લોકોની નજરે શું અસર પડશે તેનો સંદેશ કચ્છ : ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડયું છે. તેવામાં રાજ્ય સરકારના દ્વારા ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. જેમાં કચ્છના ધોરડો ખાતે જો દારૂની છૂટ આપવામાં આવશે તો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને હાનિ પહોંચશે અને સભ્યતા પર અસર પડશે તેવું લોકોએ જણાવ્યું હતું.
દારૂની છૂટ અંગે કચ્છના લોકોના મંતવ્ય : રાજ્ય સ્તરેથી મળતી માહિતી મુજબ રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ઉદ્યોગો અને પ્રવાસનના મહત્વના સ્થળો પર સરકાર દ્વારા દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે તેવું સરકારે જણાવ્યું હતું.
દારૂની છૂટનો નિર્ણય થઇ શકે છે :ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર વિદેશી ઉદ્યોગકારોને આકર્ષવા માટે ગયા અઠવાડિયે ગિફ્ટ સિટી ખાતે દારૂની છૂટ આપી હતી. સરકારના આ નિર્ણયને કેટલાક લોકોએ આવકાર્યો હતો તો કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો હતો. ત્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં આવેલા મહત્વના પ્રવાસન સ્થળોએ પણ દારૂની છૂટ આપવા માટે પણ વિચારણા ચાલી રહી હોવાની જાણવા મળી રહ્યું છે. જેમાં રાજ્યના ધોરડો, સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં દારૂની છૂટ આપવા અંગે સરકાર આગામી સમયમાં નિર્ણય લઈ શકે છે.
દારૂબંધીના ધજાગરા ઉડે તેવા નિર્ણયો : કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં યોજાતા રણોત્સવ પાસેના ગામ ધોરડોમાં પણ દારૂની છૂટ આપવામાં આવે તેવી વાતો ચાલી રહી છે ત્યારે કચ્છના લોકો આ વાતનો વિરોધ કરી રહ્યા છે અને દારૂબંધીના ધજાગરા ઉડે તેવા નિર્ણયો સરકાર ના કરે તેવી વાત કરી હતી.કારણ કે જો દારૂની છૂટછાટ આપવામાં આવશે તો કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને હાની પહોંચશે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું.
સરકાર દારૂબંધી હટાવી અત્યાચાર કરવા માંગે છે :કચ્છના ખેડૂત અગ્રણી હરેશ આહિરે જણાવ્યું હતું કે, સરકાર વિકાસના પડઘા ફૂંકી રહી છે કે ગુજરાત વિકસિત રાજ્ય છે ત્યારે એ જ સરકાર વિકાસના પેરામીટરમાં દારૂની છૂટછાટ આપે છે જે યોગ્ય નથી.આ ગાંધીનું અને સરદાર પટેલનું ગુજરાત છે, આ ભૂમિ પર દારૂ કોઈ પણ હિસાબે ચલાવી લેવામાં ના આવે.દારૂબંધી હોવા જ જોઈએ. સરકારે ગિફ્ટ સિટીમાં ચાલુ કર્યું અને આવનારા સમયમાં કચ્છના ધોરડો તેમજ અન્ય સ્થળો પર ચાલુ કરવાની વિચારી રહી છે ત્યારે સરકાર દારૂબંધી હટાવી અત્યાચાર કરવા માંગે છે. દારૂ પીવું એ ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરામાં નથી.જે લોકો કહે છે કે દારૂની છૂટ આપવી જોઈએ તેમણે ખરેખર પહેલા કાયદો વ્યવસ્થા સંભાળવી જોઈએ. દારૂબંધીના કારણે જે હપ્તા વસૂલી અને કૌભાંડો થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ અને કોઈ પણ હિસાબે દારૂબંધી ન ઉઠવી જોઈએ.
