ્સાઓમાં સરકારી જમીન અને કેટલાક કિસ્સાઓમાં ખાનગી જમીન પર આવાસ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલું હતું, પરંતુ ધણા કિસ્સાઓમાં આવી જમીનો પર આવાસનું નિર્માણ થઈ અને અસરગ્રસ્તને આવાસના કબ્જા આપી દેવામાં આવેલા અને ત્યારથી ભૂકંપ અસરગ્રસ્ત લોકો આવા મકાનોમાં વસવાટ કરી રહ્યા છે.
નવા બનાવેલા મકાનોનું પોતાપણું :મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે કચ્છના લોકોના પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. જેથી સૌ માટે આનંદની ક્ષણ છે. ભૂકંપ પછીની પરિસ્થિતિ એવી હતી કે, કચ્છ બેઠું થશે કે નહીં તે પણ એક પ્રશ્ન હતો. જોકે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે અનન્ય પ્રેમ રહ્યો છે. વડાપ્રધાને કચ્છ માટે જે પણ કરવું પડે તે કરીને આજે કચ્છને બીજા જિલ્લાઓ સમકક્ષ જ ઝડપથી વિકાસ કરતું બનાવ્યું છે. કચ્છમાં ભૂકંપ બાદ સરકારના પ્રયત્નોથી અનેક વેપાર ઉદ્યોગો આવ્યા છે. પાણી સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત સરકારે સૌથી વધારે નાણાં કચ્છ જિલ્લા માટે ફાળવ્યા છે. મુખ્યપ્રધાન આવાસ યોજના અંતર્ગત અનેક લોકોને પોતાના આવાસો મળ્યા છે. કચ્છમાં ધરતીકંપ આવ્યો અને લોકોના ઘર પડી ગયા. પુનર્વસન થકી નવા બનાવેલા મકાનોનું પોતાપણું આજે સનદ દ્વારા પૂર્ણ થયું છે.
રેવન્યુ રેકર્ડ અસર આવેલ ન હતી :કચ્છ જિલ્લાના ઘણા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે, પરંતુ તેઓની પાસે જમીન માલીકીના પુરાવા જેવા કે સનદ કે પ્રોપર્ટી કાર્ડ મળેલ નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા વિસ્તારોમાં અસરગ્રસ્તોને માલીકીના આધાર પુરાવા આપવા માટે કાર્યવાહી કરવામાં આવેલો છે. ભુજ શહેરમાં વસવાટ કરનાર અસરગ્રસ્તોને ભુજ વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા ભુજ શહેરની આજુબાજુનાં કુલ-5(પાંચ) રીલોકેશન સાઈટ ૫૨ રહેણાંક પ્લોટ ફાળવવામા આવેલ હતા. જે પ્લોટોમાં તેઓ દ્વારા મકાન બાંધકામ કરવામાં આવેલું, પરંતુ જમીનની માપણી દુરસ્તી થયેલ ન હોય રેવન્યુ રેકર્ડ અસર આવેલ ન હતી. જે કારણસર અસ૨ગ્રસ્તોને જમીન માલીકીના પુરાવા જેવા કે સનદ કે પ્રોપર્ટી કાર્ડ આપી શકાયેલ ન હતા.