કચ્છ : બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારના હોડકો ગામમાં 15માં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પશુ પ્રદર્શન અને હરીફાઈમાં પશુ વેચાણ, પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડા દોડ, દૂધ દોહન હરીફાઈ, પ્રદર્શન ઝાંખી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પશુ મેળામાં ભેંસ, પાડા, ગાય, આંખલા વગેરે પશુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ખરીદ વેચાણ પણ કરવામાં આવ્યું હતું.
પશુઓની ખરીદ વેચાણ બજાર :પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે સ્થાનિક સ્તરે રાજ્ય અને દેશ સ્તરે વિશિષ્ટ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા આ આયોજન કરાય છે. દર વર્ષે યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં, પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી પણ વેપારીઓ અને માલધારીઓ ભેંસ, કાંકરેજ ગાય, ગીર ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચ માટે આવે છે.
જુદી જુદી હરીફાઈઓ યોજવામાં આવી : પશુ મેળાના ઉદ્ઘાટન બાદ સૌ પ્રથમ પશુ વેંચાણ કરવામાં આવ્યું હતું. બન્નીના હોડકો ખાતેના આ દ્વિદિવસીય પશુમેળામાં ભેંસ તંદુરસ્તી, ભેંસ દૂધદોહન, પાડા તંદુરસ્તી, ગાય તંદુરસ્તી, આખા તંદુરસ્તીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરેક હરિફાઇના વિજેતાઓને રૂપિયા 2000થી રૂપિયા 10,000 સુધીના ઇનામો આપવામાં આવશે.
કાંકરેજ ગાય અને બન્નીની ભેંસ ખરીદવા આવ્યા પશુપાલક : પશુ મેળામાં અમદાવાદથી આવેલા પશુપાલક દશરથ દેસાઈએ જણાવ્યું હતું કે, બન્નીની ભેંસ અને કાંકરેજ ગાય જોવા અને ખરીદવા અહીઁ આવ્યા છીએ. બન્નીની ભેંસ દૂધાળી હોય છે અને 10થી 20 લીટર સુધીનું દૂધ આપે છે. અમારી પાસે ગીર ગાય, કાંકરેજ ગાય, કચ્છી ઊંટ પણ છે. આજે સારા ભાવે કાંકરેજ ગાય અને બન્ની ભેંસની સારી નસ્લ અને સારા ભાવ મળશે તો ખરીદી કરીશું. ભેંસના ભાવ 1 લાખથી 3 લાખ સુધી હોય છે તો કાંકરેજ ગાયના 50,000થી 1 લાખ સુધીના ભાવ હોય છે.
થરાદથી ખરીદી કરવા આવ્યા પશુપાલકો : થરાદ ગામથી આવેલા પશુપાલકે જણાવ્યું હતું કે પોતાની પાસે ગાયો અને ભેંસો છે અને અગાઉ પણ કચ્છની બન્ની નસલની લાખેણી ભેંસો ભેંસોની તેઓ ખરીદી ચૂક્યા છે. અહીઁ ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું છે. બન્નીની ભેંસની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોતા 15 લીટર જેટલું દૂધ ભેંસો આપે છે. બન્ની વિસ્તારની ભેંસો દેખાવમાં પણ ખૂબ સારી હોય છે તો તંદુરસ્ત પણ હોય છે. 3 લાખ સુધીમાં આ ભેંસો વેચાય છે.
ભેંસ 8થી 12 લીટર દૂધ આપે છે :પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલક કાનાભાઈ રૂપાએ જણાવ્યું હતું કે, કચ્છના બન્ની વિસ્તારની ભેંસના વેચાણ માટે આવ્યા છીએ. બન્નીની ભેંસ ઓરીજનલ ભેંસ છે જે સામાન્ય રીતે 8થી 12 લીટર દૂધ આપતી જ હોય છે. કોઈ ભેંસ બંને સમયે 12 લીટર દૂધ આપે છે. આ મેળામાં ખુબ સારું આયોજન કરવામાં આવે છે. બન્નીની આ ભેંસ ઘણા વર્ષોથી તેમની પાસે છે. બન્ની નસલની આ ભેંસ છે તે ગાભણી થયા પછી 8-9 મહિના દૂધ આપે છે. ભેંસો છે તે 5થી 6 લાખ સુધીમાં વેચાતી હોય છે, જ્યારે પાડો છે તે 3થી 3.5 લાખ સુધીમાં વેચાતો હોય છે. આ વિસ્તારમાં સરહદ ડેરી અને માહી ડેરી દ્વારા સ્થાનિક સ્તરે દૂધ કલેક્શન કરવામાં આવતું હોય છે અને 50થી 60 રૂપિયે લિટર તેની કીમત પણ મળતી હોય છે.
- ગોળાકાર શીંગડાવાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ
- બન્ની પશુ મેળામાં કચ્છીમાડુનો પશુ સાથેનો પ્રેમ પરદેશી પ્રવાસીઓએ જોયો
- Animal Pregnancy : ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, ગાય-ભેંસની ગર્ભાવસ્થા માટે સરકાર આપશે સહાય