સરકાર દારૂડિયાઓ ભેગા કરવા માંગે છે : ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીને જણાવ્યું હતું કે,ગુજરાત બહારથી આવી રહ્યા છે એમના માટે પરમિટ સિસ્ટમ છે અને એમને એમનો દારૂનો કોટો મળી રહે છે.જો દારૂબંધી દૂર કરવામાં આવશે તો એના બીજા ગંભીર પરિણામ મળશે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે દારૂબંધી આમ પણ નામ માત્ર કાગળ ઉપર જ રહી છે અત્યારે પણ તમે ગમે ત્યારે સવારના 8 વાગ્યાથી રાત સુધી તમને ભુજના અમુક રસ્તા ઉપર દારૂડિયા મળશે, ખુલ્લેઆમ દારૂ મળી રહ્યું છે.ખરેખર તો સરકારે આ બંધ કરવાની જરૂર છે આ સરકાર તો આને ઉત્તેજન આપી અને હજી વધારે દારૂડિયાઓ ભેગા કરવા માંગે છે કે શું તે સમજાતું નથી. આમ પણ રાજ્યમાં બેરોજગારીનું સામ્રાજ્ય ઉભું થઇ ગયું છે તો શું બેરોજગારોની હતાશા દૂર કરવા માટે આવા પગલાં લઈ રહી છે સરકાર.
ભાજપ દારૂના પૈસાથી જ ચાલી રહી છે : ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે ગાંધી વિરોધી માનસિકતાના ભારતીય જનતા પાર્ટીના લોકોને ગાંધીજીનું ગુજરાત છે તેમાં દારૂબંધી છે તે તેમને પસંદ નથી માટે દારૂબંધીનો અમલ પણ પૂરતો થઈ રહ્યો નથી.30 વર્ષથી આ ભાજપ દારૂના પૈસાથી જ ચાલી રહી છે.પોલીસના મોટા અધિકારીઓ આજે કરોડપતિ બની ગયા છે. દરેકને હપ્તા પહોંચી રહ્યા છે. સરકારે ખરેખર એક નિર્ણય લેવો જોઈએ કે કા તો દારૂબંધી રાખે તો તેનો ચુસ્ત અમલ થવો જોઈએ અને જો દારૂબંધી હટાવી નાખવી હોય તો ભ્રષ્ટાચારના જે રૂપિયા ભાજપ અને અધિકારીઓના ખિસ્સામાં જાય છે તેનો પ્રજા પાછળ ઉપયોગ થઈ શકે તેમ કરવું જોઈએ.
કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને થશે નુકસાન : બન્ની વિસ્તારમાં યુવા અગ્રણી યાકુબ મુતવાએ દારૂની છૂટછાટનો વિરોધ કરતા વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે હમણા અમુક જગ્યા ઉપર દારૂની છૂટની જે વિચારણા કરી છે એ ગાંધીના ગુજરાતને શોભા ના આપે.ગુજરાત રાજ્ય હંમેશા પ્રગતિશીલ રાજ્ય રહ્યું છે અને એની ઓળખ ધંધા ઉપર થાય છે. ગુજરાતમાં દારૂની છૂટ કરી અને સફેદ રણ પાસેના ધોરડો ગામમાં કે જે પોતાના દેશી કલ્ચરથી જાણીતું છે તમે જોઈ શકો છો કે દેશી ભૂંગા અને તમામ દેશી કલ્ચર અને ભેંસો ગાયો અને જૂનું કલ્ચર છે. આ વિસ્તારમાં દારૂની છૂટછાટ લાવી અને વિસ્તારને બરબાદ કરવા માંગે છે. ખાસ કરીને આ વિસ્તાર 95 ટકા મુસ્લિમ વિસ્તાર છે જે મુસ્લિમ ધર્મમાં પણ દારૂને ચોખ્ખું હરામ કહેવામાં આવ્યું છે.આ વિસ્તારમાં દારૂની છૂટ આપી અને ગુજરાત સરકાર શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી. ગુજરાત સરકાર આ ધોરડો જેવા દેશી કલ્ચરવાળા વિસ્તારમાં દારૂની છૂટ ન આપે તેવી માંગણી છે.
- વલસાડ પોલીસ 28થી 31મી ડિસેમ્બર સુધી 38 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરશે, દારુ પીને ગુજરાત પ્રવેશ્યા તો ખેર નથી!!!
- 31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન