કચ્છ : ભુજથી મુન્દ્રા રોડ પર જતા સેડાતા પાસે આવેલા હાઈલેન્ડ રીસોર્ટમાં 2જી જૂનની રાત્રે અમદાવાદની 22 વર્ષીય યુવતીએ પોતાના સાથે થયેલા કથિત દુષ્કર્મની ફરિયાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નોંધાવી હતી. તેના પગલે યુવકે આત્મહત્યા કરી લેતા આ ચકચારી પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. જેમાં મૃતક આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 મહિલા સહિત કુલ 9 આરોપીએ 4 કરોડની ખંડણી માંગવાનું કેસ સામે આવ્યું છે. આજે આ મામલે આહીર સમાજે માધાપરમાં રેલી યોજી તટસ્થ તપાસ માટે કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પી.સમક્ષ રજૂઆત કરી હતી.
આહીર સમાજનાં નવયુવાન દિલીપ ગાગલનું હનીટ્રેપમાં ફસાવીને ષડયંત્ર રચીને જેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવામાં આવ્યો છે. તેને ન્યાય મળે તેમજ આહીર સમાજને ન્યાય મળે અને તેના પરિવારજનોને ન્યાય મળે તે માટે અહીં એક આહીર સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ રેલી સ્વરૂપે કચ્છ કલેકટર અને પશ્ચિમ કચ્છ એસ.પીને આવેદનપત્ર આપ્યું છે. આ પ્રકરણમાં કરોડો રૂપિયા માંગવામાં આવેલા અને નિર્દોષ વ્યક્તિ પર ખોટો દુષ્કર્મની ફરિયાદ કરવામાં આવી. આ ષડયંત્રમાં જે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું જેમાં બહાર આવ્યું હતું કે કોઈ રીતે દુષ્કર્મ કરવામાં નથી આવ્યું. માત્ર ને માત્ર પૈસા પડાવવા માટેનું ષડયંત્ર કરવામાં આવ્યું છે. જે કચ્છમાં અનેક જગ્યાએ બની રહ્યું છે માટે તાત્કાલિક આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવે અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે.- વી.કે. હુંબલે (આહીર સમાજના અગ્રણી)
પોલીસે ફરિયાદીનું લીધું નિવેદન :હાલમાં માધાપરની રાજા રેસિડેન્સીમાં ૨હેતા અને મૂળ ભુજ તાલુકાના ઢોરી ગામના વતની 32 વર્ષિય દિલીપ ગાગલ પર અમદાવાદની 22 વર્ષીય યુવતીએ શુક્રવારે રાત્રે જી.કે. જનરલ હોસ્પિટલમાં તેની સાથે હાઈલેન્ડ રીસોર્ટમાં દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ SCST સેલના Dysp એમ.જે. ક્રિશ્ચિયને હાથ ધરી હતી. જેમાં ફરિયાદીની નિવેદન લેતા સમયે ફરિયાદથી વિપરીત નવો ઘટસ્ફોટ થયો હતો. Dysp ક્રિશ્ચિયને મહિલા સામાજિક કાર્યકર, મહિલા પીએસઆઈ અને દિવ્યાની માતાની હાજરીમાં સમગ્ર ઘટના અંગે દિવ્યાનું વિસ્તૃત નિવેદન નોંધ્યું હતું.
આ કેસની ફરિયાદી દિવ્યાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તે અમદાવાદની આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરે છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોતા તે અમદાવાદમાં એક ટૂર પેકેજ પ્લાન કરતી કંપનીમાં નોકરી કરતી હતી, પરંતુ કંપની બંધ થઈ જતાં તે બેકાર બનેલી અને કંપનીમાં કામ કરતા તેના લીડર અજય પ્રજાપતિએ આ કંપનીમાં નાણાંકીય રોકાણ કર્યું હતું, પરંતુ તેને પણ આર્થિક નુકસાની થઈ હતી. અજય પ્રજાપતિએ થોડાંક મહિના અગાઉ દિવ્યાને તેમની બંધ થઈ ગયેલી કંપનીની ઓફિસ પર બોલાવી મે વડોદરાથી આવેલા અખલાક પઠાણ સાથે ઓળખાણ કરાવી હતી. - ડો.કરણરાજ વાઘેલા (SP, પશ્ચિમ કચ્છ)
બિઝનેસમેનને ફસાવવા રચાયું હતું કાવતરું :અજય અને દિવ્યા વાતચીત કરતા સમયે અખલાકે કુવૈતના એક બિઝનેસમેન સાથે વોટસએપથી પરિચય કેળવ્યો હતો. તેને અમદાવાદ બોલાવી તેના ૫ર દુષ્કર્મનો આરોપ મૂકવાની વાત કરી હનીટ્રેપમાં ફસાવવા અંગેની વાત મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીએ દિવ્યાને કરી હતી. મનીષા સાથે કામ ચાલું કરવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ પેમેન્ટ અંગે વાત થયેલી અને થોડાંક દિવસ પછી દિવ્યા અને મનીષા વચ્ચે અવારનવાર વોટસએપ કૉલથી વાતચીત થતી રહેતી હતી. કુવૈતના બિઝનેસમેનનો ગુજરાત આવવાનો પ્રવાસ રદ્દ થતાં મનીષા અને અન્ય આરોપીઓની પ્લાનિંગ નિષ્ફળ ગઈ હતી.
