કચ્છ : કચ્છ યુનિવર્સિટી જીયોલોજીસ્ટ વિભાગના ડૉક્ટર એમજી ઠકકરે ઇટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કચ્છમાં ધોળાવીરા જેવી 115 જેટલી સાઇટ છે. સમગ્ર ગુજરાતમાં 150 જેટલી સાઇઝ છે, તે ઉપરથી અંદાજો લગાવી શકાય કે, આજથી પાંચ હજાર વર્ષ જૂની સભ્યતા અને સંસ્કૃતિ હતી. તે કેવી હતી તે જાણવા માટે કચ્છ સૌથી મોટી સાઈટ છે અને 115 સાઇટમાંથી ધોળાવીરાને જ્યારે સમગ્ર વિશ્વ સમક્ષ મુકવાનું એક પગલું ભરાયું છે તે આવકારદાયક છે.
ધોળાવીરાના વિકાસ સાથે કચ્છ પ્રવાસનને લાગશે ચાર ચાંદ - ધોળાવીર સાઇટ
ધોળાવીરા સાઈટને આર્કિયોલોજીકલ સાઇટ તરીકે વિકસાવવાની જાહેરાત સાથે કચ્છમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 1980ના દશક થી 20 વર્ષ સુધી ચાલેલા ઉત્ખનન બાદ છેલ્લા દસકાથી આ સાઇટ બંધ હાલતમાં છે. કચ્છમાં વધી રહેલા પ્રવાસન વચ્ચે પ્રવાસનની સૌથી વધુ તાકાત ધરાવતા ધોળાવીરા હડપ્પા સાઈટ સુધી પ્રવાસીઓ પહોંચતા ન હતા. આ વચ્ચે રાજ્ય સરકારે ઘડુલી સાંતલપુર માર્ગનું નિર્માણ શરૂ કરી દીધા બાદ ફરી એક વખત ધોળાવીરાને વધુ ઉજાગર કરવા આર્કિયોલોજીકલ સાઇટ તરીકે વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે.
કચ્છમાં આ રીતે વધુ કામ થવા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું હતું કે, કચ્છમાં ધોળાવીરાના આ વિકાસ સાથે જ પ્રવાસનને પણ વધુ ઉજાગર થવાની તક મળશે. ધોરડોના સફેદ રણ સુધી પહોંચતાં પ્રવાસીઓ તેની નજીકમાં જ આવેલા ધોળાવી જઇ શકતા નહોતા. કારણ કે, તે બંને વચ્ચે અફાટ રણ આવેલો છે. પણ આ રણ વચ્ચેથી ઘડુલી સાંતલપુર બનવાનું શરૂ થઈ ગયું છે. તે સાથે હવે ધોરડો સફેદ રણ જતા પ્રવાસીઓ માત્ર 20 કિલોમીટરનું અંતર કાપીને ધોળાવીરા સુધી પહોંચેશે અને તેથી કચ્છમાં પ્રવાસન સર્કિટ તૈયાર થઈ જશે. તેથી આ ધોળાવીરા સાઈટને પણ ખૂબ વિકાસ થશે અને રોજગારી સહિતના અનેક પ્રશ્નોનો પણ ઉકેલ થશે.