કચ્છ :કચ્છમાં સરહદ ડેરીના નવા ચાંદરાણી પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાશનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કચ્છજિલ્લાની સહકારી સંસ્થા કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા હાલમાં કચ્છ જિલ્લાના લોકોના ઘરમાં જે ખાટી છાશ પીવાનું ચલણ છે. તેવા ખાટા સ્વાદની અમૂલ ખાટી છાશનું આજથી સરહદ ડેરીના નવા ચાંદરાણી પ્લાન્ટ ખાતેથી અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને આવતીકાલથી તે કચ્છની બજારમાં ઉપલબ્ધ થશે.
કચ્છ અમૂલના નવા પ્લાન્ટ ખાતેથી અમૂલ ખાટી છાશ સાથે મસાલા છાશ બજારમાં ઉપલબ્ધ થશે. આ છાશ 400 ML પાઉચમાં રૂપિયા 10માં આવતીકાલ 27મી મેથી કચ્છના બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રકારની ખાટી છાશ અમૂલ બ્રાન્ડ હેઠળ સૌ પ્રથમ કચ્છથી શરૂ કરવામાં આવી છે. હવે ધીમે ધીમે ગુજરાત અને ત્યારબાદ ભારતભરમાં આ પ્રકારની અમૂલ ખાટી છાશ બજારમાં મળતી થશે.- વલમજી હુંબલ (સરહદ ડેરીના ચેરમેન)
અમુક મસાલા છાશ પણ થશે ઉપલબ્ધ :વધુ માહિતી આપતા વલમજી હુંબલે જણાવ્યું હતું કે, અમૂલ મસાલા છાશ 340mlના પેકમાં પણ આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતેથી પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રતિ પેક રૂપિયા 11માં આવતીકાલથી કચ્છની બજારમાં ઉપલબ્ધ થશે. તમામ લોકો આ ખાટી છાશ તેમજ મસાલા છાશનો લાભ લે અને આગામી સમયમાં ભારતભરના લોકોને પણ તેનો લ્હાવો લેવાનો અવસર મળશે.