ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી - kutch monsoon

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Rupani) કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતિ ધ્યાનમાં રાખીને હાલના તબક્કા 1 અંતર્ગત રૂ. 3 હજાર 475 કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે. જેથી હવે કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી મળશે. મુખ્યપ્રધાને કચ્છના પ્રજાજનોની લાંબાગાળાની લાગણી, અપેક્ષા પરિપૂર્ણ કરવા કરેલા આ ઐતિહાસિક નિર્ણયને પરિણામે 3 લાખ 80 હજાર જેટલી માનવ વસ્તીને નર્મદાના પાણીનો લાભ મળશે.

કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી
કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી

By

Published : Jul 10, 2021, 8:33 AM IST

  • કચ્છ જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી
  • 6 તાલુકાઓના 96 ગામોને મળશે નર્મદા જળની સુવિધા
  • પાણીના અભાવે પશુપાલકો-ઢોર ઢાંખરનું સ્થળાંતર અટકશે

કચ્છઃગુજરાતની જિવાદોરી સમાન બહુહેતુક નર્મદા (Narmada) પૂરના વહિ જતા વધારાના 3 મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) એ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે કર્યો હતો. મુખ્યપ્રધાનના માર્ગદર્શનમાં આ નિર્ણયથી સૌરાષ્ટ્રમાં સૌની યોજના અને ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના અન્વયે આ પાણી પહોંચાડવાના મોટા ભાગના કામો પૂર્ણ થયા છે.

કચ્છના ખેડૂતો માટે આનંદો...જિલ્લાને મળશે નર્મદાનું વધારાનું 1 મિલિયન એકર ફીટ પાણી

1 મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાનો ઐતિહાસિક નિર્ણય

વડાપ્રધાને કચ્છ પ્રદેશને ફાળવાયેલા 1 મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ મળી શકે તે હેતુસર એક ઐતિહાસિક નિર્ણય લઇને કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખી છે, તેમજ હાલના તબક્કા-1 અંતર્ગત રૂ. 3475 કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

પશુપાલકો-ખેડૂતોને પાણી મળતાં મબલક ઉત્પાદન મેળવશે

કચ્છ પ્રદેશમાં હવે આ નર્મદાનું વધારાનું પાણી મળતું થવાથી ખેડૂતો મબલક પાકનુંં ઉત્પાદન કરી શકશે અને લોકોનું જનજીવન ધોરણ ઊંચુ આવવા સાથે આર્થિક સમૃદ્ધિ પણ વધશે. કચ્છ જિલ્લામાં પશુપાલન પણ મુખ્ય વ્યવસાય છે. તેવા સંજોગોમાં નર્મદાનું આ પાણી કચ્છને મળવાથી ઢોર-ઢાંખર માટે ઘાસચારાની સમસ્યાનો અંત આવશે અને દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે. આ ઉપરાંત અગાઉ પાણીના અભાવે કચ્છના પશુપાલકોનું ઢોર-ઢાંખર સાથે સ્થળાંતર કરવું પડતું હતું તે પણ હવે અટકશે.

પ્રથમ તબક્કા હેઠળ 3,475 કરોડ રૂપિયાના કામો હાથ ધરાશે

મુખ્યપ્રધાને પ્રથમ તબક્કા હેઠળ 3 હજાર 475 કરોડ રૂપિયાના કામો હાથ ધરવાની જે સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે તેમાંથી જળસંપત્તિ વિભાગ દ્વારા સરન જળાશય, સર્ઘન લીંક-તબક્કો-1, હાઇ કન્ટુર સ્ટોરેજ, નોર્ધન લીંક તબક્કો-1ના વિવિધ કામો હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

105 કીમીની પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવામાં આવશે

કચ્છ શાખા નહેરની સાંકળ 105 કીમીની પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. 500 કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ થવાથી રાપર તાલુકાના 9 ગામોના અંદાજે 42 હજાર એકર વિસ્તારને સિંચાઇમાં તથા 50 હજાર લોકોને લાભ થશે.

4 તાલુકાના 20 જળાશયોમાં પાણીની નાખવામાં આવશે

સધર્ન લીંક (તબક્કો)-1 અંતર્ગત ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દસરડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. આ કામોને પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના 35 ગામોના અંદાજે 75,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે. એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના 6, મુંદ્રા તાલુકાના 6, માંડવી તાલુકાના 5 અને ભુજ તાલુકાના 3 એમ કુલ 20 જળાશયોમાં પાણી નાખવામાં આવશે.

અંજાર અને ભુજ તાલુકાના 20 ગામોના 1.10 લાખ લોકોને લાભ મળશે

હાઇ સ્ટોરેજ અન્વયે આ લીંક હેઠળ ટપ્પર જળાશયમાંથી ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. આ કામોને પણ અંજાર અને ભુજ એમ 2 તાલુકાના કુલ 20 ગામોના અંદાજે 38,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ તાલુકાના 6 જળાશયોમાં પાણી નાખવામાં આવશે.

ટપ્પર જળાશયમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી પાણી પહોંચાડાશે

નોર્ધન લીંક: તબક્કા 1 અનુસાર આ લીંક હેઠળ તબક્કા-1માં ટપ્પર જળાશયમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામો થવાથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ 32 ગામોના અંદાજે 80 હજાર એકર વિસ્તાર તથા 1,45,000 લોકોને લાભ મળશે.

કચ્છના 6 તાલુકાના 96 ગામોને નર્મદાના પાણીનો લાભ મળશે

આ તમામ કામો હાથ ધરવાથી પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના 6 તાલુકા રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભુજ અને નખત્રાણાના 96 ગામોના અંદાજે 2,35,000 એકર વિસ્તારમાં પાણીની સુવિધા પુરી પાડી શકાશે તથા અંદાજે 3,80,000 લોકોને લાભ મળશે.

આ પણ વાંચોઃકચ્છ સરહદી વિસ્તારમાં 1 મિલિયન એકર ફિટ નર્મદાની પાણી પહોંચશે

સરન જળાશય સહિત 38 જળાશયોમાં નર્મદાના પાણી નાંખવાનું આયોજન

આ યોજનાકીય કામોમાં પાઇપલાઇનથી પાણી આપવાનું આયોજન છે. તેથી પાણીનો બગાડ થશે નહીં અને પાણીનો મહત્તમ ઉપયોગ થતા તેના વધુમાં વધુ લાભો મેળવી શકાશે.
આમ, આ કામોમાં હાલના તબક્કે સરન જળાશય સહિત કુલ 38 જળાશયોમાં પાણી નાખવાનું આયોજન છે. ઉપરાંત ચેક્ડેમો અને તળાવોમાં પણ પાણી નાખવાના આયોજનને પરિણામે ભુગર્ભ જળ પણ ઉંચા આવશે અને આસપાસના વિસ્તારમાં લોકોને સીધો લાભ થશે અને કચ્છ વિસ્તારમાં નર્મદા જળથી કૃષિ-પશુપાલનના વિકાસને નવી દિશા મળશે.

ABOUT THE AUTHOR

...view details