ભુજના કરોડપતિ યુવકને બનાવાયો ટાર્ગેટ :આ પ્રકરણની મુખ્ય આરોપી અને માસ્ટર માઈન્ડ મનીષાના કહેવા મુજબ દિવ્યાએ માધાપરના દિલીપ ગાગલ નામના યુવકના સંપર્કમાં આવીને વાતચીત કરવાનો દોર શરૂ કર્યો હતો. મુખ્ય આરોપી મનીષાએ દિવ્યાને જણાવેલું કે દિલીપ આહીર 197 ટ્રકનો માલિક છે, તેનો પોતાનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે, તેની પાસે કરોડો રૂપિયા છે અને તેની સાથે સંબંધ વિકસાવીને ભુજ આવી તેની સાથે એકાંતમાં સમય વીતાવી રેપના ખોટા કેસમાં ફસાવીને ચા૨ કરોડ પડાવવાના છે. તેમાંથી એક કરોડ રૂપિયા મનીષાએ દિવ્યાને આપવાનું જણાવેલું. હનીટ્રેપના આ ષડયંત્રમાં મનીષાનો પતિ ગજુગીરી ગોસ્વામી, અંજારની મહિલા વકીલ કોમલબેન મકવાણા, આકાશ મકવાણા, અઝીઝ તથા રિધ્ધિ વગેરે લોકો પણ સામેલ થયાં હતા.
કુલ 9 આરોપીઓ :આ હનીટ્રેપના આરોપીઓમાં અગાઉ જેન્તી ભાનુશાલી મર્ડર કેસની આરોપી અને હનીટ્રેપના અનેક ગુનામાં સંડવાયેલી અને હાલમાં પાલારા જેલની અંદર છે. તે મનીષા ગોસ્વામી, તેનો પતિ ગજુ ગોસ્વામી, દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવનારી દિવ્યા ચૌહાણ, અંજારના એડવોકેટ આકાશ મકવાણા અને કોમલબેન મકવાણા, અમદાવાદનો અજય પ્રજાપતિ, વડોદરાનો અખલાક પઠાણ અને ભુજનો અઝીઝ સમાં અને રિદ્ધિ નામની યુવતીનો સમાવેશ થાય છે.
દિવ્યાએ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી :પોલીસે ફરિયાદી દિવ્યાનું નિવેદન લેતાં બહાર આવ્યું કે, હકીકતમાં દિવ્યા સાથે દિલીપનો કોઈ શારીરિક સંબંધ બંધાયો જ ન હતો, પરંતુ દિવ્યાએ દિલીપ સાથે શારીરિક સંબંધ બંધાયો હોવાની ખોટે ખોટી ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવી હતી. ઉપરાંત તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું કે, દિલીપે તેને ક્યાંય પણ બળજબરીપૂર્વક ફાર્મ હાઉસમાં ન હતો લઈ ગયો કે ના તેણે કોઈ દુષ્કર્મ આચર્યું હતું. પોતે રૂપિયાની લાલચમાં આવી જઈને મનીષા અને તેના સહઆરોપીઓના કહેવાથી ષડયંત્રમાં સામેલ થઈ દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી છે.
દિવ્યાને એડવાન્સમાં 1 લાખ અપાયા હતા :કરોડપતિ દિલીપ આહીરને હની ટ્રેપમાં ફસાવવા માટે મનીષાએ દિવ્યાને એડવાન્સમાં એક લાખ રૂપિયા મોકલ્યા હતાં. જેમાંથી તેણે 40,000 અજય પ્રજાપતિને આપ્યા હતા તો 50,000 પોતાના ઘરે રાખેલાં અને 10,000 રૂપિયા સાથે લઈને ભુજ આવી હતી. પોલીસે દિવ્યા પાસે રહેલાં બે મોબાઈલ ફોન કબ્જે કર્યાં જતાં તો તપાસ દરમિયાન સામે આવ્યું હતું. એમ મનીષાએ દિવ્યા પાસેથી તેના વોટસએપનો ઓટીપી મેળવીને દિવ્યા બનીને દિલીપ સાથે સેટિંગ કરી હતી.