ગાંધીધામઃ કાસેઝના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ઝાડીઓમાંથી બે વર્ષના માસુમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં બી ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો અજાણ્યા શખ્શ વિરુદ્ધ દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આ સમગ્ર કેસ સોલ્વ કરી લીધો છે. તેમજ આ મૃતકના કૌટુંબિક સગા એવા હત્યારા રુદલ રામલખન યાદવને ઝડપી લીધો છે.
Kutch Crime News: બે વર્ષીય માસુમ બાળકના હત્યારાની પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ - કૌટુંબિક સગાએ કરી હત્યા
ગાંધીધામમાં બે વર્ષના માસુમ બાળકનો મૃતદેહ ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાની ધરપકડ કરી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ
Published : Oct 30, 2023, 6:29 PM IST
સમગ્ર ઘટનાક્રમઃ ચારેક મહિના પહેલા હત્યારો રુદલ યાદવ મૃતક અમનના માતા-પિતાને મજૂરી અર્થે ગાંધીધામ લઈ આવ્યો હતો. રુદલ અને અમનના પિતા બંને બિહારના વતની છે અને કૌટુંબિક સંબંધી છે. ગાંધીધામમાં બંને પરિવારો એક જ ફ્લેટમાં ભાડે રહેતા હતા. આ ફ્લેટમાં બંને પરિવારો વચ્ચે કજીયા કંકાસ થતા હતા. આ કજીયાથી કંટાળીને અમનના માતા પિતા કાસેઝ પાસે ભક્તિનગરમાં રહેવા આવી ગયા હતા. રુદેલના મનમાં હજુ પણ વેરના બીજ રોપાયેલા હતા. તેણે અદાવત રાખીને ગુસ્સામાં આવીને 2 વર્ષના માસુમ અમનની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી દીધી હતી. પોલીસે આ માસુમની કરપીણ હત્યા કરનારા આ નિર્દયી હત્યારાને ઝડપી લીધો છે.
પોલીસ કાર્યવાહીઃ મૃતક અમનના પિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્શ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બલભદ્ર સિંહ એસ. ઝાલા તથા સ્ટાફ જગુભાઈ મછાર, કિશોર સિંહ જાડેજા, ઈશ્વર સિંહ જાડેજા, હીરાભાઈ ચૌધરી, પ્રવિણ સિંહ જાડેજા તેમજ રાજેન્દ્રભાઈ પરમારે સાથે મળીને ઝીણવટભરી તપાસ આદરી હતી. સમગ્ર સ્ટાફની મહેનત રંગ લાવી અને ગણતરીના કલાકોમાં આ કેસ સોલ્વ કરી દીધો હતો.